Sunday, 20 July 2014
આજ ની "ટૂંકી વાર્તા"..." એકાગ્રતા "
બે મિત્રો હતા. નાનપણથી સાથે ભણતા અને સાથે રમતા મોટા થયા. યુવાનીમાં ડગ માંડતાં હવે જીવનનિર્વાહ માટે કાર્યરત થવાનું નક્કી કર્યું.
બન્ને મિત્રોએ એકસાથે નાનકડા વેપારનો પ્રારંભ કર્યો. બન્નેના વેપારનો પ્રકાર પણ એક જ હતો. વેપારની શરૂઆતના દિવસો આમ પણ દરેક વેપારી માટે અઘરા હોય છે. આ બન્ને જણ માટે પણ અઘરા જ સાબિત થયા.
પહેલો મિત્ર સંતોષી અને મહેનતુ હતો અને બીજો મિત્ર આળસુ અને લાલચુ હતો. પહેલા મિત્રએ મહેનતથી પોતાના વેપારમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને સતત મહેનતથી કામ કરતો જ રહ્યો. તેણે જે કામની શરૂઆત કરી હતી એ કામ છોડ્યું નહીં. શરૂઆતમાં નુકસાન થયું. ધીરે-ધીરે થોડો નફો થવાની શરૂઆત થઈ. આ બાજુ બીજો મિત્ર વેપારમાં કંઈક તકલીફ થતાં, થોડું નુકસાન થતાં વેપાર છોડી દેતો; બંધ કરી દેતો અને બીજું કામ શરૂ કરતો.
તેને ઓછી મહેનતે વધુ નફો રળવો હતો. તે સતત વેપાર બદલતો રહ્યો.
આમ કરતાં ૩૦ વર્ષ વીતી ગયાં. પહેલા મિત્રનું તેના વેપારમાં અગ્રગણ્ય સ્થાન હતું અને બીજા મિત્રએ ૩૦ વર્ષમાં ૨૫ વેપાર બદલ્યા હતા અને કંઈ જ મેળવી શક્યો નહોતો. બીજો મિત્ર દુ:ખી થઈ એક ઋષિ પાસે ગયો અને ઋષિને પોતાની અને મિત્રની પરિસ્થિતિમાં અંતર શા માટે એવો પ્રશ્ન કર્યો.
ઋષિએ તેને સમજાવતાં કહ્યું, ‘બેટા! વ્યવસાય હોય, વેપાર હોય, જ્ઞાનસાધના હોય કે ઈશ્વરસાધના; બધામાં તો જ સારું ફળ મળે જ્યારે કરવાવાળાના મનમાં સંપૂર્ણ એકાગ્રતા હોય. જો સમજ, આ સામે આશ્રમની બે ગાય છે. એક ગાય સવારથી અહીં જમીનમાં ઊગેલું ઝીણું-ઝીણું ઘાસ ખાય છે અને ચરવામાં મસ્ત છે. એનું પેટ ભરાઈ ગયું છે. બીજી ગાય દસ માઇલ સુધી પાકથી ભરપૂર ખેતરો વચ્ચેથી આવી છે, પણ ભૂખી છે; કારણ કે વધુ મેળવવા એ જે મળે છે એ છોડી ફરતી રહી છે.’
"એક કાર્યમાં મન લગાવી એકાગ્રતાથી કાર્ય કરનારને સફળતા મળે છે".
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "ટૂંકી વાર્તા"..." વિસ્મરણનું સ્મરણ "
એક કરોડપતિ મુલ્લા નસરુદ્દીન પાસે આવે છે. તેની પાસે હજારો રૂપિયાની એક થેલી હોય છે. એ થેલી બતાવીને કરોડપતિ મુલ્લાજીને કહે છે, ‘મારી પાસે રૂપિયાનો અંબાર છે, પણ સુખની કોઈ ઝલક નથી. થાકી ગયો છું. સુખની ઝલક બતાવવા કૃપા કરો. સુખ મેળવવાનો ઉપાય હોય તો મને જલદીથી બતાવો.’
પેલા કરોડપતિની વાત સાંભળીને મુલ્લા નસરુદ્દીને તેના હાથની થેલી ખેંચી અને માંડ્યા દોડવા. પેલો કરોડપતિ પણ મુલ્લાજીની પાછળ દોડવા લાગ્યો.
મુલ્લાજી ગામની વચ્ચેથી ભાગી રહ્યા છે. પેલો પાછળ-પાછળ દોડે છે. મુલ્લાજીને ઊભા રાખવાની-પકડવાની બૂમો મારે છે છતાં કોઈ મુલ્લાજીને પકડતું નથી, કારણ કે મુલ્લાજીથી ગામના લોકો પરિચિત હતા, જ્યારે પેલો કરોડપતિ અપરિચિત હતો. મુલ્લાજીએ તેને ગામની બહાર ખૂબ દોડાવ્યો. અંતે એક ઝાડ આગળ પેલો કરોડપતિ થાકીને અટક્યો અને રડવા લાગ્યો. એ જ ઝાડની પાછળથી મુલ્લાજી બહાર નીકળ્યા અને પેલી થેલી તેને પાછી આપી. થેલી મેળવીને તે કરોડપતિ તો ખુશખુશાલ થઈ ગયો. મુલ્લાજી બોલ્યા, ‘જોયું તમારું સુખ આ થેલીમાં જ. આ જ સુખની ઝલક... સુખ તો તમારી પાસે જ હતું, માત્ર વિસ્મૃત થઈ ગયું હતું જેની મેં તમને યાદ કરાવી.’
મુલ્લાજીએ આગળ સમજાવતાં કહ્યું, ‘સ્થૂળ મિલકત તમને સુખ આપે છે, પણ આપણે પોતે પરમાત્માના અંશ સમા શુદ્ધ સ્વરૂપી આત્મા છીએ. સાચા સદ્દગુરૂ ના શરણે જઈને આત્માને પરમાત્માની નજીક લઈ જવા માટે કાર્યરત થવું જોઈએ. સાચો સદ્દગુરૂ તમારા અંતરાત્માને જાગ્રત કરશે અને જો જીવનો અંતરઆત્મા જાગ્રત ન થાય તો આ દુર્લભ મનુષ્યદેહ પણ નિષ્ફળ જાય.’
કરોડપતિએ કહ્યું, ‘મુલ્લાજી આપ જ મને સાચો માર્ગ દેખાડો.’
મુલ્લાજીએ કહ્યું, ‘મારે કંઈ નથી કરવાનું. જીવ, તારે જાતે પરિણામોની તપાસ કરીને મોહ, આસક્તિ, વાસનાથી મુક્ત થવાના પ્રયત્ન કરવાના છે. વાસનામાંથી મુક્તિ બાદ પરમાત્મા નજીક જવાની યાત્રાનો પ્રારંભ થાય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "કબીર વાણી"
ઉંચે કુલ કે કારને, બાંશ બડ્યો અહંકાર,
રામ ભજન હિરદે નહી, જાલ્યો સબ પરિવાર".
પોતાને ઉંચા કુળનો માની તેનો અહંકાર કરનારાને પરમાત્મા પ્રત્યે તેના હ્રદયમાં જરા પણ ભક્તિ નહીં હોતાં તે ઉંચા વધેલા વાંસ જેવા છે. જેઓ એક બીજા સાથે ઘર્સણ કરી, અગ્નિ ઉત્પન્ન કરી આખા વાંસના જંગલને સળગાવી મુકે છે, તેમ તેવા અહંકારીઓ તેના આખા કુળને ઉજાળી મુકે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "ટૂંકી વાર્તા"..." રાજા અને વિદૂષક "
એક વિદૂષક હતો. ભૂલથી તે એક વખત યુદ્ધમાં ફસાઈ ગયેલો. તેનું મુખ્ય કામ ખાવાનું, ગાવાનું, હસાવવાનું અને મજા કરાવવાનું. એના બદલે તે તલવારોની ટકરામણ વચ્ચે ઘેરાઈ ગયો. તેની પાસે લાકડાની તલવાર હતી. વિદૂષકો મોટે ભાગે લાકડાની તલવારથી જ લડતા હોય છે. ક્યાં સાચેસાચું લડવાનું હોય છે તેમણે! પણ આ તો ખરાખરીના ખેલ હતા. તલવારોના આટાપાટા ખેલાતા હતા. આ ભાઈસાહેબ ધ્રૂજવા માંડ્યા.
રાજાએ કહ્યું, ‘મૂર્ખાનંદ! આ કંઈ મશ્કરી કરવા જેટલું સહેલું નથી. આમ હાથ જોડી ઊભો રહીશ તો સામેવાળાની તલવાર કંઈ તારી સગી નહીં થાય. પેલો જો એક વળગાડી દેશે તો જઈશ ભોંયભેગો.’
‘મારે લડવું તો છે, પણ હું શું કરું? મારી તલવાર લાકડાની છે ને એય ભાંગેલી.’ વિદૂષક આમ બોલે છે ત્યાં જ દુશ્મને તેના તરફ તલવાર ઉગામી. તલવાર ફેંકીને તે તેના પગમાં પડી ગયો એટલે પેલાએ તેને જીવતો રહેવા દીધો.
આ દરમ્યાન રાજાની તલવારના ટુકડા થઈ ગયા. તેમના હાથમાં વિદૂષકની લાકડાની તલવાર આવી. એ ઉપાડીને એવા જોશથી રાજાએ લડવા માંડ્યુંં કે દુશ્મનોના છક્કા છૂટી ગયા. એ લોકો નાસી ગયા. રાજા જીતીને વાજતે-ગાજતે પાછા આવ્યા.
આમ શી રીતે બન્યું? વિદૂષકે મહેલમાં આવીને એમ કહેવા માંડ્યું કે મારી પાસે સારી તલવાર નહોતી એટલે મારે શરણાગતિ સ્વીકારવી પડી, જ્યારે રાજાએ તેની જ એ ભાંગેલી લાકડાની તલવારથી વિજય મેળવી લીધો.
રાજાએ પણ વિદૂષકની જેમ ફરિયાદ કરી હોત તો? તો તે વિજયી રાજા ન બની શક્યો હોત... તે રાજા હતો; કારણ તે હિંમતવાન હતો, ઝડપથી વિચારી શકતો હતો ને જે કંઈ સાધન-સામગ્રી હાજર હતાં એને કામે લગાડી શકતો હતો.
આપણે જિંદગીના રાજા બનીએ. સંજોગો સામે ભાંગેલાં સાધનો (તલવાર) વડે સાચા આત્મવિશ્વાસ અને હિંમતથી લડી સફળતાના સમ્રાટ બનીએ.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "ટૂંકી વાર્તા"..." ભક્તની ભાવના "
ચીનના છાનટેગ જિલ્લાના લીન-હ્સેઇન ગામમાં આલીશાન ગગનચુંબી મંદિર બંધાઈને તૈયાર થઈ ગયું હતું. એમાં ભગવાન તથાગતની સુવર્ણ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાની હતી.
ભગવાન બુદ્ધની ભાવ-પ્રતિમા બનાવવા ભિક્ષુઓ ગામેગામ ફરીને દાન ઉઘરાવી રહ્યા હતા.
ભિક્ષુઓની ટહેલ સાંભળીને ગ્રામજનોએ સોના-ચાંદીના સિક્કાથી તેમની ઝોળીઓ છલકાવી દીધી.
એક ગામમાં એક નાનકડી બાળા હાથમાં તાંબાનો નાનકડો સિક્કો લઈને આવી અને ધીમેથી ભિક્ષુની ઝોળીમાં નાખ્યો.
ભિક્ષુ આ જોઈને ગુસ્સે થઈ ગયો, ‘એય છોકરી, તારી અક્કલ ઠેકાણે છે કે નહીં? ભગવાન તથાગતના નામ પર આ ઝોળીની અંદર સોના-ચાંદીના સિક્કાઓની વર્ષા થઈ રહી છે એમાં તારો આ તાંબાનો સિક્કો શા કામનો?’
આટલું બોલીને ભિક્ષુએ તાંબાનો સિક્કો રસ્તા પર ફેંકી દીધો. તે નાની બાળાએ રડતી આંખોથી ભિક્ષુને વિનંતી કરી, પણ તેણે ન સ્વીકારી. બાળા રડતી-રડતી તાંબાનો સિક્કો લઈને ઘર તરફ ચાલી ગઈ.
દાનમાં મળેલા દ્રવ્યને ઓગાળીને ધાતુનો ધગધગતો રસ તૈયાર કરી કુશળ કારીગરોએ એને ઢાળ્યો, મૂર્તિ તૈયાર થઈ; પણ ભગવાન તથાગતના મુખ પર સૌમ્ય સ્મિતને સ્થાને વિષાદ હતો.
મૂર્તિ ફરી ઓગાળી, ફરી બનાવી. પરિણામ મળ્યું વધુ વિષાદયુક્ત ચહેરો. પાંચ-પાંચ પ્રયત્નો પછી પણ મૂર્તિનો ચહેરો વિષાદયુક્ત જ રહ્યો.
મહાભિક્ષુએ બધાને બોલાવી પૂછ્યું, ‘ભિક્ષુઓ, દાન લેવામાં તમે કોઈનું દિલ તો નથી દુભાવ્યુંને?’
પેલા ભિક્ષુને પેલી નાનકડી બાળાનો રડતો ચહેરો દેખાયો. તેણે મહાભિક્ષુને બધી વાત કરી, તાંબાનો સિક્કો ફેંકી દીધાનું કહ્યું.
મહાભિક્ષુએ તરત તે બાળા પાસેથી દાન લઈ આવવા કહ્યું અને બોલ્યા, ‘ભગવાન પ્રેમના ભૂખ્યા છે. અત્યારે બાળાના ગામમાં જઈને એ અણમોલ ભેટ લઈ આવો.’
ભિક્ષુએ બાળાના ગામમાંથી તેને શોધીને માફી માગી અને સિક્કો દાનમાં માગ્યો.
તાંબાનો સિક્કો નાખીને મૂર્તિ ઢાળવામાં આવી. હવે ભગવાન તથાગતના મુખ પર સૌમ્ય સ્મિત હતું અને હૃદય પાસે ચમકતો હતો તાંબાનો સિક્કો.
આજે પણ ચીનના લીન-હ્સેઇન ગામમાં દસ ફૂટ ઊંચી મૂર્તિમાં તાંબાનો સિક્કો ભક્ત-ભાવના દીપાવી રહ્યો છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "ટૂંકી વાર્તા"..." ભગવાનને કોણ જીવંત રાખે છે ? "
એક વખત એક દેવદૂત પૃથ્વી પર આવ્યો. તે અહીંની હવા જોઈને નવાઈ પામ્યો. અહીં તો ઈશ્વરને કોઈ ઓળખતું જ નહોતું.
જ્યાં જુઓ ત્યાં મહત્વ માણસનું હતું. કોઈ અમલદાર પાછળ દોડે તો કોઈ શેઠિયા પાછળ, ભક્તો ને સાધુઓ પણ મોટા માણસનો આશ્રય શોધતા હતા.
અહીં આ પૃથ્વી પર ચારે બાજુ માણસની બોલબાલા હતી. ઈશ્વરને તો સૌએ મંદિરમાં શોભા બનાવીને રાખ્યો હતો.
મરણ આવે, ખરાબ નસીબ આવે તો ઈશ્વરે મોકલ્યાં અને જીવનમાં આટલાં વર્ષો મળ્યાં એ માણસને પોતાના પ્રતાપે મળ્યાં ગણાય! આવી ઊંધી રચના જોઈને દેવદૂતને બહુ લાગી આવ્યું.
તે તો દુ:ખી મન સાથે ઈશ્વર પાસે ગયો અને સત્ય હકીકત જણાવતાં કહ્યું, ‘ભગવન્! તમને તો સૌ ખીંટી જેવા માને છે. જે કોઈને મેલું લૂગડું લટકાવવું હોય તો તમારા ઉપર આવીને મૂકી દે. મને તો માણસ પણ માણસ જણાતો નથી. નફરત થઈ ગઈ માણસજાત પર.’
ભગવાને હસીને પ્રેમથી કહ્યું, ‘એવું નથી મારા ભોળા દેવદૂત! માણસમાં માણસ નથી એમ માણસો માને તો બરાબર છે, પણ જો દેવદૂતો એમ માનતા થાય તો-તો પછી હું પોતે પણ સ્થાન વિનાનો થઈ જાઉં! મારું પોતાનું કહેવાય એવું ઠેકાણું ક્યાં છે? તમે જ કહો, માણસ ન હોય તો મને ભગવાન ગણે કોણ? મને સર્વશક્તિમાન માને કોણ? અને માણસના મનમાં તો ‘હું’ પોતે રહું છું એટલે જો તમે માણસને નફરત કરશો તો મને પણ નફરત જ કરશો!’
દેવદૂતે કહ્યું, ‘પણ અરે પ્રભુ! તમે પોતે સંસારમાં જાઓ. તમને ક્યાંય માણસાઈ જોવા નહીં મળે.’
ભગવાને મલકીને વધુ પ્રેમથી કહ્યું, ‘જો દેવદૂત! સમજ હું માણસમાત્રમાં ફરી રહ્યો છું. માણસની મારફત હું જગતવ્યાપી બન્યો છું. જે એમ કહે છે ક્યાંય માણસ રહ્યો નથી તે જાણતો નથી કે તે એમ કહે છે કે ઈશ્વર નથી અને એથી તે નાસ્તિક છે. હજારો માણસો જોઈને નિરાશા પ્રાપ્ત કરનારો નહીં પણ એક ભલા માણસને જોઈને માણસાઈ અને માણસમાં આસ્થા રાખનારો જ મને જીવંત રાખે છે. મારું સ્થાન ભલે માણસોમાંથી ઊપડી જાય, પણ ખાતરી રાખજે; મારું સ્થાન કોઈ ને કોઈ માણસમાં તો જીવંત રહેશે! હજારો માણસોની પ્રાર્થના કરતાં એક સાચા હૃદયના માનવીની આર્તવાણી મને જીવંત રાખે છે.’
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "કબીર વાણી"
"કહેના મીઠી ખાંડ સી, કરના બિખ કી લોય,
જ્યું કહેની ત્યું રહેન રહે, તો બિખકા અમૃત હોય".
મોઢેથી મીઠી સાકર જેવી વાતો કરે પણ તેની કરણી ઝેરની લાય જેવી હોય. પરંતુ જે માણસ સત્ય વચન બોલે અને તે પ્રમાણે તેનું વર્તન થતું હોય, તો તે ઝેર જેવી દુઃખદ વસ્તુને અમૃતમાં ફેરવી શકે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
આજ ની "ટૂંકી વાર્તા"..." શ્રેષ્ઠ ભેટ "
સિખોના ગુરુ ગોવિંદ સિંહ યમુનાકાંઠે કથા કરતા હતા. ગરીબ-તવંગર બધા તેમની કથા સાંભળવા આવતા અને યથાશક્તિ ભેટ લાવતા.
એક ગરીબ ડોશી ગુરુની ભક્ત હતી. તેને વિચાર આવ્યો કે ગુરુજી રોજ કથા કરે છે, તેમના ગળાને ખૂબ ખેંચાવું પડે છે એટલે લાવ હું તેમના માટે થોડુંક દૂધ અને ફળ ભેટ તરીકે લઈ જાઉં.
ડોશીમા બીજા દિવસે થોડાંક ફળ અને થોડું દૂધ લઈને કથામાં ગયાં.
ગુરુજીએ સુંદર કથા કરી. સમાપ્તિવેળાએ કથાનો સાર કહેતાં કહ્યું, ‘સૌથી મહાન પ્રેમ છે. અન્ય કાજે કંઈક કરી છૂટવાની લાગણી રાખવી, ત્યાગ કરીને મેળવવું એ જ સાચું જીવન છે.’
કથા પૂરી થતાં બધા ભેટ ધરવા આવવા લાગ્યા. કથા સાંભળવા આવેલા રાજા રઘુનાથ સિંહ ગુરુના પરમ ભક્ત હતા. તેમણે ઊભા થઈને બે રત્નકંકણ ગુરુ આગળ ધરી દીધાં. સોનાનાં કંકણ પર રત્ન-માણેક જડેલાં હતાં. બધે ઝગમગાટ થઈ ગયો.
પેલાં ડોશીમાના મનમાં થયું કે જ્યાં ગુરુનાં ચરણોમાં આવી મહામૂલી ભેટ ધરાતી હોય ત્યાં મારાં ફળ-દૂધની શું વિસાત! તેમણે ભેટ આપવાનો વિચાર માંડી વાળ્યો.
ગુરુજી મંડપમાં બધા સામે નજર ફેરવી રહ્યા હતા. ડોશીમા પગ નીચે કંઈક સંતાડતાં હતાં એ તેમણે જોયું અને તેમની મૂંઝવણ પારખી ગયા.
આ તરફ રાજા રઘુનાથ સિંહ પણ બધા તરફ અભિમાનથી જોઈ રહ્યા હતા કે મારા જેવી મોંઘી ભેટ કોઈ આપી જ ન શકે, આનાથી ચડિયાતી ભેટ શક્ય જ નથી. ગુરુજીએ એ પણ જોયું.
કંઈક વિચારીને ગુરુજી ઊભા થયા. તેમના હાથમાં બે રત્નકંકણ હતાં. તેમણે યમુનાકાંઠે જઈને રત્નકંકણોનો પાણીમાં ઘા કરી દીધો. જોનારા બધા સ્તબ્ધ થઈ ગયા.
રઘુનાથજી બોલી ઊઠયા, ‘ગુરુજી, આ શું કર્યું?’
ગુરુજીએ કહ્યું, ‘મને પ્રેમસભર ભેટ જોઈએ, અભિમાનની ગંદકીવાળી નહીં.’
રાજા રઘુનાથજી સમજી ગયા અને ગુરુજીની માફી માગીને બેસી ગયા.
હવે ગુરુજીએ પેલાં વૃદ્ધ ડોશીમા પાસે જઈને કહ્યું, ‘અમ્મા! તારા પુત્ર માટે જરૂર કંઈક લાવી હશે. શું લાવી છે? જોને બોલી-બોલીને મારું ગળું દુ:ખે છે.’
આટલું કહીને ડોશીમા પાસેથી ભેટ લઈને દૂધ અને ફળ આરોગ્યાં અને બોલ્યા, ‘મા, દૂધ-ફળ તારા પ્રેમની મીઠાશથી અમૃત બની ગયાં છે.’
ડોશીમા ભેટ આપીને રાજી થયાં. ગુરુ શ્રેષ્ઠ ભેટ મેળવીને સંતોષ પામ્યા.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
જીવન માં વિચારવા જેવું .....
મનુષ્ય કેટલો મૂર્ખ છે.
પ્રભુ નેે પ્રાર્થના કરતા વખતે સમજે છે કે ભગવાન બધું સાંભળે છે.
પરંતુ નિંદા કરતા વખતે બધુ ભૂલી જાય છે
પુણ્ય કરતા વખતે સમજે છે કે ભગવાન બધું જોઈ રહ્યા છે.
પરંતુ પાપ કરતા વખતે બધુ ભૂલી જાય છે
દાન કરતા વખતે સમજે છે કે ભગવાન સર્વ માં વ્યાપેલા છે.
પરંતુ ચોરી કરતા વખતે બધુ ભૂલી જાય છે.
પ્રેમ કરતી વખતે એમ સમજે છે કે પૂરી દુનિયા ભગવાને બનાવી છે.
પરંતુ નફરત કરતા વખતે બધુ ભૂલી જાય છે.
અને પછી ...........
આપણે કહીયે એ છીએ કે મનુષ્ય સૌથી વધુ બુધ્ધિમાન પ્રાણી છે.
કદર વ્યક્તિત્વ ની હોય છે. નહીંતર કદ મા તો
પડછાયો પણ મનુષ્ય થી વિશાળ હોય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
Subscribe to:
Posts (Atom)