Sunday, 20 July 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." વિસ્મરણનું સ્મરણ "

એક કરોડપતિ મુલ્લા નસરુદ્દીન પાસે આવે છે. તેની પાસે હજારો રૂપિયાની એક થેલી હોય છે. એ થેલી બતાવીને કરોડપતિ મુલ્લાજીને કહે છે, ‘મારી પાસે રૂપિયાનો અંબાર છે, પણ સુખની કોઈ ઝલક નથી. થાકી ગયો છું. સુખની ઝલક બતાવવા કૃપા કરો. સુખ મેળવવાનો ઉપાય હોય તો મને જલદીથી બતાવો.’

પેલા કરોડપતિની વાત સાંભળીને મુલ્લા નસરુદ્દીને તેના હાથની થેલી ખેંચી અને માંડ્યા દોડવા. પેલો કરોડપતિ પણ મુલ્લાજીની પાછળ દોડવા લાગ્યો.

મુલ્લાજી ગામની વચ્ચેથી ભાગી રહ્યા છે. પેલો પાછળ-પાછળ દોડે છે. મુલ્લાજીને ઊભા રાખવાની-પકડવાની બૂમો મારે છે છતાં કોઈ મુલ્લાજીને પકડતું નથી, કારણ કે મુલ્લાજીથી ગામના લોકો પરિચિત હતા, જ્યારે પેલો કરોડપતિ અપરિચિત હતો. મુલ્લાજીએ તેને ગામની બહાર ખૂબ દોડાવ્યો. અંતે એક ઝાડ આગળ પેલો કરોડપતિ થાકીને અટક્યો અને રડવા લાગ્યો. એ જ ઝાડની પાછળથી મુલ્લાજી બહાર નીકળ્યા અને પેલી થેલી તેને પાછી આપી. થેલી મેળવીને તે કરોડપતિ તો ખુશખુશાલ થઈ ગયો. મુલ્લાજી બોલ્યા, ‘જોયું તમારું સુખ આ થેલીમાં જ. આ જ સુખની ઝલક... સુખ તો તમારી પાસે જ હતું, માત્ર વિસ્મૃત થઈ ગયું હતું જેની મેં તમને યાદ કરાવી.’

મુલ્લાજીએ આગળ સમજાવતાં કહ્યું, ‘સ્થૂળ મિલકત તમને સુખ આપે છે, પણ આપણે પોતે પરમાત્માના અંશ સમા શુદ્ધ સ્વરૂપી આત્મા છીએ. સાચા સદ્દગુરૂ ના શરણે જઈને આત્માને પરમાત્માની નજીક લઈ જવા માટે કાર્યરત થવું જોઈએ. સાચો સદ્દગુરૂ તમારા અંતરાત્માને જાગ્રત કરશે અને જો જીવનો અંતરઆત્મા જાગ્રત ન થાય તો આ દુર્લભ મનુષ્યદેહ પણ નિષ્ફળ જાય.’

કરોડપતિએ કહ્યું, ‘મુલ્લાજી આપ જ મને સાચો માર્ગ દેખાડો.’

મુલ્લાજીએ કહ્યું, ‘મારે કંઈ નથી કરવાનું. જીવ, તારે જાતે પરિણામોની તપાસ કરીને મોહ, આસક્તિ, વાસનાથી મુક્ત થવાના પ્રયત્ન કરવાના છે. વાસનામાંથી મુક્તિ બાદ પરમાત્મા નજીક જવાની યાત્રાનો પ્રારંભ થાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment