Sunday, 20 July 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." એકાગ્રતા "

બે મિત્રો હતા. નાનપણથી સાથે ભણતા અને સાથે રમતા મોટા થયા. યુવાનીમાં ડગ માંડતાં હવે જીવનનિર્વાહ માટે કાર્યરત થવાનું નક્કી કર્યું.

બન્ને મિત્રોએ એકસાથે નાનકડા વેપારનો પ્રારંભ કર્યો. બન્નેના વેપારનો પ્રકાર પણ એક જ હતો. વેપારની શરૂઆતના દિવસો આમ પણ દરેક વેપારી માટે અઘરા હોય છે. આ બન્ને જણ માટે પણ અઘરા જ સાબિત થયા.

પહેલો મિત્ર સંતોષી અને મહેનતુ હતો અને બીજો મિત્ર આળસુ અને લાલચુ હતો. પહેલા મિત્રએ મહેનતથી પોતાના વેપારમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને સતત મહેનતથી કામ કરતો જ રહ્યો. તેણે જે કામની શરૂઆત કરી હતી એ કામ છોડ્યું નહીં. શરૂઆતમાં નુકસાન થયું. ધીરે-ધીરે થોડો નફો થવાની શરૂઆત થઈ. આ બાજુ બીજો મિત્ર વેપારમાં કંઈક તકલીફ થતાં, થોડું નુકસાન થતાં વેપાર છોડી દેતો; બંધ કરી દેતો અને બીજું કામ શરૂ કરતો. 

તેને ઓછી મહેનતે વધુ નફો રળવો હતો. તે સતત વેપાર બદલતો રહ્યો.

આમ કરતાં ૩૦ વર્ષ વીતી ગયાં. પહેલા મિત્રનું તેના વેપારમાં અગ્રગણ્ય સ્થાન હતું અને બીજા મિત્રએ ૩૦ વર્ષમાં ૨૫ વેપાર બદલ્યા હતા અને કંઈ જ મેળવી શક્યો નહોતો. બીજો મિત્ર દુ:ખી થઈ એક ઋષિ પાસે ગયો અને ઋષિને પોતાની અને મિત્રની પરિસ્થિતિમાં અંતર શા માટે એવો પ્રશ્ન કર્યો.

ઋષિએ તેને સમજાવતાં કહ્યું, ‘બેટા! વ્યવસાય હોય, વેપાર હોય, જ્ઞાનસાધના હોય કે ઈશ્વરસાધના; બધામાં તો જ સારું ફળ મળે જ્યારે કરવાવાળાના મનમાં સંપૂર્ણ એકાગ્રતા હોય. જો સમજ, આ સામે આશ્રમની બે ગાય છે. એક ગાય સવારથી અહીં જમીનમાં ઊગેલું ઝીણું-ઝીણું ઘાસ ખાય છે અને ચરવામાં મસ્ત છે. એનું પેટ ભરાઈ ગયું છે. બીજી ગાય દસ માઇલ સુધી પાકથી ભરપૂર ખેતરો વચ્ચેથી આવી છે, પણ ભૂખી છે; કારણ કે વધુ મેળવવા એ જે મળે છે એ છોડી ફરતી રહી છે.’

"એક કાર્યમાં મન લગાવી એકાગ્રતાથી કાર્ય કરનારને સફળતા મળે છે".

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment