Saturday, 6 October 2012


આજ નુ " કાવ્ય "

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

કલ્પના ના ઝરુખે બેસી તેઓ અમને જોતાજ રહ્યા ,
ને અમે તો માત્ર એક સ્મિત કરીને જ જતા રહ્યા ,

આખો ના ઈશારે એ તો કંઈક કેટલુય કહી ગયા ,
ને અમે તો માત્ર તેમની આખો માજ ખોવાયેલા રહ્યા ,

પતંગિયામાં પ્રેમ ભર્યા રંગો ભરી એ તો મોકલતા ગયા ,
ને અમે તો માત્ર એ પતંગિયા ને જ જોતા રહ્યા ,

ઝીલ પર બેસી પ્રેમ નું સંગીત એ સંભળાવતા ગયા ,
ને અમે તો માત્ર ઝીલ ના જળ માં જ રમતા રહ્યા ,

હોઠો ના અચાનક સ્પર્શથી એ તો રોમાંચિત થઇ ગયા ,
ને અમે તો માત્ર એને એક સ્પર્શ જ સમજી રહ્યા ,

‘પરી’ તને ખુબ ચાહું છું ,કહી એ તો ચાલ્યા ગયા ,
ને અમે તો માત્ર શું કહું ? એમજ વિચારતા રહ્યા …..

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માતા પિતા"

જેમણે મને ‘"જન્મ" આપ્યો એ છે , મારા "માતા પિતા"
મારી એક એક "ઈચ્છા" પૂરી કરી એ છે , મારા "માતા પિતા"
જેમણે મને શીખવ્યું "ચાલતા" એ છે , મારા "માતા પિતા"
જેમણે મને શીખવ્યું "બોલતા" એ છે , મારા "માતા પિતા"
જેમણે મને શીખવ્યું "સચ્ચાઈ" એ છે , મારા "માતા પિતા"
જેમણે મને "સંસ્કાર" આપ્યા એ છે , મારા "માતા પિતા"
જેમણે મને "દોસ્ત" બની સમજાવી આ 
"જીવન જીવવાની" વાત, એ છે , મારા "માતા પિતા"
જેમને હું કદી નથી લાગતી "આકરી" એ છે , મારા "માતા પિતા"
દરરોજ મને "વ્હાલ" કરે છે એ છે , મારા "માતા પિતા"
દુનિયામાં સૌથી મને "વ્હાલા" છે એ છે , મારા "માતા પિતા"

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

શ્રી રાધાજી એ તેમના મહેલ માં પોપટ પાળેલા હતા,અને તેમને 
દરરોજ રાધાજી હરે-કૃષ્ણ હરે-કૃષ્ણ કહેતી તેનાથી દરેક પોપટ પુરો 
દિવસ હરે-કૃષ્ણ હરે-કૃષ્ણ બોલતા સાથે સાથે 
રાધાજી ની સખી પણ હરે-કૃષ્ણ બોલતી.
એક દિવસ રાધાજી યમુના કિનારે ચાલી રહ્યા હતા તેમની નજર શ્યામસુંદર અને નારદજી પર પડે છે .તે શ્રીજી ની વાત છુપી રીતે પર ધ્યાન થી સાંભળે છે.
નારદજી કહે છે કે હે પ્રભુ હુ પુરા વ્રજ માં જ્યા ફર્યો ત્યા મને 
હરે-કૃષ્ણ નો જ અવાજ સંભળાય છે
ત્યારે શ્રીજી કહે છે કે મને તો રાધા નામ પ્રિય છે.
આટલુ સાંભળતા ની સાથે જ રાધાજી ની આંખ માંથી અશ્રુ વહેવા લાગ્યા.
રાધાજી તરત જ મહેલ પહોચ્યા અને તેમના પોપટ ને રાધે રાધે કહેવા લાગી
જ્યારે આ વાત તેમની સખી ને ખબર પડી બધી સખી રાધાજી ને કહે છે કે 
રાધા તુ તારા નામ ની જ જય બોલાવે છે બધા તને અભિમાની 
ગણશે.
ત્યારે રાધાજી કહે છે કે મારા પ્રિયત્તમ શ્રીજી ને જે આજ નામ પસંદ હોય તો હુંઆજ નામ આજ થી બોલીશ.
બોલો રાધે રાધે...........
જય શ્રી રાધે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી 
♥ 

આજ નુ "કુછ હટકે ચિત્ર"

"ગણપતિ બાપ્પા મોરયા".......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

જીવન માં સારા માણસો ની તલાસ ના કરો
પરતું તમે જ સારા વ્યકિત બની જાવ..
કેમકે તમને મળી ને ........
બીજા કોઇ ની તલાસ પુરી થઇ જાઇ !!!!

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

આ જીંદગી એક "પ્રવાસ" છે
ઓછા સમય માં જીવવા નો "પ્રયાસ" છે
લેવા જેવી ચીજ હોય તો પ્રેમ ની "મીઠાસ" છે.
અને મુકવા જેવી ચીજ હોય તો મન ની "કડવાશ" છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

પત્ની ના અંતિમ સંસ્કાર કરી ને બાપુ ઘરે જઇ રહ્યા હતા
અચાનક....
તોફાન આવ્યું,
વાદળ ગરજ્યા,
વીજળી કડકી
વરસાદ થયો.
બાપુ હસતાં હસતાં આકાશ તરફ જોઇને બોલ્યા
લાગે છે કે ઉપર પહોંચી ગઇ.......

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

એક આંગળી કોઇ ની જે તમારા આંસુ લુછે તમારી "હાર" માં
તે હજારો ઘણી સારી છે ........
તે દસ આંગળી કરતા જે તાળી પાડે છે તમારી "જીત" માં.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "હેલ્થ ટીપ્સ"..."આમળા"

આમળા જેને અંગ્રેજીમાં ઈન્ડીયન ગૂજબેરીના નામે તથા સંસ્કૃતમાં ધાત્રી અને શિવાના નામથી ઓળખવામાં આવે છે, એક બહુ-ઉપયોગી ઔષધિ વનસ્પતિ છે. મધ્યમ આકારનું વૃક્ષ જેની ઊંચાઈ 20-25 ફૂટ હોય છે, પાનડાં આમલી જેવા હોય છે. 
આમળ
ાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમળાનું ફળ વિટામીન-સીનો સૌથી મોટો સ્ત્રોત છે. આમળા બ્લડને પ્યોરિફાય કરે છે. આમ તો તેના અસંખ્ય ઔષધીય પ્રયોગ હોય છે.

1- આમળાના ફળને સૂકવીને તેને લગભાગ 20 ગ્રામની માત્રામાં બહેડાના ચૂરણ તથા તેનાથી બમણી માત્રા(લગભગ ચાલીસ ગ્રામ) કેરીની ગોટલીના પાવડર અને પાંચ ગ્રામ લોહ પાવડરની સાથે આખી રાત પલાળી રાખો. હવે સવારે તેને રોજ પોતાના વાળના મૂળમાં લેપ કરો. તેનાથી તમારા વાળ કાળા, સુંદર અને ઘાટ્ટા બની જશે.

2- હાયપર એસીડીટીથી પીડાતા લોકો માટે આમળા એક શ્રેષ્ઠ ઔષધી છે. બસ તમે તાજા 1-2 આમળાને સાકરની સાથે સવાર-સાંજ પ્રયોગ કરો. તમે આમળાનો સ્વરસનો ઉપયોગ મધની સાથે પણ કરી શકો છો.

3- આમળા, અરીઠા અને શિકાકાઈ આ બધાનું મિશ્રણ કરી પેસ્ટ તૈયાર કરીને ગરમ કરો ત્યારબાદ ઠંડુ કરીને માથુ ધુઓ, તેનાથી વાળ મુલાયમ, ઘનિષ્ઠ અને લાંબા થઈ જાય છે.

4- જો લીવરની નબળાઈ હોય કે સંક્રમણને લીધે પીળીયો થઈ ગયો હોય તો તે વખતે આમળાની ચટણીને મધ સાથે પ્રયોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહે છે.

5- જો રોગીને પેશાબ સંબંધી કોઈ તકલીફ થઈ રહી હોય તો તમે આમળાની તાજી છાલનો રસ 10-20 ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ ઉપયોગ કરો.

6- જો કબજિયાતની સમસ્યા હોય અર્થાત્ પેટ સાફ ન થતું હોય તો બસ આમળાનું ચૂરણ અઢીથી પાંચ ગ્રામની માત્રામાં નવશેકા પાણી સાથે દિવસમાં ત્રણવાર સેવન કરો, તેનાથી મળ ખુલીને આવશે અને માથાનો દુખાવો, અજીર્ણ અને બવાસીર જેવી સમસ્સાઓમાં પણ લાભ મળશે. જો મળ સાથે લોહી આવી રહ્યું હોય અર્થાત્ રક્તાતિસારની સ્થિતિ હોય તો તમે બસ આમળાના સ્વરસને 10-20 ગ્રામની માત્રામાં પાંચ ગ્રામ મધ અને અઢી ગ્રામ ઘી સાથે મેળવીને પીવડાવો, તેનાથી લાભ ચોક્કસ થશે.

7- સાંધાના દુખાવામાં આમળા સૂકવીને 10-20 ગ્રામની માત્રામાં લઈ એટલી જ માત્રામાં ગોળને લગભગ અડધો લીટર પાણીમાં ઉકાળો, જ્યારે 250 મિલી બાકી રહે ત્યારે તેને ગળીને પીડિત વ્યક્તિને આપો, દર્દમાં ચોક્કસપણે લાભ મળશે.

8- જો ખંજવાળથી પરેશાન થઈ રહ્યા હોવ તો આમળાની ગોટલીને બાળીને તેનો ભસ્મ બનાવીને તેમાં નારીયળનું તેલ મેળવી જ્યાં ખંજવાળ હોય તે જગ્યાએ લગાવો અને લાભ જુઓ.

9- ટાઈપ-2 ડાયાબિટિસથી પીડિત રોગીઓ માટે આમળાનો પ્રયોગ કોઈ રામબાણ ઔષધિથી કમ નથી, બસ તમે આમળાને હડરે, બહેડા, નાગરમોથા, દારુહરિદ્રા(એક જાતની હળદર) તથા દેવદારુ આ બધાને એકસાથે મેળવીને ઉકાળો બનાવવાની વિધિથી બનાવો. ત્યારબાદ સવાર-સાંજ દસથી પંદર મિનિટની માત્રામાં ખાલી પેટે લેવાથી બ્લડ સુગર નિયંત્રિત થાય છે.

10- મહિલાઓમાં રક્ત પ્રદર તથા શ્વેતપ્રદર(લ્યૂકોરીયા)માં પણ આમળા એક અસરકારક ઔષધીના રૂપમાં કામ કરે છે. બસ આમળાના સ્વરસને 10થી 15 મિલીની માત્રામાં જીરાના પાવડરની સાથે મેળવીને દિવસમાં બેવાર સેવન કરાવો તેનાથી રક્તપ્રદરમાં ચોક્કસલાભ મળશે. આ પ્રકારે આમળાના બીજને 10-20 ગ્રામની માત્રામાં પાણીમાં મેળવી પીસીને, ગળીને તેને સરખી માત્રામાં મધ અને સાકરની સાથે લેવાથી શ્વેતપ્રદર(લ્યૂકોરિયા)માં અત્યંત અસરકારક પ્રયોગ છે.

11- જો ભૂખ ન લાગી રહી હોય તો આમળાને બાફી લો અને હવે તેમાંથી બીજ કાઢ્યા પછી તેને સૂકવીને કાળી મરી, સૂઢ, વાટેલું જીરૂ અને હીંગ સાથે મેળવીને સેવન કરવાથી ચોક્કસપણે લાભ મળશે.

12- જો નાકમાંથી ખૂન આવવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી હોય તો બસ આમળાને જાંબુ અને કેરીની સાથે કાંજી(એક જાતનો રસ)માં મેળવીને પીસીને નાકમાં પાડવાથી નાકમાંથી આવતું લોહી બંધ થઈ જાય છે.

13- જો હેડકી રોકાઈ ન રહી હોય તો આમળાના સૂઢ અને પિપ્પળીની સાથે લગભગ 2.5-2.5 ગ્રામની માત્રામાં ચૂરણ બનાવી લગભગ પાંચ ગ્રામ ખાંડ અને એક ચમચી મધની સાથે ઉપયોગ કરવા માત્રથી હેડકી બંધ થઈ જાય છો.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન" ...."ગણેશનાં ૧૧ સ્વરૂપ"

પંચદેવોમાં અને સર્વે દેવોમાં ભગવાન ગણેશ સૌ પ્રથમ પુજાય છે. કોઈ પણ શુભકાર્યની શરૂઆત પહેલાં ગણેશજીનું આહ્વાન કરાય છે. ભગવાન ગણેશને વિઘ્નવિનાશક, બુદ્ધિદાતા અને મંગલકર્તા દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશ
નું મુખ ગજનું હોવાથી તેઓ ગજાનન તરીકે પણ ઓળખાય છે. સમસ્ત ગણ દેવતાઓમાં અગ્રપૂજ્ય અને તેમના સ્વામી હોવાથી ગણપતિજીને વિનાયકના નામથી પણ ઓળખવામાં આવે છે.પુરાણો જણાવે છે કે ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ છે, પરંતુ ઘણા આરાધકો ભગવાન ગણપતિનાં સોળ સ્વરૂપ બતાવે છે. દુંદાળા, વિઘ્નહર્તા દેવ એવા ભગવાન ગણેશનાં આ અગિયાર રૂપ આ પ્રમાણે છે.

બાળ ગણપતિ
જેમ બાળ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક છે તેમ બાળ ગણપતિનું સ્વરૂપ પણ ખૂબ જ મનમોહક છે. બાળ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હાથમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોમાં જણાવ્યા મુજબ બાળ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.

કિશોર ગણપતિ
કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભુજા ધરાવે છે. તેમના અષ્ટ હાથોમાં અંકુશ, પાશ, જાંબુ, ફળ, તૂટી ગયેલો હાથીદાંત, ધાન્ય ભરેલો કુંભ, નીલા રંગનું કમળ, શેરડી અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતા નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.

ઊર્ધ્વ ગણપતિ
ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભુજાયુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપના અષ્ટ હાથોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથીદાંત, ધનુષ્ય-બાણ અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલાં વસ્ત્રો ધારણ કરીને સિદ્ધિદેવી બેઠેલાં છે. જે પણ ભક્તજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતાં તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.

ભક્ત ગણપતિ
ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હાથમાં શ્રીફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટફળ પ્રાપ્તિની ઇચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેની આરાધના સફળ બને છે.

વીર ગણપતિ
ભગવાન ગણેશની આ પ્રતિમા સોળ ભુજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વના સંરક્ષણના ઉદ્દેશ્યને માટે જો ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.

શક્તિ ગણપતિ
શ્રી ગણેશના આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમાં સમાન છે. તેમની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિતદેવી બિરાજમાન છે. ગણપતિના આ સ્વરૂપને બે ભુજાઓ છે. શક્તિ ગણપતિનું સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ બે હાથમાંથી એક હાથ આશીર્વાદ આપે છે અને બીજા હસ્તમાં નીલકમળ છે.

હેરંબ વિઘનેશ્વર
આ સ્વરૂપ હેરંબ એટલે કે સિંહ પર સવાર થયેલું છે. બાર ભુજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હાથ અભય મુદ્રામાં અને જમણો હાથ આશીર્વાદ આપે છે. બાકીનાં હાથમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂળ, લાલ કમળ અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે તથા વર્ણ ઉજ્જ્વળ અને શુભ્ર છે. શ્રીગણેશનું આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.

લક્ષ્મી ગણપતિ
શ્રી ગણેશની લક્ષ્મી એટલે રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિદેવી બિરાજમાન થયેલાં છે. ગણેશજીનું આ સ્વરૂપ અષ્ટભુજાયુક્ત છે. જેમના હાથમાં શુક, દાડમ, મણિજડિત રત્ન, કળશ, લાલ કમળ, કલ્પલતા વેલ, પાશ, અંકુશ અને ખડગ સોહે છે. રિદ્ધિ અને સિદ્ધિ દેવીઓનાં બંને હાથમાં નીલકમળ રહેલાં છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃદ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.

મહા ગણપતિ
બાર ભુજાઓયુક્ત આ મહા ગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહા ગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે. તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમના વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને એક હાથમાં કમળપુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ખોળામાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો હાથ વરદાન આપનારી મુદ્રામાં છે. બાકીનાં હાથમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડુંડાં, પુષ્પ અને મોદકના લાડુ છે. મહા ગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.

વિજય ગણપતિ
સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભુજાઓથી યુક્ત છે. ભગવાન ગણેશની આ ચાર ભુજાઓમાં આમ્રફળ, ગજદંત, પાશ અને અંકુશ છે. મૂષક પર આરૂઢ થયેલ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોનાં મનની તમામ મંગળ અભિલાષા પૂર્ણ કરે છે.

ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ

બાર ભુજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. શ્રી ગણેશની આ દ્વાદશ ભુજાઓમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુહાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ અને પુષ્પમાળા રહેલી છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"..."સાચી ભક્તિ"

નારદ કૃષ્ણના ભારે મોટા ભક્ત હતા. હરિ પ્રત્યે તેમની ભક્તિ એટલી તીવ્ર હતી કે એ માનતા હતા કે એમના જેવા પ્રગાઢ હરિભક્ત બીજો કોઈ નથી. ભગવાન કૃષ્ણએ નારદના મનનો ભાવ વાંચી લીધો અને એમણે મહર્ષિનું અભિમાન ઉતારવાન
ું નક્કી કર્યું. એમણે નારદને સૂચવ્યું, ‘મહર્ષિ, ગંગા નદીને કિનારે સુવર્ણપુર નામે એક ગામ છે. ત્યાં કાળુ નામનો મારો એક ભક્ત રહે છે. તમે થોડો સમય એમની સાથે રહો તો તમને કંઈક નવું જાણવા મળશે.’

નારદ તો ઉપડ્યા સુવર્ણપુર ને પહોંચ્યા કાળુ પાસે. તેમણે કાળુની દિનચર્યા જોવા માંડી. કાળુ સવારે વહેલો ઊઠીને એક જ વાર હરિનું નામ બોલતો. પછી હળ લઈ ખેતરે જતો. આખો દિવસ ખેતરમાં કામ કરતો. રાતે સૂતી વખતે ફરી એક વાર તે હરિનું નામ લેતો.

નારદને થયું, ‘હરિભક્તિ એટલે શું એ આ ગામડિયો શું જાણે? આખા દિવસમાં બે જ વાર હરિનું સ્મરણ કરે છે અને આખો દિવસ તેનાં દુનિયાદારીનાં કામોમાં રચ્યોપચ્યો રહે છે.’

કાળુ સાથે એક દિવસ કાઢી નારદ તો પહોંચ્યા પાછા હરિ પાસે.

હવે હરિએ નારદને કહ્યું, ‘મહર્ષિ, એક પવાલું લઈ છલોછલ દૂધથી ભરો. દૂધથી ભરેલું એ પવાલું લઈ આખા વૈકુંઠની પ્રદક્ષિણા કરી પાછા આવો. દૂધનું એક પણ ટીપું નીચે ઢોળાવું ન જોઈએ. નારદે એ પ્રમાણે કર્યું અને પાછા આવ્યા.

હરિએ નારદને પૂછ્યું, ‘મહર્ષિ, ગામની પ્રદક્ષિણા કરતાં-કરતાં તમે કેટલી વાર મારું સ્મરણ કર્યું?’

પ્રભુનો મર્મ સમજ્યા વિના થાકી ગયેલા નારદે સીધો જ જવાબ આપ્યો, ‘એક પણ વાર નહીં; કેવી રીતે તમારું સ્મરણ કરું? દૂધનું પવાલું છલકાય નહીં ને એનું ટીપું ઢોળાય નહીં એ માટે આખો વખત મારું ધ્યાન દૂધના પવાલા પર જ હતું.’

હરિએ કહ્યું, ‘નારદ, તમારું સઘળું ધ્યાન પવાલા પર જ કેન્દ્રિત રહ્યું અને એટલે તમે મને તો સાવ ભૂલી જ ગયા. હવે પેલા ખેડૂત કાળુને જુઓ. પોતાના કુટુંબ અને સંસારની જવાબદારી 

નિભાવતાં-નિભાવતાં આખોય દિવસ તે કામમાં મચ્યો રહે છે, મહેનત કરે છે. રોજ એ ચક્ર ચાલ્યા કરે છે છતાં દિવસમાં બે વાર મારું સ્મરણ કરવાનું તે ચૂકતો નથી એનું નામ ભક્તિ.’

નારદને પ્રભુની વાત સમજાઈ ગઈ. તેમનું ભક્ત તરીકેનું અભિમાન ઉતારવા હરિએ પદાર્થપાઠ આપ્યો હતો. ભક્તિનુંય અભિમાન સારું નહીં. કેટલી વાર નામ-સ્મરણ કર્યું કે કેવાં પૂજન-અર્ચન, વિધિ-વિધાન કે પ્રસાદ વગેરે કર્યા એનું મહત્વ નથી, પણ દુનિયાદારી નિભાવતાં-નિભાવતાં હરિ-સ્મરણ માટે થોડો સમય કાઢી લેવો એમાં સાચી ભક્તિ છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

"ગણપતિ બાપ્પા મોરયા".......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન" ....."અષ્ટવિનાયક"

ભગવાન શ્રી ગણેશ જળ તત્વના દેવતા ગણાય છે. જળ પાંચ તત્વોમાંનું એક છે. સમગ્ર જગતની રચના પાંચ તત્વોમાંથી થઇ છે. આ પ્રકારે જળની સાથે શ્રી ગણેશ દરેક જગ્યાએ ઉપસ્થિત છે. જળ વગર માનવ જીવન સંભવ નથી. જળ વગર ગતિ, પ્રગતિ
 બધું અસંભવ છે. એટલા માટે શ્રી ગણેશને મંગલમૂર્તિના રુપમાં પ્રથમ પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મદેવે ભવિષ્યવાણી કરી હતી કે દરેક યુગમાં શ્રીગણેશ અલગ-અલગ રુપમાં અવતાર લેશે. 

કૃતયુગમાં વિનાયક, ત્રેતાયુગમાં મયૂરેશ્વર, દ્વાપરયુગમાં ગજાનંદ અને કળયુગમાં ધૂમ્રકેતુના નામે અવતાર લેશે. આ જ પૌરાણિક મહત્વ સાથે જોડાયેલી છે મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા. વિનાયક ભગવાન ગણેશનું જ એક નામ છે. મહારાષ્ટ્રમાંપુના નજીક અષ્ટવિનાયકના 8 પવિત્ર મંદિર 20થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલા છે. આ મંદિરોનું પૌરાણિક મહત્વ અને ઇતિહાસ છે. તેમાં બિરાજમાન શ્રીગણેશનીપ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે, એટલે કે તે જાતે જ પ્રગટ થઇ છે. તેનું સ્વરુપ પ્રાકૃતિક છે. દરેક પ્રતિમાનું સ્વરુપ એકબીજા કરતા અલગ છે. આ પવિત્ર પ્રતિમાઓ જે ક્રમમાં પ્રાપ્ત થઇ છે તે જ ક્રમમાં તેની યાત્રા કરવામાં આવે છે. 
1) મોરગાંવ સ્થિત મોરેશ્વર
2) સિદ્ધટેકમાં સિદ્ધિવિનાયક, 
3) પાલી સ્થિત બલ્લાલેશ્વર, 
4) મહાડ સ્થિત વરદવિનાયક, 
5) થેઉર સ્થિત ચિંતામણી, 
6) લેણ્યાદ્રી સ્થિત ગિરિજાત્મજ,
7) ઓઝર સ્થિત વિઘ્નેશ્વર, 
8) રાંજણગાં સ્થિત મહાગણપતિની 
યાત્રા કરવામાં આવે છે. આમાંથી ગણપતિના 6 મંદિરો પુનામાં અને 2 રાયગઢ જિલ્લામાં આવેલા છે. અષ્ટ વિનાયકની આ યાત્રા માત્ર ધાર્મિક લાભ જ નહીં આધ્યાત્મિક સુખ, માનસિક શાંતિ અને આનંદ પણ આપે છે.

મયૂરેશ્વર કે મોરેશ્વરનું મંદિર મોરગાંવમાં કરહા નદીના કિનારે આવેલું છે. જે મહારાષ્ટ્રના પુનામાં બારમતી તાલુકામાં આવેલું છે. આ ક્ષેત્ર ભૂસ્વાનંદના નામે પણ ઓળખાય છે. જેનો અર્થ છે સુખ સમૃદ્ધ ભૂમિ. આ ક્ષેત્રનો આકાર મોર સમાન છે. આ સિવાય આ ક્ષેત્રમાં ભૂતકાળમાં અનેક મોર જોવા મળતા હતા. આ કારણે જ આ ક્ષેત્રનું નામ મોરગાંવ પડ્યું. 

સિદ્ધટેક મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કરજતમાં ભીમ નદી કિનારે આવેલું નાનું ગામ છે. સિદ્ધટેકમાં અષ્ટવિનાયકમાંથી એક એવા સિદ્ધવિનાયકને પરમ શક્તિમાન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં સિદ્ધટેક પર્વત હતો, જ્યાં વિષ્ણુએ તપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 

અષ્ટવિનાયક ગણેશમાં બલ્લાલેશ્વર ગણેશ જ એકમાત્ર એવા ગણેશ ગણાય છે, જેમનું નામ એક ભક્તના નામથી જાણીતું થયું હોય. અહીં ગણેશની પ્રતિમાને બ્રાહ્મણનો વેશ ધારણ કરાવવામાં આવે છે.

વરદવિનાયક ગણેશનું મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુર તાલુકામાં એક સુંદર પર્વતીય ગામ મહાડમાં આવેલું છે. ભક્તોની એવી શ્રદ્ધા છે કે અહીં વરદવિનાયક ગણેશ પોતાના નામની જેમ જ લોકોની બધી મોકામનાઓ પૂર્ણ થાય તેવું વરદાન આપે છે. પ્રાચીનકાળમાં આ સ્થળ ભદ્રક નામે જાણીતું હતું. આ મંદિરમાં નંદદીપ નામનો એક દીવો નિરંતર પ્રજ્જવલ્લિત રહે છે. આ દીપક વિશે માનવામાં આવે છે કે તે વર્ષ 1812ની સાલથી સતત પ્રગટી રહ્યો છે. 

ચિંતામણી ગણેશનું મંદિર મહારાષ્ટ્રના પુના જિલ્લાના હવેલી તાલુકામાં થેઉર ગામમાં આવેલું છે. આ ગામ મુલમુથા નદી કિનારે વસેલું છે. અહીં ગણેશ ચિંતામણીના નામે પ્રસિદ્ધ છે. જેનો અર્થ છે કે આ ગણેશ બધી ચિંતાઓને હરનારા છે અને મનને શાંતિ પ્રદાન કરે છે.

ગિરિજાત્મજ અષ્ટવિનાયક મંદિર ઉત્તર પુનાના લેણ્યાદ્રી ગામમાં આવેલું છે, જે કુકદી નદીના કિનારે વસેલું છે. ગિરિજાત્મજનો અર્થ છે માતા પાર્વતીનો પુત્ર. ગિરિજા માતા પાર્વતીનું જ એક નામ છે અને આત્મજનો અર્થ છે પુત્ર. અષ્ટવિનાયકમાં આ એક માત્ર મંદિર છે જે ઊંચા પહાડ પર બુદ્ધ ગુફામાં આવેલું છે. 

વિઘ્નેશ્વર અષ્ટવિનાયકનું મંદિર કુકદેશ્વર નદીના કિનારે ઓઝર નામના સ્થાન પર આવેલું છે. વિઘ્નેશ્વર દૈત્યને મારવાને કારણે જ તેમનું નામ વિઘ્નેશ્વર વિનાયક પડ્યું. એવું માનવામાં આવે છે કે ત્યારથી લઇને અત્યાર સુધી અહીં શ્રીગણેશ ભક્તોના તમામ વિઘ્નોને દૂર કરે છે.

મહાગણપતિને અષ્ટવિનાયકમાં સહુથી દિવ્ય અને શક્તિશાળી સ્વરુપ માનવામાં આવે છે. આ સ્વરુપ અષ્ટભુજા, દશભુજા કે દ્વાદશભુજાવાળુ મનાય છે. ત્રિપુરાસુર દૈત્યને મારવા માટે ગણપતિએ આ સ્વરુપ ધારણ કર્યુ હતું. તે માટે તેઓ ત્રિપુરદેવ મહાગણપતિના નામે પ્રસિદ્ધ થયા. 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી
આજ ની "ટૂંકી વાર્તા".." જ્ઞાનને પૂર્ણ કરવાનો રસ્તો "

પ્રાચીનકાળની આ વાત છે. ત્યારે રાજા-રંક સર્વ વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણવા જતા. આવા જ એક ગુરુકુળમાં એક તેજસ્વી રાજકુમાર શિક્ષણ લેતો હતો. 

રાજકુમારે સઘળું શિક્ષણ લીધું. સર્વ શ્રેણી તે ઉતીર્
ણ થયો. બધું જરૂરી જ્ઞાન તેણે મેળવી લીધું. આમ છતાં તેના મનમાં શાંતિ નહોતી. જ્ઞાનની તૃપ્તિ નહોતી. સતત હજી કંઈક શીખવાનું બાકી છે એમ તેને લાગ્યા કરતું એથી તે ઉદાસ રહેતો.

રાજકુમારના ગુરુજીએ એક દિવસ તેને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું. રાજકુમાર સવિનય બોલ્યો, ‘ગુરુદેવ, આપની કૃપાથી હું વેદ અને વેદાંત ભણ્યો. ઇતિહાસ, પુરાણ, કલા, ગણિત ઇત્યાદિ સર્વ શાસ્ત્રોનું મેં અધ્યયન કર્યું છે. આમ છતાં મને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ નથી લાગતું. હજી મને કંઈક ઊણપ ને અધૂરપ લાગ્યા કરે છે.’

રાજકુમારની વાત સાંભળી ગુરુજી મલક્યા અને પછી એટલું જ કહ્યું, ‘વત્સ, ગુરુકુળમાં આવતું સર્વ શિક્ષણ તેં મેળવી લીધું છે. એની પાછળ તેં ખૂબ પરિશ્રમ લીધો છે. માટે હમણાં તું આરામ કર.’

પોતાના પ્રશ્નનો ઉત્તર ગુરુજીએ આ રીતે ટાળ્યો એ રાજકુમારને ઠીક લાગ્યું નહીં. તેનું મન કંઈક ઊંચું થઈ ગયું. એ આખી રાત તેને ઊંઘ ન આવી.

આશ્રમના નિયમ અનુસાર તે પ્રાત:કાળે ઊઠ્યો અને સ્નાન સંધ્યાદિ કર્મ કરવા નદી પર ચાલ્યો.

પરંતુ આજે તેને એક જાતની નવાઈ લાગી. રસ્તામાં આજે તેના જે સહાધ્યાયીઓ મળતા હતા તે સર્વ સન્માનપૂર્વક નમન કરતા હતા.

સ્નાનાદિથી પરવારીને રાજકુમારે આ બાબતની તપાસ કરી.

તપાસમાં માલૂમ પડ્યું કે ગુરુજીએ વિદ્યાર્થીઓને સાંજની સભામાં જાહેર કર્યું હતું કે ‘આપણા ગુરુકુળમાં ઉચ્ચ કક્ષાએ સર્વ શ્રેણીમાં ઉતીર્ણ કરનાર રાજકુમારની આવતી કાલથી એક અધ્યાપક તરીકે નિમણૂક કરવામાં આવે છે.’

વિદ્યાર્થીઓ અધ્યાપકની રૂપે રાજકુમારને નમન કરતા હતા.

રાજકુમારની નવાઈનો પાર ન રહ્યો. તેને થયું હું હજી નવોસવો ઉતીર્ણ થયો છું. ગુરુજી આમ મને તરત જ અધ્યાપક તરીકે નીમી દે એ યોગ્ય નથી.

તે ગુરુજી પાસે ગયો અને બોલ્યો, ‘ગુરુજી, માફ કરજો, મને હજી મારું જ્ઞાન જ કાચું લાગે છે તો હું બીજાને શું શીખવાડીશ.’

રાજકુમારને વચ્ચેથી અટકાવીને ગુરુજી બોલ્યા, ‘વત્સ, મેં બધું બરાબર વિચારીને કર્યું છે. જે જ્ઞાન તારી પાસે છે એ તું બીજાને ભણાવ. જ્ઞાન પૂર્ણ કરવાનો આ એક જ રસ્તો છે. બીજાને ભણાવવાથી આપણા જ્ઞાનની અપૂર્ણતાનો ખ્યાલ આવી જાય છે. હવે તું શિક્ષકરૂપે જ્ઞાનની પૂર્ણતા કર.’
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી
આજ ની "ટૂંકી વાર્તા".."મુક્તાફળનો આસ્વાદ"

બેટા, તને ફળ લેવા મોકલ્યો હતો અને ખાલી થેલી લઈને પાછો આવ્યો? શું થયું? રસ્તામાં કંઈ અકસ્માત નડ્યો? કોઈ દોડતી ગાયે ફળ પાડી નાખ્યાં કે પછી પૈસા જ રસ્તામાં પડી ગયા?’ ફળ લેવા મોકલેલા દીકરાને ખાલી હાથે
આવેલો જોઈને પિતાએ પ્રશ્ન ની ઝડી વરસાવી. એમાં પુત્રની ચિંતા હતી.

બાર વર્ષના પુત્રે કહ્યું, ‘મેં તો આપની આજ્ઞાનું પાલન જ કર્યું છે. આપે મગાવેલાં ફળ કરતાંય ચડિયાતાં મીઠાં-મધુરાં ફળ આજે તો હું લઈને આવ્યો છું.’

પિતાજીએ પૂછ્યું, ‘ક્યાં છે ફળ?’

પુત્ર બોલ્યો, ‘પિતાજી, એ ફળનો આસ્વાદ લેતાં પહેલાં તમારે મારી વાત સાંભળવી પડશે. હમણાં જ એનો મધુરો સ્વાદ તમને ચખાડું. આવાં ફળ કદાચ જીવનમાં પહેલી વાર જ તમને ચાખવા મળશે.’

પિતાજી બોલ્યા, ‘કયાં ફળ? કોની વાડીનાં છે? કઈ ઋતુમાં ઊગે છે?’

પુત્ર બોલ્યો, ‘આ ફળ તો બારમાસી છે અને દુનિયાભરમાં ઉગાડી શકાય છે.’

પિતા બોલ્યા, ‘હવે તો તું જલદી સમજાવ ક્યાં છે ફળ?’

પુત્ર કહે, ‘પહેલાં મારી વાત સાંભળો. હું ફળ ખરીદવા ફ્રૂટમાર્કેટમાં ગયો. ત્યાં એક દૃશ્ય નિહાળી થંભી ગયો. શારીરિક રીતે એક અક્ષમ માણસ ભૂખથી તરફડી રહ્યો હતો. તેની આંખોમાં છવાયેલી દીનતા મારા હૈયાસોંસરવી નીકળી ગઈ. એ જ પળે મારા મનમાં વીજળીની માફક એક વિચાર આવ્યો - ફળ લાવવા આપેલા પૈસાની આ માણસને બહુ જરૂર છે. ભૂખ્યાને રોટી આપવી અને દુ:ખીને દિલાસો દેવો એ ઈશ્વરનો આદેશ છે. હું એ આદેશ અમલમાં મૂકીને આવ્યો છું પિતાજી. એ પૈસામાંથી હું તેના માટે ભોજનસામગ્રી લઈ આવ્યો. જમતાં-જમતાં તેની આંખોમાં આનંદની જે ચમક આવી અને મુખ પર સંતોષની જે લાગણી આવી, તેને જે અપૂર્વ આનંદ મળ્યો એનું ફળ ખૂબ જ મિષ્ટ-મધુરું લાગ્યું અને એની સામે બધાં ફળ ફિક્કાં લાગે. દેવોનેય દુર્લભ એ મુક્તાફળ આજે હું આપની પાસે લઈ આવ્યો છું. આપના જ આપેલા ઉપદેશનું મેં પાલન કર્યું છે.’

પુત્રની વાત સાંભળી પિતાની છાતી ગજ-ગજ ફૂલી. પુત્રને આપેલા સંસ્કાર આજે દીપી ઊઠ્યાં હતા. પુત્રને આપેલું શિક્ષણ આજે સાર્થક થયું હતું. પોતાના પરદુ:ખભંજક પુત્રને પિતા પ્રેમથી ભેટી પડ્યા અને બોલ્યા, ‘બેટા, આવા મુસ્તાફળનો આસ્વાદ તું જીવનભર મેળવતો રહે એવા મારા તને આર્શીવાદ છે.’

મુક્તાફળનો અદ્ભુત આસ્વાદ કરનાર, કરાવનાર એ બાળક હતા સંત રંગદાસ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી