Saturday, 6 October 2012

આજ ની "ટૂંકી વાર્તા".." જ્ઞાનને પૂર્ણ કરવાનો રસ્તો "

પ્રાચીનકાળની આ વાત છે. ત્યારે રાજા-રંક સર્વ વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણવા જતા. આવા જ એક ગુરુકુળમાં એક તેજસ્વી રાજકુમાર શિક્ષણ લેતો હતો. 

રાજકુમારે સઘળું શિક્ષણ લીધું. સર્વ શ્રેણી તે ઉતીર્
ણ થયો. બધું જરૂરી જ્ઞાન તેણે મેળવી લીધું. આમ છતાં તેના મનમાં શાંતિ નહોતી. જ્ઞાનની તૃપ્તિ નહોતી. સતત હજી કંઈક શીખવાનું બાકી છે એમ તેને લાગ્યા કરતું એથી તે ઉદાસ રહેતો.

રાજકુમારના ગુરુજીએ એક દિવસ તેને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું. રાજકુમાર સવિનય બોલ્યો, ‘ગુરુદેવ, આપની કૃપાથી હું વેદ અને વેદાંત ભણ્યો. ઇતિહાસ, પુરાણ, કલા, ગણિત ઇત્યાદિ સર્વ શાસ્ત્રોનું મેં અધ્યયન કર્યું છે. આમ છતાં મને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ નથી લાગતું. હજી મને કંઈક ઊણપ ને અધૂરપ લાગ્યા કરે છે.’

રાજકુમારની વાત સાંભળી ગુરુજી મલક્યા અને પછી એટલું જ કહ્યું, ‘વત્સ, ગુરુકુળમાં આવતું સર્વ શિક્ષણ તેં મેળવી લીધું છે. એની પાછળ તેં ખૂબ પરિશ્રમ લીધો છે. માટે હમણાં તું આરામ કર.’

પોતાના પ્રશ્નનો ઉત્તર ગુરુજીએ આ રીતે ટાળ્યો એ રાજકુમારને ઠીક લાગ્યું નહીં. તેનું મન કંઈક ઊંચું થઈ ગયું. એ આખી રાત તેને ઊંઘ ન આવી.

આશ્રમના નિયમ અનુસાર તે પ્રાત:કાળે ઊઠ્યો અને સ્નાન સંધ્યાદિ કર્મ કરવા નદી પર ચાલ્યો.

પરંતુ આજે તેને એક જાતની નવાઈ લાગી. રસ્તામાં આજે તેના જે સહાધ્યાયીઓ મળતા હતા તે સર્વ સન્માનપૂર્વક નમન કરતા હતા.

સ્નાનાદિથી પરવારીને રાજકુમારે આ બાબતની તપાસ કરી.

તપાસમાં માલૂમ પડ્યું કે ગુરુજીએ વિદ્યાર્થીઓને સાંજની સભામાં જાહેર કર્યું હતું કે ‘આપણા ગુરુકુળમાં ઉચ્ચ કક્ષાએ સર્વ શ્રેણીમાં ઉતીર્ણ કરનાર રાજકુમારની આવતી કાલથી એક અધ્યાપક તરીકે નિમણૂક કરવામાં આવે છે.’

વિદ્યાર્થીઓ અધ્યાપકની રૂપે રાજકુમારને નમન કરતા હતા.

રાજકુમારની નવાઈનો પાર ન રહ્યો. તેને થયું હું હજી નવોસવો ઉતીર્ણ થયો છું. ગુરુજી આમ મને તરત જ અધ્યાપક તરીકે નીમી દે એ યોગ્ય નથી.

તે ગુરુજી પાસે ગયો અને બોલ્યો, ‘ગુરુજી, માફ કરજો, મને હજી મારું જ્ઞાન જ કાચું લાગે છે તો હું બીજાને શું શીખવાડીશ.’

રાજકુમારને વચ્ચેથી અટકાવીને ગુરુજી બોલ્યા, ‘વત્સ, મેં બધું બરાબર વિચારીને કર્યું છે. જે જ્ઞાન તારી પાસે છે એ તું બીજાને ભણાવ. જ્ઞાન પૂર્ણ કરવાનો આ એક જ રસ્તો છે. બીજાને ભણાવવાથી આપણા જ્ઞાનની અપૂર્ણતાનો ખ્યાલ આવી જાય છે. હવે તું શિક્ષકરૂપે જ્ઞાનની પૂર્ણતા કર.’
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment