આજ નુ "જ્ઞાન" ...."ગણેશનાં ૧૧ સ્વરૂપ"
પંચદેવોમાં અને સર્વે દેવોમાં ભગવાન ગણેશ સૌ પ્રથમ પુજાય છે. કોઈ પણ શુભકાર્યની શરૂઆત પહેલાં ગણેશજીનું આહ્વાન કરાય છે. ભગવાન ગણેશને વિઘ્નવિનાશક, બુદ્ધિદાતા અને મંગલકર્તા દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશ
નું મુખ ગજનું હોવાથી તેઓ ગજાનન તરીકે પણ ઓળખાય છે. સમસ્ત ગણ દેવતાઓમાં અગ્રપૂજ્ય અને તેમના સ્વામી હોવાથી ગણપતિજીને વિનાયકના નામથી પણ ઓળખવામાં આવે છે.પુરાણો જણાવે છે કે ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ છે, પરંતુ ઘણા આરાધકો ભગવાન ગણપતિનાં સોળ સ્વરૂપ બતાવે છે. દુંદાળા, વિઘ્નહર્તા દેવ એવા ભગવાન ગણેશનાં આ અગિયાર રૂપ આ પ્રમાણે છે.
બાળ ગણપતિ
જેમ બાળ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક છે તેમ બાળ ગણપતિનું સ્વરૂપ પણ ખૂબ જ મનમોહક છે. બાળ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હાથમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોમાં જણાવ્યા મુજબ બાળ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.
કિશોર ગણપતિ
કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભુજા ધરાવે છે. તેમના અષ્ટ હાથોમાં અંકુશ, પાશ, જાંબુ, ફળ, તૂટી ગયેલો હાથીદાંત, ધાન્ય ભરેલો કુંભ, નીલા રંગનું કમળ, શેરડી અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતા નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.
ઊર્ધ્વ ગણપતિ
ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભુજાયુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપના અષ્ટ હાથોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથીદાંત, ધનુષ્ય-બાણ અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલાં વસ્ત્રો ધારણ કરીને સિદ્ધિદેવી બેઠેલાં છે. જે પણ ભક્તજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતાં તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.
ભક્ત ગણપતિ
ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હાથમાં શ્રીફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટફળ પ્રાપ્તિની ઇચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેની આરાધના સફળ બને છે.
વીર ગણપતિ
ભગવાન ગણેશની આ પ્રતિમા સોળ ભુજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વના સંરક્ષણના ઉદ્દેશ્યને માટે જો ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.
શક્તિ ગણપતિ
શ્રી ગણેશના આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમાં સમાન છે. તેમની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિતદેવી બિરાજમાન છે. ગણપતિના આ સ્વરૂપને બે ભુજાઓ છે. શક્તિ ગણપતિનું સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ બે હાથમાંથી એક હાથ આશીર્વાદ આપે છે અને બીજા હસ્તમાં નીલકમળ છે.
હેરંબ વિઘનેશ્વર
આ સ્વરૂપ હેરંબ એટલે કે સિંહ પર સવાર થયેલું છે. બાર ભુજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હાથ અભય મુદ્રામાં અને જમણો હાથ આશીર્વાદ આપે છે. બાકીનાં હાથમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂળ, લાલ કમળ અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે તથા વર્ણ ઉજ્જ્વળ અને શુભ્ર છે. શ્રીગણેશનું આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.
લક્ષ્મી ગણપતિ
શ્રી ગણેશની લક્ષ્મી એટલે રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિદેવી બિરાજમાન થયેલાં છે. ગણેશજીનું આ સ્વરૂપ અષ્ટભુજાયુક્ત છે. જેમના હાથમાં શુક, દાડમ, મણિજડિત રત્ન, કળશ, લાલ કમળ, કલ્પલતા વેલ, પાશ, અંકુશ અને ખડગ સોહે છે. રિદ્ધિ અને સિદ્ધિ દેવીઓનાં બંને હાથમાં નીલકમળ રહેલાં છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃદ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.
મહા ગણપતિ
બાર ભુજાઓયુક્ત આ મહા ગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહા ગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે. તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમના વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને એક હાથમાં કમળપુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ખોળામાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો હાથ વરદાન આપનારી મુદ્રામાં છે. બાકીનાં હાથમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડુંડાં, પુષ્પ અને મોદકના લાડુ છે. મહા ગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.
વિજય ગણપતિ
સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભુજાઓથી યુક્ત છે. ભગવાન ગણેશની આ ચાર ભુજાઓમાં આમ્રફળ, ગજદંત, પાશ અને અંકુશ છે. મૂષક પર આરૂઢ થયેલ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોનાં મનની તમામ મંગળ અભિલાષા પૂર્ણ કરે છે.
ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ
બાર ભુજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. શ્રી ગણેશની આ દ્વાદશ ભુજાઓમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુહાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ અને પુષ્પમાળા રહેલી છે.
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
No comments:
Post a Comment