Saturday 6 October 2012


આજ ની "ટૂંકી વાર્તા"..."સાચી ભક્તિ"

નારદ કૃષ્ણના ભારે મોટા ભક્ત હતા. હરિ પ્રત્યે તેમની ભક્તિ એટલી તીવ્ર હતી કે એ માનતા હતા કે એમના જેવા પ્રગાઢ હરિભક્ત બીજો કોઈ નથી. ભગવાન કૃષ્ણએ નારદના મનનો ભાવ વાંચી લીધો અને એમણે મહર્ષિનું અભિમાન ઉતારવાન
ું નક્કી કર્યું. એમણે નારદને સૂચવ્યું, ‘મહર્ષિ, ગંગા નદીને કિનારે સુવર્ણપુર નામે એક ગામ છે. ત્યાં કાળુ નામનો મારો એક ભક્ત રહે છે. તમે થોડો સમય એમની સાથે રહો તો તમને કંઈક નવું જાણવા મળશે.’

નારદ તો ઉપડ્યા સુવર્ણપુર ને પહોંચ્યા કાળુ પાસે. તેમણે કાળુની દિનચર્યા જોવા માંડી. કાળુ સવારે વહેલો ઊઠીને એક જ વાર હરિનું નામ બોલતો. પછી હળ લઈ ખેતરે જતો. આખો દિવસ ખેતરમાં કામ કરતો. રાતે સૂતી વખતે ફરી એક વાર તે હરિનું નામ લેતો.

નારદને થયું, ‘હરિભક્તિ એટલે શું એ આ ગામડિયો શું જાણે? આખા દિવસમાં બે જ વાર હરિનું સ્મરણ કરે છે અને આખો દિવસ તેનાં દુનિયાદારીનાં કામોમાં રચ્યોપચ્યો રહે છે.’

કાળુ સાથે એક દિવસ કાઢી નારદ તો પહોંચ્યા પાછા હરિ પાસે.

હવે હરિએ નારદને કહ્યું, ‘મહર્ષિ, એક પવાલું લઈ છલોછલ દૂધથી ભરો. દૂધથી ભરેલું એ પવાલું લઈ આખા વૈકુંઠની પ્રદક્ષિણા કરી પાછા આવો. દૂધનું એક પણ ટીપું નીચે ઢોળાવું ન જોઈએ. નારદે એ પ્રમાણે કર્યું અને પાછા આવ્યા.

હરિએ નારદને પૂછ્યું, ‘મહર્ષિ, ગામની પ્રદક્ષિણા કરતાં-કરતાં તમે કેટલી વાર મારું સ્મરણ કર્યું?’

પ્રભુનો મર્મ સમજ્યા વિના થાકી ગયેલા નારદે સીધો જ જવાબ આપ્યો, ‘એક પણ વાર નહીં; કેવી રીતે તમારું સ્મરણ કરું? દૂધનું પવાલું છલકાય નહીં ને એનું ટીપું ઢોળાય નહીં એ માટે આખો વખત મારું ધ્યાન દૂધના પવાલા પર જ હતું.’

હરિએ કહ્યું, ‘નારદ, તમારું સઘળું ધ્યાન પવાલા પર જ કેન્દ્રિત રહ્યું અને એટલે તમે મને તો સાવ ભૂલી જ ગયા. હવે પેલા ખેડૂત કાળુને જુઓ. પોતાના કુટુંબ અને સંસારની જવાબદારી 

નિભાવતાં-નિભાવતાં આખોય દિવસ તે કામમાં મચ્યો રહે છે, મહેનત કરે છે. રોજ એ ચક્ર ચાલ્યા કરે છે છતાં દિવસમાં બે વાર મારું સ્મરણ કરવાનું તે ચૂકતો નથી એનું નામ ભક્તિ.’

નારદને પ્રભુની વાત સમજાઈ ગઈ. તેમનું ભક્ત તરીકેનું અભિમાન ઉતારવા હરિએ પદાર્થપાઠ આપ્યો હતો. ભક્તિનુંય અભિમાન સારું નહીં. કેટલી વાર નામ-સ્મરણ કર્યું કે કેવાં પૂજન-અર્ચન, વિધિ-વિધાન કે પ્રસાદ વગેરે કર્યા એનું મહત્વ નથી, પણ દુનિયાદારી નિભાવતાં-નિભાવતાં હરિ-સ્મરણ માટે થોડો સમય કાઢી લેવો એમાં સાચી ભક્તિ છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment