આજ નુ "જ્ઞાન" ....."અષ્ટવિનાયક"
ભગવાન શ્રી ગણેશ જળ તત્વના દેવતા ગણાય છે. જળ પાંચ તત્વોમાંનું એક છે. સમગ્ર જગતની રચના પાંચ તત્વોમાંથી થઇ છે. આ પ્રકારે જળની સાથે શ્રી ગણેશ દરેક જગ્યાએ ઉપસ્થિત છે. જળ વગર માનવ જીવન સંભવ નથી. જળ વગર ગતિ, પ્રગતિ
બધું અસંભવ છે. એટલા માટે શ્રી ગણેશને મંગલમૂર્તિના રુપમાં પ્રથમ પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મદેવે ભવિષ્યવાણી કરી હતી કે દરેક યુગમાં શ્રીગણેશ અલગ-અલગ રુપમાં અવતાર લેશે.
કૃતયુગમાં વિનાયક, ત્રેતાયુગમાં મયૂરેશ્વર, દ્વાપરયુગમાં ગજાનંદ અને કળયુગમાં ધૂમ્રકેતુના નામે અવતાર લેશે. આ જ પૌરાણિક મહત્વ સાથે જોડાયેલી છે મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા. વિનાયક ભગવાન ગણેશનું જ એક નામ છે. મહારાષ્ટ્રમાંપુના નજીક અષ્ટવિનાયકના 8 પવિત્ર મંદિર 20થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલા છે. આ મંદિરોનું પૌરાણિક મહત્વ અને ઇતિહાસ છે. તેમાં બિરાજમાન શ્રીગણેશનીપ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે, એટલે કે તે જાતે જ પ્રગટ થઇ છે. તેનું સ્વરુપ પ્રાકૃતિક છે. દરેક પ્રતિમાનું સ્વરુપ એકબીજા કરતા અલગ છે. આ પવિત્ર પ્રતિમાઓ જે ક્રમમાં પ્રાપ્ત થઇ છે તે જ ક્રમમાં તેની યાત્રા કરવામાં આવે છે.
1) મોરગાંવ સ્થિત મોરેશ્વર
2) સિદ્ધટેકમાં સિદ્ધિવિનાયક,
3) પાલી સ્થિત બલ્લાલેશ્વર,
4) મહાડ સ્થિત વરદવિનાયક,
5) થેઉર સ્થિત ચિંતામણી,
6) લેણ્યાદ્રી સ્થિત ગિરિજાત્મજ,
7) ઓઝર સ્થિત વિઘ્નેશ્વર,
8) રાંજણગાં સ્થિત મહાગણપતિની
યાત્રા કરવામાં આવે છે. આમાંથી ગણપતિના 6 મંદિરો પુનામાં અને 2 રાયગઢ જિલ્લામાં આવેલા છે. અષ્ટ વિનાયકની આ યાત્રા માત્ર ધાર્મિક લાભ જ નહીં આધ્યાત્મિક સુખ, માનસિક શાંતિ અને આનંદ પણ આપે છે.
મયૂરેશ્વર કે મોરેશ્વરનું મંદિર મોરગાંવમાં કરહા નદીના કિનારે આવેલું છે. જે મહારાષ્ટ્રના પુનામાં બારમતી તાલુકામાં આવેલું છે. આ ક્ષેત્ર ભૂસ્વાનંદના નામે પણ ઓળખાય છે. જેનો અર્થ છે સુખ સમૃદ્ધ ભૂમિ. આ ક્ષેત્રનો આકાર મોર સમાન છે. આ સિવાય આ ક્ષેત્રમાં ભૂતકાળમાં અનેક મોર જોવા મળતા હતા. આ કારણે જ આ ક્ષેત્રનું નામ મોરગાંવ પડ્યું.
સિદ્ધટેક મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કરજતમાં ભીમ નદી કિનારે આવેલું નાનું ગામ છે. સિદ્ધટેકમાં અષ્ટવિનાયકમાંથી એક એવા સિદ્ધવિનાયકને પરમ શક્તિમાન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં સિદ્ધટેક પર્વત હતો, જ્યાં વિષ્ણુએ તપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
અષ્ટવિનાયક ગણેશમાં બલ્લાલેશ્વર ગણેશ જ એકમાત્ર એવા ગણેશ ગણાય છે, જેમનું નામ એક ભક્તના નામથી જાણીતું થયું હોય. અહીં ગણેશની પ્રતિમાને બ્રાહ્મણનો વેશ ધારણ કરાવવામાં આવે છે.
વરદવિનાયક ગણેશનું મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુર તાલુકામાં એક સુંદર પર્વતીય ગામ મહાડમાં આવેલું છે. ભક્તોની એવી શ્રદ્ધા છે કે અહીં વરદવિનાયક ગણેશ પોતાના નામની જેમ જ લોકોની બધી મોકામનાઓ પૂર્ણ થાય તેવું વરદાન આપે છે. પ્રાચીનકાળમાં આ સ્થળ ભદ્રક નામે જાણીતું હતું. આ મંદિરમાં નંદદીપ નામનો એક દીવો નિરંતર પ્રજ્જવલ્લિત રહે છે. આ દીપક વિશે માનવામાં આવે છે કે તે વર્ષ 1812ની સાલથી સતત પ્રગટી રહ્યો છે.
ચિંતામણી ગણેશનું મંદિર મહારાષ્ટ્રના પુના જિલ્લાના હવેલી તાલુકામાં થેઉર ગામમાં આવેલું છે. આ ગામ મુલમુથા નદી કિનારે વસેલું છે. અહીં ગણેશ ચિંતામણીના નામે પ્રસિદ્ધ છે. જેનો અર્થ છે કે આ ગણેશ બધી ચિંતાઓને હરનારા છે અને મનને શાંતિ પ્રદાન કરે છે.
ગિરિજાત્મજ અષ્ટવિનાયક મંદિર ઉત્તર પુનાના લેણ્યાદ્રી ગામમાં આવેલું છે, જે કુકદી નદીના કિનારે વસેલું છે. ગિરિજાત્મજનો અર્થ છે માતા પાર્વતીનો પુત્ર. ગિરિજા માતા પાર્વતીનું જ એક નામ છે અને આત્મજનો અર્થ છે પુત્ર. અષ્ટવિનાયકમાં આ એક માત્ર મંદિર છે જે ઊંચા પહાડ પર બુદ્ધ ગુફામાં આવેલું છે.
વિઘ્નેશ્વર અષ્ટવિનાયકનું મંદિર કુકદેશ્વર નદીના કિનારે ઓઝર નામના સ્થાન પર આવેલું છે. વિઘ્નેશ્વર દૈત્યને મારવાને કારણે જ તેમનું નામ વિઘ્નેશ્વર વિનાયક પડ્યું. એવું માનવામાં આવે છે કે ત્યારથી લઇને અત્યાર સુધી અહીં શ્રીગણેશ ભક્તોના તમામ વિઘ્નોને દૂર કરે છે.
મહાગણપતિને અષ્ટવિનાયકમાં સહુથી દિવ્ય અને શક્તિશાળી સ્વરુપ માનવામાં આવે છે. આ સ્વરુપ અષ્ટભુજા, દશભુજા કે દ્વાદશભુજાવાળુ મનાય છે. ત્રિપુરાસુર દૈત્યને મારવા માટે ગણપતિએ આ સ્વરુપ ધારણ કર્યુ હતું. તે માટે તેઓ ત્રિપુરદેવ મહાગણપતિના નામે પ્રસિદ્ધ થયા.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment