આજ ની "ટૂંકી વાર્તા".."મુક્તાફળનો આસ્વાદ"
બેટા, તને ફળ લેવા મોકલ્યો હતો અને ખાલી થેલી લઈને પાછો આવ્યો? શું થયું? રસ્તામાં કંઈ અકસ્માત નડ્યો? કોઈ દોડતી ગાયે ફળ પાડી નાખ્યાં કે પછી પૈસા જ રસ્તામાં પડી ગયા?’ ફળ લેવા મોકલેલા દીકરાને ખાલી હાથે
આવેલો જોઈને પિતાએ પ્રશ્ન ની ઝડી વરસાવી. એમાં પુત્રની ચિંતા હતી.
બાર વર્ષના પુત્રે કહ્યું, ‘મેં તો આપની આજ્ઞાનું પાલન જ કર્યું છે. આપે મગાવેલાં ફળ કરતાંય ચડિયાતાં મીઠાં-મધુરાં ફળ આજે તો હું લઈને આવ્યો છું.’
પિતાજીએ પૂછ્યું, ‘ક્યાં છે ફળ?’
પુત્ર બોલ્યો, ‘પિતાજી, એ ફળનો આસ્વાદ લેતાં પહેલાં તમારે મારી વાત સાંભળવી પડશે. હમણાં જ એનો મધુરો સ્વાદ તમને ચખાડું. આવાં ફળ કદાચ જીવનમાં પહેલી વાર જ તમને ચાખવા મળશે.’
પિતાજી બોલ્યા, ‘કયાં ફળ? કોની વાડીનાં છે? કઈ ઋતુમાં ઊગે છે?’
પુત્ર બોલ્યો, ‘આ ફળ તો બારમાસી છે અને દુનિયાભરમાં ઉગાડી શકાય છે.’
પિતા બોલ્યા, ‘હવે તો તું જલદી સમજાવ ક્યાં છે ફળ?’
પુત્ર કહે, ‘પહેલાં મારી વાત સાંભળો. હું ફળ ખરીદવા ફ્રૂટમાર્કેટમાં ગયો. ત્યાં એક દૃશ્ય નિહાળી થંભી ગયો. શારીરિક રીતે એક અક્ષમ માણસ ભૂખથી તરફડી રહ્યો હતો. તેની આંખોમાં છવાયેલી દીનતા મારા હૈયાસોંસરવી નીકળી ગઈ. એ જ પળે મારા મનમાં વીજળીની માફક એક વિચાર આવ્યો - ફળ લાવવા આપેલા પૈસાની આ માણસને બહુ જરૂર છે. ભૂખ્યાને રોટી આપવી અને દુ:ખીને દિલાસો દેવો એ ઈશ્વરનો આદેશ છે. હું એ આદેશ અમલમાં મૂકીને આવ્યો છું પિતાજી. એ પૈસામાંથી હું તેના માટે ભોજનસામગ્રી લઈ આવ્યો. જમતાં-જમતાં તેની આંખોમાં આનંદની જે ચમક આવી અને મુખ પર સંતોષની જે લાગણી આવી, તેને જે અપૂર્વ આનંદ મળ્યો એનું ફળ ખૂબ જ મિષ્ટ-મધુરું લાગ્યું અને એની સામે બધાં ફળ ફિક્કાં લાગે. દેવોનેય દુર્લભ એ મુક્તાફળ આજે હું આપની પાસે લઈ આવ્યો છું. આપના જ આપેલા ઉપદેશનું મેં પાલન કર્યું છે.’
પુત્રની વાત સાંભળી પિતાની છાતી ગજ-ગજ ફૂલી. પુત્રને આપેલા સંસ્કાર આજે દીપી ઊઠ્યાં હતા. પુત્રને આપેલું શિક્ષણ આજે સાર્થક થયું હતું. પોતાના પરદુ:ખભંજક પુત્રને પિતા પ્રેમથી ભેટી પડ્યા અને બોલ્યા, ‘બેટા, આવા મુસ્તાફળનો આસ્વાદ તું જીવનભર મેળવતો રહે એવા મારા તને આર્શીવાદ છે.’
મુક્તાફળનો અદ્ભુત આસ્વાદ કરનાર, કરાવનાર એ બાળક હતા સંત રંગદાસ.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment