Sunday, 26 August 2012


આજ ની "ટૂંકી વાર્તા"...."સાચી શાંતિ"

શાંતિનો સાચો અર્થ સમજવા અને બીજાને સમજાવવા માટે એક રાજાએ શાંતિનો અહેસાસ કરાવે એવા એક ઉત્તમ ચિત્ર માટે સ્પર્ધાનું આયોજન કર્યું.
દેશ-વિદેશના કલાકારોએ એમાં નામ નોંધાવ્યાં. અનેક કલાકારોએ દિન-રાત એક કરી કલાક
ોની મહેનત બાદ ખૂબ જ સુંદર ચિત્રો તૈયાર કયાર઼્. બધાં જ ચિત્રો રાજાએ બારીકાઈથી જોયાં. ખૂબ જ સુંદર અને અદ્ભુત કહી શકાય એવાં ચિત્રો અલગ કાઢ્યાં.
છેલ્લે બે ચિત્રો રાજાને ખાસ ગમ્યાં અને એ બેમાંથી કોઈ પણ એક ચિત્ર ઇનામ માટે પસંદ કરવાનું હતું. રાજાએ પોતાના પ્રધાન અને બીજા અગ્રગણ્ય નાગરિકો અને કલાકારોની સમિતિ બનાવી અને તેમને નિર્ણય લેવા માટે કહ્યું.
એક ચિત્ર આવું હતું - શાંત સરોવરની બધી બાજુ પર્વતો છે અને એ બધાયનું સરોવરના પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાય છે. જાણે સરોવર સરસ દર્પણ હોય એવું લાગતું હતું. સરોવરની ઉપર રૂ જેવાં સુંવાળાં સફેદ વાદળોથી આચ્છાદિત આસમાની આકાશ હતું. જે લોકોએ આ ચિત્ર જોયું તેમને સૌને શાંતિનું એક સંપૂર્ણ ચિત્ર લાગ્યું.
બીજા ચિત્રમાં પણ પર્વતો હતા, પણ એ ખરબચડા હતા. ઉપરનું આકાશ જાણે કોપાયમાન હોય એવું લાગતું હતું. એમાંથી વરસાદ પડતો હતો અને સાથે વીજળીના ચમકારા હતા. પર્વતોની વચ્ચેથી ફીણવાળો ધોધ વહી રહ્યો હતો. આ ચિત્રને જોતાં શાંતિનો અહેસાસ ન થાય એવું બધાને લાગ્યું. પણ પછી રાજાએ ધોધની પાછળ ખડકના પોલાણમાં મજાનું એવું નાનકડું એવું ઝાડ, એ ઝાડમાં માળો બાંધી પક્ષી બચ્ચાને પોતાની પાંખમાં જાળવીને બેઠું હતું એના પર બધાનું ધ્યાન ખેંચ્યું.
કોપાયમાન લાગે એવા ધોધના ધસમસતા પાણીના અવાજ વચ્ચે પણ પક્ષી અને બચ્ચું એવાં શાંતિથી અને નિરાંતથી બેઠાં હતાં કે સંપૂર્ણ શાંતિનો અહેસાસ થાય.
આ અહેસાસ બધાને થયો અને સમગ્ર સમિતિએ બીજા ચિત્રને પસંદ કર્યું. બીજા ચિત્રના ચિત્રકારને ઇનામથી નવાજવામાં આવ્યા અને શું કામ બીજું ચિત્ર પસંદ થયું એ દરબારમાં સમજાવતાં કહ્યું, ‘શાંતિનો અર્થ એવો નથી કે ત્યાં અવાજ ન હોય, તકલીફ ન હોય કે પરિશ્રમ ન હોય. આ બધું હોય છતાં એની વચ્ચે તમને દિલમાં શાંતિનો અહેસાસ થાય એ જ સાચી શાંતિ કહેવાય.’

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી


Monday, 6 August 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

હર હર મહાદેવ......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન" ......સોમનાથ જ્યોતિર્લિંગ 

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે, જેનું અનેરું મહત્વ છે. મહાત્મ્ય અને તેની રસપ્રદ વાતો...

1 સોમનાથ મહાદેવ પ્રથમ, સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. દક્ષપ્રજાપતિની દિકરીઓ ચંદ્રને પરણાવેલી હતી. ચંદ્ર તેમાંથી રોહિણ
ીને વધારે પ્રેમ કરતો હતો, માટે બાકીની કન્યાઓ એ, તેના પિતા દક્ષને ફરિયાદ કરી. દક્ષે ક્રોધમાં આવી ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો.

2 ક્ષયના રોગથી ત્રાસીત થઈને ચંદ્ર, ઈન્દ્ર પાસે જાય છે. ઈન્દ્રએ શિવજીને મનાવવા કહ્યું. ચંદ્રએ પ્રભાસ ક્ષેત્ર પસંદ કર્યું અને ત્યાં તેણે શિવજીનું તપ કર્યું. શિવજી ચંદ્રના તપથી પ્રસન્ન થયા અને ચદ્રને વરદાન આપતા કહ્યું ‘‘ દક્ષનો આ શ્રાપ સંપૂર્ણ તો નાશ નહીં પામે પણ તમારા ક્ષયનું સ્વરૂપ પંદર દિવસ રહેશે. પંદર દિવસ તમે સાજા-સારા સ્વરૂપમાં આવી જશો.’’ રીતે સુદ-વદ પક્ષનો પ્રારંભ થયો.

3 આ સમયે ચંદ્રદેવે શિવજીને વારંવાર વંદન કરી અને કહ્યું કે તમે અહીં બિરાજમાન થાવો. ચંદ્ર દેવની આ પ્રાર્થનાનો આદર કરી અને શિવજીએ તેમના જ્યોતિ સ્વરૂપમાં ત્યાં લિંગ રૂપે બિરાજમાન થયા. આ સમયથી તે સોમનાથ – સોમ એટલે ચંદ્ર, ચંદ્રના નાથ – તરીકે પ્રસિદ્ધ થયા.

4 સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈ.સ. પૂ.649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું જે લાલ પથ્થરમાંથી નિર્માણ પામ્યું છે. મહમદ ગઝનવીએ સોમનાથના મંદીરના મૂલ્યવાન ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી.

5 સિદ્ધરાજ જયસિંહના સમયમાં ભારે ઝાકમઝોળથી આ ભોલેનાથને રાખવામાં આવતા હતા. સોમનાથનું આ ભવ્ય મંદિર ઈતિહાસની નજરે જોતા ઘણીવાર તૂટ્યું છે, પણ ફરી તેનો કોઈને કોઈ ઉદ્ધારક આવી ચડે છે અને ભવ્યથી પણ ફરી ભવ્ય બનાવવામાં આવે છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"....." વિશ્વાસ "

એક આરબ પાસે ઊંચો સફેદ ઘોડો હતો. સુંદર અને પાણીદાર ઘોડો દોડે તો જાણે હવા સાથે વાતો કરે. તે આરબ પોતાના ઘોડાને ખૂબ જ પ્રેમ કરતો હતો.
એક બીજા આરબને આ ઘોડો લઈ લેવાની ઇચ્છા જાગી. તેણે પેલા આરબને કહ્યું કે હું
 તને ચાર ઊંટ આપું, તું તારો આ ઘોડો મને આપી દે.
આરબે ઘોડો આપવાની ના પાડી અને કહ્યું, ‘ચાર ઊંટ શું? કોઈ પણ કિંમતે હું મારો પ્રિય ઘોડો નહીં આપું.’
પેલા બીજા આરબને થયું સીધી રીતે ઘોડો મને મળી શકે એવી કોઈ શક્યતા નથી, પણ મારે તો ઘોડો જોઈએ જ છે તો લાવ કંઈક યુક્તિ કરું. તેણે એક યુક્તિ વિચારી.
બીજો આરબ ટૂંકા રસ્તેથી આગળ જઈ પેલા આરબના માર્ગમાં એક રોગી, અશક્ત ફકીર બનીને બેસી ગયો અને ઘોડાવાળા આરબની પ્રતીક્ષા કરવા લાગ્યો.
થોડી વાર પછી આરબ ઘોડા સાથે ત્યાંથી પસાર થયો. તેને આવતો જોઈને ફકીરે બૂમો પાડવા માંડી અને વેદનાભર્યા અવાજે કહ્યું, ‘કોઈ દયા કરો મારા પર, હું રોગી છું, અશક્ત છું, મારાથી ચલાતું નથી. મને કોઈ સામે ગામ પહોંચાડવાની મહેરબાની કરો... મદદ કરો... અલ્લાહ તમારું ભલું કરશે.’
આ સાંભળી આરબને દયા આવી અને તે બોલ્યો, જો આ ઘોડા પર હું તને સામે ગામ પહોંચાડીશ. આમ કહી પેલા ફકીરને ઘોડા પર બેસાડ્યો અને પોતે નીચે ઊતરી ઘોડા સાથે ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયા હશે ત્યાં તો પેલો ફકીર ટટ્ટાર બેસી ગયો અને ઘોડાને તગડાવી મૂક્યો. તેની પાછળ પેલા આરબે બૂમ મારી.
ઘોડાવાળા આરબે બૂમ મારીને કહ્યું કે તને ખુદાના સોગંદ છે થોભી જા...
પેલો આરબ થોડો અટક્યો. ઘોડાવાળા આરબે કહ્યું, ‘જો ભાઈ, આ ઘોડો તું જ લઈ જા. એ હવે તારો થયો. તું તેની સારસંભાળ બરાબર લેજે, પરંતુ આવી રીતે તેં દગો કરીને, ધોખો કરીને, વિશ્વાસઘાત કરીને ઘોડો પડાવી લીધો છે એ વાત કોઈને કરતો નહીં. આ વાત બીજા જાણશે તો લોકોનો ગરીબ પરનો, દુ:ખી પરનો, સાધુ-સંત-ફકીર પરનો વિશ્વાસ જ ઊઠી જશે અને જરૂરિયાતવાળાને પણ કોઈ મદદ કરવા નહીં જાય.’
આ સાંભળતાં જ પેલાનો આત્મા જાગ્યો અને ઘોડો પાછો આપીને ચાલી ગયો.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કઈંક અવનવું" ...."દીકરી".

ઔંસ ના ટીપા જેવી હોય છે દીકરી.
મા-બાપ ની દુલારી અને જાન થી પણ 
પ્યારી હોય છે દીકરી.
મા-બાપ જો દર્દ માં હોય તો હમદર્દ થાય છે દીકરી
રોશન કરે છે દીકરો બસ એક જ કુળ ને.
પર બે-બે કુળ ની લાજ હોય છે દીકરી
હીરો જો હોય દીકરો તો સાચ્ચું મોતી છે દીકરી
કાંટા ના રસ્તા પર ચાલે છે દીકરી
અને બીજા ની રાહ મા ફુલ બને છે દીકરી
કહેવાય છે પારકી થાપણ દીકરી
પણ દીકરા થી પણ વધુ આપણી હોય છે દીકરી.

એક પ્રણામ દુનિયા ની દરેક માઁ,બહેન અને દીકરી ને.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "હેલ્થ ટીપ્સ"...

લીંબુમાં વિટામિન સી, સાઇટ્રિક એસિડ, મેગ્નેશિયમ, વિટામિન બી હોય છે. જે બોડીને ફ્રેશનેસ પુરી પાડે છે તેમજ સ્કીન માટે પણ નેચરલ બ્લિચનું કામ કરે છે.

1 એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક લીંબુનો રસ અને બે ચમચી મધ નાંખીને પીવાથી
 શરીરની અનાવશ્યક ચરબી ઓછી થાય છે અને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.

2 આ એક પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક છે જેના પ્રયોગથી ત્વચાની સમસ્યા પણ દૂર થઇ શકે છે. લીંબુ ચહેરા પરથી બ્લેકહેડ્સ અને કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે સાથે ચહેરો સાફ પણ કરે છે. સાથે તે એન્ટી એજિંગનું કામ પણ કરે છે. લીંબુને ખીલ પર લગાવવાથી ખીલ સૂકાઇ જાય છે અને તે વધુ ફેલાતા નથી.

3 લીંબુ પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રેસ, થાક અને ચક્કર આવતા દૂર થાય છે. સાથે તેનાથી શ્વાસ લેવાની તકલીફ અને અસ્થમાની સમસ્યા પણ દૂર થાય છે.

4 લીંબુ ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપ બને છે. તેમજ લીંબુ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને સારો કોલેસ્ટ્રોલ વધારે છે.

5 ગરમ પાણીમાં થોડા લીંબુના ટીપાં મિક્સ કરી પી જાઓ. આનાથી ચક્કર, ડાયેરિયા, દિલની બળતરા, ખાટા ઓડકાર અને અન્ય પેટ સંબંધી રોગો દૂર થશે.

6 લીંબુના રસને વાળના મૂળમાં ઘસીને 10 મિનિટ બાદ વાળ ધોઇ લો. આમ કરવાથી વાળ ખરવા કે માથામાં જૂ પડી હશે તો તે દૂર થશે.

7 જો પેઢામાં દુખાવો થતો હોય તો તે જગ્યાએ લીંબુનો રસ લગાવો. આનાથી પીડા તો દૂર થશે સાથે મોઢામાંથી ખરાબ વાસ પણ નહીં આવે.

8 ગળાનો સોજો, ગળું બેસી જવું વગેરે સમસ્યામાં ગરમ પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી કોગળા કરવા જોઇએ. જેમને ખાંસીમાં પાતળો કફ નીકળતો હોય તેમણે આ પ્રયોગ ન કરવો.

9 લીંબુ એક એન્ટીઓક્સિડેન્ટ છે જે ફ્રી રેડિકલ્સને ડીએક્ટિવ કરે છે. જેનાથી સ્ટ્રોક, હાર્ટની બીમારી અને કેન્સરનું જોખમ નથી રહેતું.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી



આજ ની "અમૃત વાણી"

માનવતા ની સેવા કરવા વાળા "હાથ" એટલા જ ધન્ય હોય છે.
જેટલા પરમાત્મા ની "પ્રાર્થના" કરવા વાળા હોઠ.!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

ખબર નહોતી બસ અચાનક જ આપણી નજર મળી ગઈ.
જે રમતી હતી આંખો માં એ છોકરી ક્યાં ગઈ ?

ના દેખાઈ એ આજે મને ..
હું જેને ચાહતો હતો ….
પલટાઈ ગઈ મારી પણ જિંદગી ને તને પણ નવી રાહ મળી ગઈ.

નથી ચોટતું ચિત કોઈ કામ માં તું કેમ ચિત ચોર બની ગઈ.
નથી રહી શકતો તારી યાદો વિના હવે એ ચાહત થઇ ગઈ.

મંજિલ હતી તું જ મારી…
હવે મંજિલ વિનાની મારી મુસાફરી થઇ ગઈ.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

સંતા અને બંતા વાતચીત કરતા હતા.
સંતા – અરે, બંતા હિપ્નોટીસ કરવું એટલે શું?
બંતા – કોઈને પોતાના વશમાં કરીને તેની પાસે 
પોતાની મરજી મુજબનું કામ કરાવવું.
સંતા – ચલ જુઠા, એને તો લગ્ન કહેવાય…!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી
આજ નુ " કાવ્ય "

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

ગોઠણ થી ચાલતા ચાલતા,
ક્યારે પગ પર ઉભો થયો .

તારી મમતા ના છાયા માં,
ખબર નહી ક્યારે મોટો થયો.

કાળા ટીકા,દુધ મલાઈ
આજે પણ બધુ તેવું જ છે.

હું અને હું જ છું દરેક જગ્યા પર
પ્રેમ આ તારો કેવો છે ? 

સીધો-સાદો ,ભોળો-ભાળો
હું જ સૌથી સારો છું.

કેટલો પણ થઈ જાવ હું મોટો,
" માઁ " હું આજે પણ તારો બાળક છું

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

Saturday, 4 August 2012


આજ નુ " કાવ્ય "

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "હેલ્થ ટીપ્સ"...

આર્યુવેદમાં વિશ્વાસ રાખતા હોવ તો આપને આ વાતની જાણ હશે જ કે કારેલા પચવામાં હલકાં અને અનેક બીમારીઓનો ઈલાજ છે.
એટલું જ નહીં તે ભૂખવર્ધક, પચવામાં સરળ, પિત્તસારક, કૃમિની બીમારી દુર કરનારા, ડાયાબિટીસ નાશક, સોજા જેવી બીમારી
 દુર કરનારા, માસિક ધર્મની બીમારીને દુર રનારા, આંખોનું તેજ પાછુ લાવે છે, રક્ત શુદ્ધ કરે છે અને મેદસ્વીતા નષ્ટ કરવામાં ઉત્તમ છે.

તાવ, સોજા, પેટનો ગેસ અને ત્વચાના રોગો પણ દુર કરે છે. દરરોજ કારેલાનો જ્યૂસ પીવાનો આટલો બધો ફાયદો છે.

કડવા લાગતા કારેલાના આટલાં ફાયદા છે દરરોજ સવારે એક નાનો ગ્લાસ કારેલાનું જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. તે સાથે આટલા રોગો સામે લડવાની તાકાત પણ.

ડાયાબિટીસની બીમારીમાં કારેલાના ટુકડા કાપી તેને છાયડામાં જ સુકવી તેને ઝીણા પીસી દો. તેમાં દસમાં ભાગની કાળા મરી ઉમેરી લો. આ પાવડર દરરોજ સવાર સાંજ એક ચમચી પાણીમાં મેળવી પીવો આપને ઘણો લાભ થશે

મલેરિયાની બીમારીમાં કારેલાના 3-4 પત્તા 3 કાળામરીના દાણા સાથે પીસી લો અને આ રસ શરિર પર લાગાવો તેનાથી રાહત થશે.

જો નાના બાળકની ઉલટી બંધ નથી થતી તો તેને કારેલાના 2-3 દાણા અને કાળા મરીના 2 દાણા સાથે લસોટી ચટાડો તેની ઉલટી બંધ થઈ જશે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

એક ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગ્યા બાદ બોય્સ હોસ્ટલના છોકરા ત્યાં દોડી ગયા. 
છોકરાઓ પોતાની જિંદગી જોખમમાં મુકીને છોકરીઓને બચાવી. આ ઘટના બાદ એક હિન્દી ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ આવ્યા.
''આગ પે કાબુ પા લીયા ગયા હે લેકિન લડકો પે કાબુ 
પાને કી કોશીશ કી જા રહી હેં''

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"....."પ્રેમ અને પરમાત્મા"

આચાર્ય રામાનુજ એક સંત તરીકે સર્વત્ર પ્રખ્યાત. ઠેર-ઠેરથી લોકો આવે. સૌને ઉપદેશ આપે.
એક દિવસ એક જુવાન આવીને આચાર્ય રામાનુજના પગમાં પડ્યો. તેણે કહ્યું, ‘મારે આપના શિષ્ય થવું છે. મને આપનો શિષ્ય બનાવ
ો.’
રામાનુજ કહે, ‘તારે શા માટે મારા શિષ્ય થવું છે?’
યુવાન કહે, ‘મારો શિષ્ય બનવાનો હેતુ તો પરમાત્મા સાથે મારે પ્રેમ કરવો છે.’
સંત રામાનુજ કહે, ‘આનો અર્થ એ કે તારે પરમાત્મા સાથે પ્રીતિ કેળવવી છે, પણ મને એ તો કહે કે તારા ઘરના કોઈ સ્વજન પર તને પ્રેમ છે ખરો?’
યુવાન બોલ્યો, ‘ના, સહેજ પણ નહીં.’
સંત રામાનુજે પ્રશ્ન કર્યો, ‘તને તારાં માતા-પિતા કે ભાઈ-બહેન પર હેત છે?’
આવનાર યુવાને કહ્યું, ‘ના મહારાજ! મને કોઈના પર સહેજ પણ હેત નથી. આખી દુનિયા સ્વાર્થી છે, મિથ્યા છે, માયાજાળ છે. આથી તો આપનાં ચરણોમાં શરણ લેવા ઇચ્છું છું.’
સંત રામાનુજે તરત જ કહ્યું, ‘પણ ભાઈ, તારો અને મારો મેળ ખાય એમ નથી. તારે જે મેળવવું છે એ હું તને નહીં આપી શકું.’
યુવાન તો આભો જ બની ગયો. તેણે કહ્યું, ‘હું પરમાત્માની શોધમાં ઠેર-ઠેર ભટક્યો છું. કોઈની સાથે મેં પ્રીત બાંધી નથી. બધાએ એક જ વાત કરી કે ઈશ્વર જોડે પ્રીતિ બાંધવી હોય તો સંત રામાનુજને મળ અને આપ તો એ વિશે ઇનકાર કરો છો.’
રામાનુજે હસીને જવાબ આપ્યો, ‘ભાઈ, તને તારા કુટુંબ પર પ્રેમ હોત, જિંદગીમાં તેં સ્નેહસંબંધ કેળવ્યો હોત તો હું એને વિશાળ અને વિરાટ સ્વરૂપ આપી શકત. થોડા પ્રેમભાવને વિશાળ બનાવવાની અને એને પરમાત્માનાં ચરણો સુધી પહોંચાડવાની શક્તિ મારામાં છે. નાનાસરખા બીમાંથી વિશાળ ઘેઘૂર વડલો બની શકે, પણ મૂળમાં બી તો હોવું જ જોઈએ. જે પથ્થરની જેમ શુષ્ક અને નીરસ હોય એમાંથી પ્રેમનું ઝરણું કેવી રીતે વહાવી શકાય! જો બી ન હોય તો મોટું વૃક્ષ ઊગે કેવી રીતે? તારા હૃદયમાં કોઈ માટે પ્રેમ હોય તો જ એમાંથી હું પરમાત્માના પ્રેમની ગંગા વહાવી શકું. જેને લાગણીની સમજ જ નથી એ હૃદયમાં લાગણી, ભક્તિ, ઈશ્વરપ્રીતિ ક્યાંથી ફૂટે? જેના હૃદયમાં પોતાની નજીકની વ્યક્તિઓ પ્રત્યે સ્નેહ નથી એ ઈશ્વરને સ્નેહ જ કઈ રીતે કરી શકે?’
રામાનુજે પ્રેમથી ઊંડાણપૂર્વક સમજાવ્યું, ‘પ્રભુપ્રેમ પામવા માટે નીકળનારે હૃદયમાં પ્રેમ ધારણ કરવો જોઈએ. જો તેમનું હૃદય લાગણીભીનું હોય તો જ એ પ્રભુપ્રેમ, ઈશ્વર સ્નેહભીનું બની શકે.’
પછી યુવાનને કહ્યું, ‘જા, તારા હૈયામાં જગત પ્રત્યે પ્રેમભાવના જગાડ પછી એ સ્નેહ-સિંહાસન પર પરમાત્મા આવીને બિરાજશે.’

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કઈંક અવનવું" .....દવા ની મૂળ કિંમત

મિત્રો આપણ ને ડોક્ટર દ્વારા દેવા માં આવતી ઘણી દવા તેના મુળ તત્વ કરતા તે કપંની ના મોટા નામ તથા તેની પ્રખ્યાતી ના લીઘે આપવા માં આવે છે જેને કારણે આપણે તે દવા ની કિમંત તેના મૂળ કિંમત કરતા ક્યાય વધુ આપીએ છીએ.
મિત્રો તેમા થી બચવા આટલા ઉપાઇ કરો.
1 http://www.medguideindia.com/ આ વેબસાઇટ પર ક્લિક કરો.
2 "DRUG" પર ક્લિક કરો.
3 "BRAND" પર ક્લિક કરો.
4 હવે તમે જે કપંની ની દવા વાપરો તે સર્ચ કરો(eg.METOCARD XL (50 mg)) તમે તેમા આપેલા લિસ્ટપર થી પણ સર્ચ કરી શકો છો.
5 "GENERICS" પર ક્લિક કરો.
6 "MATCHED BRAND" પર ક્લિક કરો.
7 મિત્રો તમને જોઈને આશ્ચર્ય થશે કે તે જ દવા બીજી કપંની દ્વારા એકદમ સસ્તા ભાવ માં મળશે
અને બને દવા અસર માં પણ સરખી જ હશે.
(eg METOCARD XL(50 mg) rs.62 અને તેવી જ દવા MEPOL(CIPLA)દ્વારા ખાલી 7rs. માં મળે છે.
તો મિત્રો જો તમને આ વાત માં સત્ય લાગે તો તમારા મિત્રો ને SHARE જરૂર કરજો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ નુ "જ્ઞાન" 12 જ્યોતિર્લિંગનાં સ્મરણનું મહત્વ

જ્યોતિર્લિંગ, મહાદેવના નિરાકાર (જેનો કોઈ આકાર નથી), અનાદિ, અનંત, સ્વયંભૂ અને ચમત્કારી સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના દર્શન જ નહીં, નામ સ્મરણ પણ જીવનની દરેક મુશ્કેલીઓ કે સંકટોથી મુક્
ત કરનારું છે.

શાસ્ત્રોમાં પાપ, પીડા અને સંકટનાશક 12 જ્યોતિર્લિંગનાં સ્મરણનું મહત્વ જણાવ્યું છે.

1 સોમનાથ – 
પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જે પ્રખ્યાત છે. દક્ષપ્રજાપતિએ પોતાની કન્યાઓ ચંદ્રને પરણાવેલી. ચંદ્ર માત્ર રોહિણીને વધારે પ્રેમ કરતો હતો, આથી બીજી કન્યાઓએ દક્ષને ફરિયાદ કરી. દક્ષે ચંદ્રને ક્ષયનો રોગ થવાનો શ્રાપ આપ્યો. દુઃખી થતા ચંદ્રએ પ્રભાસ ક્ષેત્રમાં શિવજીનું તપ કર્યું. શિવને પ્રસન્ન કર્યા અને શ્રાપમાંથી મુક્તિ અપાવી. ક્ષય થાય પણ ફરી પાછો પોતાની સ્થિતિ પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું. તેની વિનંતિથી ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા, તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો આ રીતે પાદુર્ભાવ થયો. શિવપૂરાણમાં કહેવાય છે કે આ શિવલિંગનું દર્શન અને સ્મરણ માત્ર પણ રોગીઓના રોગને દૂર કરનાર છે.

2 મલ્લિકાર્જુન – 
કાર્તિકેય અને ગણેશજી બન્નેને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવવાનું હતું, પરંતુ ગણેશજીએ માતા-પિતાને સર્વસ્વ માની તેની પ્રદક્ષિણા કરી. ગણેશજીને બન્ને કન્યા સાથે પરણાવી દેવાયા. આ વાતથી રોષે ભરાય કાર્તિકેય બાર યોજન દૂર ચાલ્યા ગયા. તેને મળવા માટે શિવજી અને પાર્વતિ ત્યાં જ્યોતિસ્વરૂપે સ્થિત થયા. આ જ્યોતિર્લિંગથી બધા પાપનો નાશ થાય છે અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે.

3 મહાકાલેશ્વર – 
ઉજ્જૈન નગરીમાં વેદપ્રિય બ્રાહ્મણના ચાર પુત્રો હતા. આ નગરીમાં દુષણ નામના અસુરે ચઢાઈ કરી અને બ્રાહ્મણોને મારવા લાગ્યો. ધર્મનો વિઘ્વંશ કરવા લાગ્યો. બધા ભાગતા હતા પણ આ ચાર બ્રાહ્મણ પુત્રો શિવજીનું પાર્થિવલિંગ હતું ત્યા બેસી રહ્યા. તે અસુર ત્યાં સુધી પહોંચ્યો અને એ લિંગને પગ માર્યો ત્યારે શિવજી ત્યાં પ્રગટ થયા. ભયાનક સ્વરૂપથી શિવજીએ તે અસુરોનો નાશ કર્યો અને બ્રાહ્મણ પુત્રોને વરદાન માંગવા કહ્યું, ત્યારે બ્રાહ્મણ પુત્રોએ શિવજીને ત્યાં મહાકાળ રૂપે વાસ કરવા કહ્યું. મહાકાળેશ્વરના સ્મરણથી અને દર્શનથી સ્વપ્નમાં પણ દુઃખ જોવા મળતું નથી. જીવનનો ખરાબ સમય પણ સુખમાં પરિણમી જાય છે.

4 ઓમકારેશ્વર – 
નારદજી એકવાર ગોકર્ણ મુની પાસે જાય છે. પછી બન્ને ભગવત ચર્ચા કરવા વિંધ્ય પર્વત પર જાય છે. વિંધ્ય પર્વતે નારદ સામે અભિમાન કર્યું કે મારી પાસે બધું છે, ત્યારે નારદજીએ મેરૂ પર્વતને તેનાથી પણ શ્રેષ્ઠ ગણાવ્યો. વિંધ્યએ શ્રેષ્ઠ થવા માટે શિવજીનું તપ કર્યું. શિવજીએ તેને ‘‘ચાહો તેવું કરો’’ તેવું તેણે શિવજી પાસેથી વરદાન મેળવ્યું અને શિવજીને તેના ક્ષેત્રમાં સ્થાપિત થવાની પ્રાર્થના કરી. ઓમકારેશ્વરના દર્શન-સ્મરણથી માનસિક પરિતાપની શાંતિ થાય છે. કીર્તિ પ્રાપ્ત થાય છે.

5 કેદારેશ્વર – 
વિષ્ણુના અવતાર એવા નર-નારાયણે બદરિકાશ્રમ ક્ષેત્રમાં જઈ અને શિવજીનું તપ કર્યું. તેમના તપથી પ્રસન્ન થઈ અને શિવજી પ્રગટ થયા. નર-નારાયણે ત્યાં તેને સ્થિત થવા વિનવ્યા અને શિવજી ત્યાં કેદારેશ્વર તરીકે સ્થાયી થયા. કેદારેશ્વરના દર્શન-સ્મરણથી સંપૂર્ણ દુઃખનો નાશ થાય છે. ત્યાંનું જો પાણી પીવામાં આવે તો તેનો બીજો જન્મ થતો નથી.

6 ભીમશંકર – 
કામરૂપ દેશમાં ભીમનામનો અતિ શક્તિશાળી અને કુંભકર્ણનો પુત્ર ઘર્મનો નાશ કરતો હતો. ધર્મનો નાશ કરી પોતે ઈશ્વર બનવાની અભિલાષા સેવતો હતો. દેવો, ઋષીઓ, બ્રહ્મા, વિષ્ણુ સહિત બધાએ શિવજીને વિનંતિ કરી. શિવજીએ તેના પર વાર કરવાનું શરૂ કર્યું પણ તે હણાયો નહીં. જ્યારે તેણે પાર્થિવલિંગનો નાશ કર્યો, ત્યારે શિવજીના એક હુંકારથી ત્યાં રહેલા બધા રાક્ષસોનો નાશ કર્યો. દેવતા અને ઋષીઓની પ્રાર્થનાથી ત્યાં જ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા અને ભીમશંકર તરીકે ઓળખાયા. ભીમેશ્વર મહાદેવ આપત્તિ નિવારક અને સર્વસિદ્ધિને આપનારા કહેવાયા છે.

7 વિશ્વેશ્વર – 
વારણસી ક્ષેત્રમાં વિષ્ણુથી ઉત્પન્નિત પ્રકૃતિ અને પુરુષ માટે પંચક્રોશિ નગરીનું નિર્માણ શિવજીએ કર્યું. તે નગરી કર્મોનું કર્ષણ કરનારી, કાશિ તરીકે પૃથ્વી પર સ્થિત કરવામાં આવી. પ્રલય કાળે પણ આ નગરીનો નાશ થતો નથી, શિવજી તેના ત્રિશુળ પર આ નગરીને ધારણ કરે છે. આ નગરમીમાં શિવ અને શક્તિ સજોડે જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કરે છે. તે વિશ્વેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. વિશ્વેશ્વર મનુષ્યના મહારોગોનું નિવારણ કરનાર અને મોક્ષ આપનાર છે.

8 ત્ર્યંબકેશ્વર – 
ગૌતમ ઋષીને આશ્રમમાંથી નીકાળવા માટે ગૌ હત્યાનું ખોટું આળ ઋષીઓએ અને દેવતાઓએ લગાડ્યું. તેના ખોટા આરોપને પણ સાબિત કરવા માટે ગૌતમ ઋષીએ અહલ્યા સાથે શિવજીનું તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા. ગૌતમ ઋષીએ બ્રહ્માએ આપેલા પાણીથી શિવજીનું પદપ્રક્ષાલન કર્યું, તો તે પાણી ગંગા રૂપે ત્યાંથી પસાર થયું જે ગૌતમી ગંગા કહેવાઈ. તેના અવતરણથી પ્રભાવિત દેવોએ પણ શિવજીને ત્યાં સ્થિત થવાની પ્રાર્થના કરી. બૃહસ્પતિ ગ્રહ સિંહ રાશિમાં આવે ત્યારે સમગ્ર દેવો અને ઋષીઓ સહિત સજોડે શિવ ત્યાં પધારશે, તેવું વરદાન પણ આ ક્ષેત્રને મળેલું છે. ત્ર્યંબકેશ્વરના દર્શનથી પાપની મુક્તિ અને લોકોમાં કીર્તિ મળે છે.

9 વૈધ્યનાથેશ્વર – 
રાવણે કઠોર તપશ્ચર્યા કરી અને છત્તા પણ શિવજી પ્રસન્ન ન થયા, ત્યારે રાવણ પોતાના મસ્તક ઉતારી અને કમળપૂજા કરવા લાગ્યો. એક પછી એક એવા નવ મસ્તક તેણે ઉતારી શિવજીને સમર્પિત કર્યા. દશમું મસ્તક ઉતાર્યું ત્યારે શિવજી પ્રસન્ન થયા અને તેના બધા માથા પૂર્વવત કરી, નિરોગી કર્યો. ભગવાને તેને ઈચ્છિત બધું વરદાન આપ્યું. તેને શિવને લંકામાં લઈ જવાની ઈચ્છા દર્શાવી. શિવજીએ કહ્યું કે તમે મારા લિંગને લઈ જઈ શકો છો પણ જ્યાં તેને મુકશો તે પછી તે ત્યાંજ સ્થાપિત થઈ જશે. થયું એવું જ કે તે લઘુશંકાના આવેગને રોકી ન શક્યો. ભરવાડને લિંગ આપી તે ગયો પણ ભરવાડ પણ તે લિંગનો ભાર સહન ન કરી શક્યો. અંતે ત્યાં જ મુકાઈ ગયું અને ત્યાં તેની સ્થાપના થઈ. તેના દર્શન-સ્મરણથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

10 નાગેશ્વર – 
દારુકા નામની રાક્ષસી પાર્વતીજીના વરદાનથી ઘમંડથી ફરતી હતી. તે અને તેનો પતિ બધાને પીડવા લાગ્યા. પાર્વતિજીએ વનનું રક્ષણ આ રાક્ષસીને સોપ્યું હતું.રાક્ષસીને વરદાન હતું કે જ્યાં તે જાય ત્યાં આખું વન તેની સાથે આવશે. તેના ત્રાસથી દેવોએ ઔર્વની દેવીને પ્રાર્થના કરી. તેના શ્રાપથી ભયભિત દારુકા સમુદ્રમાં સમાઈ ગઈ. ત્યાં બધાને હેરાન કરવા લાગી. એકવાર ત્યાંથી માણસોથી ભરેલી નાવ નીકળી, તેને દારુકે પકડી લીધી. તેમાં એક વણિક હતો જે શિવજીનો રૂદ્રાક્ષ ધારણ કરતો હતો. તેણે ભગવાનને ત્યાંથી છોડાવવા વિનંતિ કરી. તે રૂદ્રાક્ષમાંથી વિશાળ મંદિર સાથે સમગ્ર શિવ પરિવાર હાજર થયો. શિવજી જ્યારે પાશુપાસ્ત્રથી રાક્ષસોને હણવા લાગ્યા ત્યારે દારૂકાએ પાર્વતિજીને તેની રક્ષા કરવા મનાવ્યા. પાર્વતિજીના કહેવાથી શિવજીએ રાક્ષસોને હણવા રહેવા દીધા. રાક્ષસીને શિવજીએ સારું કુળ ઉત્પન્ન કરના બને તેવું વરદાન આપી નાગેશ્વર રૂપે ત્યાં સ્થિત થયા. ભયમાંથી બચવે છે. મનોરોગો, શારીરિક દોષો પણ આ લિંગના સ્મરણ- દર્શનથી દૂર થાય છે.

11 રામેશ્વર – 
ભગવાન રામે દક્ષિણ કિનારે સેતુબંધ બાંધતા પહેલા શિવજીનું પૂજન કર્યું. શિવજી ત્યાં પ્રગટ થયા. રામજીની વિનંતિથી તેમણે પોતાના જ્યોતિર્લિંગને ત્યાં સ્થાપિત કર્યું. રામેશ્વરના સ્મરણથી કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. કાર્યમાં સફળ થવા માટે તેની પૂજા વધુ યોગ્ય છે.

12 ઘુશ્મેશ્વર – 
દક્ષિણ દિશાનો શ્રેષ્ઠ પર્વત દેવગીરી છે. ત્યાં સુધર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને સુદેહા નામની પત્ની હતી, પરતુ પુત્ર સુખ ન હતું. ઘણા ઉપાયો, તપ પછી પણ તેને પુત્ર પ્રાપ્તિ ન થઈ. તેની પત્ની સુદેહાએ તેની બહેન ઘુશ્માને સુધર્મા સાથે પરણાવી. ઘુશ્મા દરરોજ સો પાર્થિવ શિવલિંગ બનાવતી, પૂજા કરતી અને પછી તેને તળાવમાં પધરાવી દેતી. ઘુશ્માને પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. સુદેહાને તેની ઈર્ષા થઈ. ઘુશ્માના પુત્રને છરાથી કટકા કરી તળાવમાં નાખી આવી. સવારે તે ખોટો વિલાપ કરી પતિને કહેવા લાગી પણ ઘુશ્મા સ્વસ્થ હતી. ઘુશ્માએ કહ્યું કે જેને પુત્ર આપ્યો છે તે જ તેની રક્ષા કરશે. તેણે દરરોજ પ્રમાણે શિવલિંગ બનાવ્યા, પૂજા કરી અને તળાવમાં પધરાવવા ગઈ તો તેનો પુત્ર તળાવકિનારે રમતો હતો. ઘુશ્મા સ્થિત ભાવે તે પુત્ર પાસે ગઈ તેને શિવજી પર વિશ્વાસ હતો. આ જોઈ શિવજી પણ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયા. જ્યોતિર્લિંગની પૂજા થાય તે માટે ત્યાં નિવાસ કરવા વિનંતિ કરી અને ઘુશ્મેશ્વરની પૂજા શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આ લિંગની પૂજા તથા તેનું સ્મરણ મનોવાંછિત ફળ આપનાર છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી