આજ ની "ટૂંકી વાર્તા"....."પ્રેમ અને પરમાત્મા"
આચાર્ય રામાનુજ એક સંત તરીકે સર્વત્ર પ્રખ્યાત. ઠેર-ઠેરથી લોકો આવે. સૌને ઉપદેશ આપે.
એક દિવસ એક જુવાન આવીને આચાર્ય રામાનુજના પગમાં પડ્યો. તેણે કહ્યું, ‘મારે આપના શિષ્ય થવું છે. મને આપનો શિષ્ય બનાવ
ો.’
રામાનુજ કહે, ‘તારે શા માટે મારા શિષ્ય થવું છે?’
યુવાન કહે, ‘મારો શિષ્ય બનવાનો હેતુ તો પરમાત્મા સાથે મારે પ્રેમ કરવો છે.’
સંત રામાનુજ કહે, ‘આનો અર્થ એ કે તારે પરમાત્મા સાથે પ્રીતિ કેળવવી છે, પણ મને એ તો કહે કે તારા ઘરના કોઈ સ્વજન પર તને પ્રેમ છે ખરો?’
યુવાન બોલ્યો, ‘ના, સહેજ પણ નહીં.’
સંત રામાનુજે પ્રશ્ન કર્યો, ‘તને તારાં માતા-પિતા કે ભાઈ-બહેન પર હેત છે?’
આવનાર યુવાને કહ્યું, ‘ના મહારાજ! મને કોઈના પર સહેજ પણ હેત નથી. આખી દુનિયા સ્વાર્થી છે, મિથ્યા છે, માયાજાળ છે. આથી તો આપનાં ચરણોમાં શરણ લેવા ઇચ્છું છું.’
સંત રામાનુજે તરત જ કહ્યું, ‘પણ ભાઈ, તારો અને મારો મેળ ખાય એમ નથી. તારે જે મેળવવું છે એ હું તને નહીં આપી શકું.’
યુવાન તો આભો જ બની ગયો. તેણે કહ્યું, ‘હું પરમાત્માની શોધમાં ઠેર-ઠેર ભટક્યો છું. કોઈની સાથે મેં પ્રીત બાંધી નથી. બધાએ એક જ વાત કરી કે ઈશ્વર જોડે પ્રીતિ બાંધવી હોય તો સંત રામાનુજને મળ અને આપ તો એ વિશે ઇનકાર કરો છો.’
રામાનુજે હસીને જવાબ આપ્યો, ‘ભાઈ, તને તારા કુટુંબ પર પ્રેમ હોત, જિંદગીમાં તેં સ્નેહસંબંધ કેળવ્યો હોત તો હું એને વિશાળ અને વિરાટ સ્વરૂપ આપી શકત. થોડા પ્રેમભાવને વિશાળ બનાવવાની અને એને પરમાત્માનાં ચરણો સુધી પહોંચાડવાની શક્તિ મારામાં છે. નાનાસરખા બીમાંથી વિશાળ ઘેઘૂર વડલો બની શકે, પણ મૂળમાં બી તો હોવું જ જોઈએ. જે પથ્થરની જેમ શુષ્ક અને નીરસ હોય એમાંથી પ્રેમનું ઝરણું કેવી રીતે વહાવી શકાય! જો બી ન હોય તો મોટું વૃક્ષ ઊગે કેવી રીતે? તારા હૃદયમાં કોઈ માટે પ્રેમ હોય તો જ એમાંથી હું પરમાત્માના પ્રેમની ગંગા વહાવી શકું. જેને લાગણીની સમજ જ નથી એ હૃદયમાં લાગણી, ભક્તિ, ઈશ્વરપ્રીતિ ક્યાંથી ફૂટે? જેના હૃદયમાં પોતાની નજીકની વ્યક્તિઓ પ્રત્યે સ્નેહ નથી એ ઈશ્વરને સ્નેહ જ કઈ રીતે કરી શકે?’
રામાનુજે પ્રેમથી ઊંડાણપૂર્વક સમજાવ્યું, ‘પ્રભુપ્રેમ પામવા માટે નીકળનારે હૃદયમાં પ્રેમ ધારણ કરવો જોઈએ. જો તેમનું હૃદય લાગણીભીનું હોય તો જ એ પ્રભુપ્રેમ, ઈશ્વર સ્નેહભીનું બની શકે.’
પછી યુવાનને કહ્યું, ‘જા, તારા હૈયામાં જગત પ્રત્યે પ્રેમભાવના જગાડ પછી એ સ્નેહ-સિંહાસન પર પરમાત્મા આવીને બિરાજશે.’
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
No comments:
Post a Comment