Monday 6 August 2012


આજ ની "ટૂંકી વાર્તા"....." વિશ્વાસ "

એક આરબ પાસે ઊંચો સફેદ ઘોડો હતો. સુંદર અને પાણીદાર ઘોડો દોડે તો જાણે હવા સાથે વાતો કરે. તે આરબ પોતાના ઘોડાને ખૂબ જ પ્રેમ કરતો હતો.
એક બીજા આરબને આ ઘોડો લઈ લેવાની ઇચ્છા જાગી. તેણે પેલા આરબને કહ્યું કે હું
 તને ચાર ઊંટ આપું, તું તારો આ ઘોડો મને આપી દે.
આરબે ઘોડો આપવાની ના પાડી અને કહ્યું, ‘ચાર ઊંટ શું? કોઈ પણ કિંમતે હું મારો પ્રિય ઘોડો નહીં આપું.’
પેલા બીજા આરબને થયું સીધી રીતે ઘોડો મને મળી શકે એવી કોઈ શક્યતા નથી, પણ મારે તો ઘોડો જોઈએ જ છે તો લાવ કંઈક યુક્તિ કરું. તેણે એક યુક્તિ વિચારી.
બીજો આરબ ટૂંકા રસ્તેથી આગળ જઈ પેલા આરબના માર્ગમાં એક રોગી, અશક્ત ફકીર બનીને બેસી ગયો અને ઘોડાવાળા આરબની પ્રતીક્ષા કરવા લાગ્યો.
થોડી વાર પછી આરબ ઘોડા સાથે ત્યાંથી પસાર થયો. તેને આવતો જોઈને ફકીરે બૂમો પાડવા માંડી અને વેદનાભર્યા અવાજે કહ્યું, ‘કોઈ દયા કરો મારા પર, હું રોગી છું, અશક્ત છું, મારાથી ચલાતું નથી. મને કોઈ સામે ગામ પહોંચાડવાની મહેરબાની કરો... મદદ કરો... અલ્લાહ તમારું ભલું કરશે.’
આ સાંભળી આરબને દયા આવી અને તે બોલ્યો, જો આ ઘોડા પર હું તને સામે ગામ પહોંચાડીશ. આમ કહી પેલા ફકીરને ઘોડા પર બેસાડ્યો અને પોતે નીચે ઊતરી ઘોડા સાથે ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયા હશે ત્યાં તો પેલો ફકીર ટટ્ટાર બેસી ગયો અને ઘોડાને તગડાવી મૂક્યો. તેની પાછળ પેલા આરબે બૂમ મારી.
ઘોડાવાળા આરબે બૂમ મારીને કહ્યું કે તને ખુદાના સોગંદ છે થોભી જા...
પેલો આરબ થોડો અટક્યો. ઘોડાવાળા આરબે કહ્યું, ‘જો ભાઈ, આ ઘોડો તું જ લઈ જા. એ હવે તારો થયો. તું તેની સારસંભાળ બરાબર લેજે, પરંતુ આવી રીતે તેં દગો કરીને, ધોખો કરીને, વિશ્વાસઘાત કરીને ઘોડો પડાવી લીધો છે એ વાત કોઈને કરતો નહીં. આ વાત બીજા જાણશે તો લોકોનો ગરીબ પરનો, દુ:ખી પરનો, સાધુ-સંત-ફકીર પરનો વિશ્વાસ જ ઊઠી જશે અને જરૂરિયાતવાળાને પણ કોઈ મદદ કરવા નહીં જાય.’
આ સાંભળતાં જ પેલાનો આત્મા જાગ્યો અને ઘોડો પાછો આપીને ચાલી ગયો.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment