Sunday, 26 August 2012


આજ ની "ટૂંકી વાર્તા"...."સાચી શાંતિ"

શાંતિનો સાચો અર્થ સમજવા અને બીજાને સમજાવવા માટે એક રાજાએ શાંતિનો અહેસાસ કરાવે એવા એક ઉત્તમ ચિત્ર માટે સ્પર્ધાનું આયોજન કર્યું.
દેશ-વિદેશના કલાકારોએ એમાં નામ નોંધાવ્યાં. અનેક કલાકારોએ દિન-રાત એક કરી કલાક
ોની મહેનત બાદ ખૂબ જ સુંદર ચિત્રો તૈયાર કયાર઼્. બધાં જ ચિત્રો રાજાએ બારીકાઈથી જોયાં. ખૂબ જ સુંદર અને અદ્ભુત કહી શકાય એવાં ચિત્રો અલગ કાઢ્યાં.
છેલ્લે બે ચિત્રો રાજાને ખાસ ગમ્યાં અને એ બેમાંથી કોઈ પણ એક ચિત્ર ઇનામ માટે પસંદ કરવાનું હતું. રાજાએ પોતાના પ્રધાન અને બીજા અગ્રગણ્ય નાગરિકો અને કલાકારોની સમિતિ બનાવી અને તેમને નિર્ણય લેવા માટે કહ્યું.
એક ચિત્ર આવું હતું - શાંત સરોવરની બધી બાજુ પર્વતો છે અને એ બધાયનું સરોવરના પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાય છે. જાણે સરોવર સરસ દર્પણ હોય એવું લાગતું હતું. સરોવરની ઉપર રૂ જેવાં સુંવાળાં સફેદ વાદળોથી આચ્છાદિત આસમાની આકાશ હતું. જે લોકોએ આ ચિત્ર જોયું તેમને સૌને શાંતિનું એક સંપૂર્ણ ચિત્ર લાગ્યું.
બીજા ચિત્રમાં પણ પર્વતો હતા, પણ એ ખરબચડા હતા. ઉપરનું આકાશ જાણે કોપાયમાન હોય એવું લાગતું હતું. એમાંથી વરસાદ પડતો હતો અને સાથે વીજળીના ચમકારા હતા. પર્વતોની વચ્ચેથી ફીણવાળો ધોધ વહી રહ્યો હતો. આ ચિત્રને જોતાં શાંતિનો અહેસાસ ન થાય એવું બધાને લાગ્યું. પણ પછી રાજાએ ધોધની પાછળ ખડકના પોલાણમાં મજાનું એવું નાનકડું એવું ઝાડ, એ ઝાડમાં માળો બાંધી પક્ષી બચ્ચાને પોતાની પાંખમાં જાળવીને બેઠું હતું એના પર બધાનું ધ્યાન ખેંચ્યું.
કોપાયમાન લાગે એવા ધોધના ધસમસતા પાણીના અવાજ વચ્ચે પણ પક્ષી અને બચ્ચું એવાં શાંતિથી અને નિરાંતથી બેઠાં હતાં કે સંપૂર્ણ શાંતિનો અહેસાસ થાય.
આ અહેસાસ બધાને થયો અને સમગ્ર સમિતિએ બીજા ચિત્રને પસંદ કર્યું. બીજા ચિત્રના ચિત્રકારને ઇનામથી નવાજવામાં આવ્યા અને શું કામ બીજું ચિત્ર પસંદ થયું એ દરબારમાં સમજાવતાં કહ્યું, ‘શાંતિનો અર્થ એવો નથી કે ત્યાં અવાજ ન હોય, તકલીફ ન હોય કે પરિશ્રમ ન હોય. આ બધું હોય છતાં એની વચ્ચે તમને દિલમાં શાંતિનો અહેસાસ થાય એ જ સાચી શાંતિ કહેવાય.’

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment