Wednesday, 25 December 2013

આજ ની "ટૂંકી વાર્તા"..." દાનનું ફળ દસ ગણું "

એક વખત બે ભૂખ્યા ફકીરો હઝરત રાબિયાનાં દર્શને આવ્યા. તેઓ સલામ કરીને બેઠા. રાબિયા પાસે બે રોટી હતી. ત્યાં એક ભિક્ષુક આવ્યો. રાબિયાએ એ બન્ને રોટી તેને આપી દીધી. એ જોઈ બન્ને ફકીરોને નવાઈ લાગી. ભૂખ્યા હતા, પણ કશું બોલી ન શક્યા. 

શ્રદ્ધા-ભક્તિની વાતો થઈ ત્યાં એક દાસી રોટીથી ભરેલી ટોકરી લઈને રાબિયા પાસે આવી. તેણે કહ્યું, ‘આ મારાં શેઠાણીએ આપને આપવા માટે કહ્યું છે.’

રાબિયાએ ટોકરી લીધી. એમાં રોટીઓ હતી. રાબિયાએ ટોકરીમાંની રોટી ગણી તો એ ૧૮ હતી એટલે તેમણે રોટીની ટોકરીનો અસ્વીકાર કરી પેલી દાસીને કહ્યું, ‘આ મારે માટે નહીં હોય, કાંઈક ભૂલ થઈ લાગે છે.’

દાસી તો ચૂપચાપ ટોકરી લઈને પાછી ચાલી ગઈ.

દાસી શાણી હતી. તેણે રાબિયાનો દરેક શબ્દ અને રોટી ગણવાની વાત શેઠાણીને વિગતવાર કહી. શેઠાણીને વધુ તો કંઈ એમાં સમજાયું નહીં, પણ અંતરનો અવાજ સાંભળી ટોકરીમાં બે રોટી ઉમેરીને તેણે દાસીને ફરી રાબિયાને ત્યાં મોકલી દીધી.

ફરી દાસીના હાથમાંથી પ્રેમથી ટોકરી સ્વીકારી. રાબિયાએ રોટી ગણી. હવે એમાં ૨૦ રોટી હતી. રાબિયાએ એ સ્વીકારી અને બન્ને ફકીરોને જમાડ્યા.

પેલા ફકીરોએ આવી વર્તણૂકનું રહસ્ય જણાવવા વિનંતી કરી એટલે હઝરત રાબિયાએ જણાવ્યું, ‘તમે બન્ને ખૂબ ભૂખ્યા હતા એ હું જાણતી હતી. મારી પાસે ફક્ત બે જ રોટી હતી અને બે રોટીથી બે સંતોની ભૂખ કેમ સંતોષાય? એટલામાં પેલો ભિક્ષુક આવ્યો. મેં એ બન્ને રોટી તેને દઈ દીધી અને ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુ, તેં કહ્યું છે કે દાનથી દસ ગણું પાછું વાળું છું; એ તારી વાત પરની શ્રદ્ધાથી મેં બન્ને રોટી ભિક્ષુકને દઈ દીધી છે. એટલે હવે તારી વાત કેમ પૂર્ણ કરવી એ તું જાણ. પછી આપે જોયું કે ૧૮ રોટી આવી એટલે મને થયું કે નક્કી મોકલનારની જ ભૂલ હશે. ઈશ્વર તો ભૂલ કરે જ નહીં એટલે જ મેં ૧૮ રોટી પાછી મોકલી. પછી ૨૦ આવી એટલે મને થયું કે હવે બરાબર છે. આમાં કોઈ રહસ્ય નથી. સાચી શ્રદ્ધા માણસને ઈશ્વરપ્રાપ્તિ કરાવે છે, તો શું પેટ ભરવા રોટી ન અપાવે?’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


આજ ની "અમૃત વાણી"

એ ન પુછો કે ધર્મ કરવા છતાં જીવન માં દુઃખો કેમ આવે છે 
એ પૂછો કે પાપ કરવા છતાં જીવન માં સુખો કેમ મળે છે...


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Wednesday, 18 December 2013


આજ ની "ટૂંકી વાર્તા"..." સાચી વિરક્તિ "

કબીરદાસજીએ કહ્યું છે કે ‘સાચો સંત એ જ છે જે કોઈ વસ્તુનો સંગ્રહ કરતો નથી. જે બીજા ટંકની પણ ચિંતા કરતો નથી. જેટલું જોઈએ એટલું લઈ બાકીનું બીજા માટે છોડી દેનાર જ સંત છે, કારણ કે સંગ્રહ કરનાર તો સાંસારિક મોહ-માયામાં ફસાતો જ જાય છે.’ 

આવા જ એક સાચા સંતની વાત છે.

શેખ ફરીદી એક પ્રસિદ્ધ સૂફી સંત હતા. નાનપણમાં માતાએ શિખામણ આપી હતી કે ગમે એટલી ભૂખ લાગી હોય, ક્યારેય કોઈ પાસે કંઈ માગતો નહીં. સંતે માતાના આ શબ્દોનું આજીવન પાલન કર્યું. તેમનો મત હતો કે બીજા દિવસ માટે કોઈ વસ્તુ રાખવાવાળાને ભગવાન પર ભરોસો હોતો નથી.

એક દિવસ શેખ ફરીદીનાં ચરણોમાં કોઈ એક વ્યક્તિએ ચાંદીના સિક્કાઓ ભેટ કર્યા. શેખ ફરીદીએ તરત જ પોતાના એક શિષ્યને બોલાવીને આદેશ આપ્યો, ‘વત્સ જા, આ બધા જ સિક્કા હમણાં ને હમણાં નર્ધિનોમાં વહેંચી નાખ.’

શિષ્ય સિક્કાઓ લઈને ગયો. તેણે બધા જ સિક્કા તત્ક્ષણ વહેંચી દીધા, પણ વહેંચતી વખતે એક સિક્કો નીચે પડી ગયો હતો. એ તેણે લઈને પોતાના ખિસ્સામાં મૂક્યો હતો કે પછી કોઈને આપી દઈશ, પણ પછી એ સિક્કો તેના ખિસ્સામાં જ રહી ગયો. નર્ધિનને આપતાં તે ભૂલી ગયો.

સંધ્યા સમયે શેખ ફરીદીજી નમાઝ પઢતા હતા ત્યારે તેમને વિચિત્ર અનુભવ થયો. તેમનું મન ભારે ઉચાટ અનુભવતું હતું અને નમાઝ, ખુદાની બંદગીમાં મન એકાગ્ર થઈ શકતું નહોતું.

શેખ ફરીદીજી વિસ્મયમાં પડ્યા અને તેમનું મન એકાગ્રતા તૂટવાનું કારણ શોધવામાં લાગ્યું. વિચારતાં જ તેમને સિક્કાઓની ભેટ યાદ આવી. તેમણે તરત શિષ્યને બોલાવી પૂછ્યું, ‘શું તેં બધા જ સિક્કા વહેંચી દીધા છે?’

ગુરુજીના આ પ્રશ્ન બાદ શિષ્યને યાદ આવ્યું કે એક સિક્કો તેના ખિસ્સામાં છે. એ કોઈકને આપવાનો રહી ગયો છે. અપરાધી મનથી ક્ષમા માગીને શિષ્યે સાચી વાત કહી. શેખ ફરીદીજીએ તેને હમણાં જ એ સિક્કો કોઈ નર્ધિનને દાન આપવા કહ્યું અને જ્યારે 

શિષ્ય એ સિક્કો વહેંચીને આવ્યો પછી જ શેખ ફરીદીજી નમાઝ પૂરી કરી શક્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." જીવનમાં અગ્રતા "

મનોવિજ્ઞાનના એક અધ્યાપકે વીસેક વિદ્યાર્થીઓના એક સમૂહમાં એક પ્રયોગ કર્યો. તેમણે કહ્યું, ‘દરેક વિદ્યાર્થી બે મિનિટ બોલે, વિષય છે - આ ખંડમાં હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ... ટીકા કરવાની છૂટ અને પ્રશંસા પણ કરી શકાય. સૌએ ખેલદિલ બનવાનું અને મનની સાચી વાત રજૂ કરવાની.

આ થોડા અવનવા પ્રયોગની વાત સાંભળીને બધાને આશ્ચર્ય થયું. ઘણાને સંકોચ થયો, પણ મનોવિજ્ઞાનનો પ્રયોગ હતો એટલે બધા સંમત થયા.

સૌ કૂંડાળે બેઠા, ચિઠ્ઠી ખેંચી. જેનું નામ આવે તે વિદ્યાર્થીએ બોલવાનું એમ નક્કી થયું. એક પછી એક જણે બોલવાનું શરૂ કર્યું. દરેક જણ ઊભું થાય, આજુબાજુ બેસેલી કોઈ એક વ્યક્તિને પસંદ કરીને તેનું પૃથક્કરણ કરે. એમાં પ્રશંસા આવે અને થોડી ચોખ્ખેચોખ્ખી વાતો પણ આવે. બધા વિદ્યાર્થીઓએ બોલી લીધું.

પછી અધ્યાપક ઊભા થઈને બોલ્યા, હું પણ આ પ્રયોગમાં સહભાગી થઈશ. તેમણે પોતાના વિશે જ બોલવાની શરૂઆત કરી. પોતાના ડર, પસંદ, નાપસંદ, ગમા-અણગમાની વાતો કરી.

વિદ્યાર્થીઓ થોડા આશ્ચર્ય થી તેમને સાંભળી રહ્યા. મનમાં વિચારવા લાગ્યા કે અધ્યાપકશ્રી પોતાની જ વાતો કરે છે. ખંડમાં ઉપસ્થિત કોઈ પણ એક વ્યક્તિ માટે તો બોલતા જ નથી. વિદ્યાર્થીઓના અચંબિત ચહેરા જોઈને અધ્યાપક બોલ્યા, ‘આપ સૌ માનવજાતના સાચેસાચા પ્રતિનિધિ છો. જુઓ, આપ સૌ વીસેવીસ જણે અહીંની બીજી વ્યક્તિઓ વિશે વાત કરી. કોઈએ પોતાના વિશે તો વાત જ ન કરી. વિષય હતો કે ખંડમાં હાજર 

કોઈ પણ એક વ્યક્તિ... તો તમે પોતે પણ ખંડમાં હાજર એક વ્યક્તિ જ છોને.’

એક વિદ્યાર્થી બોલ્યો, ‘બરાબર, ખરી વાત છે.’

અધ્યાપક બોલ્યા, ‘તમે ઇચ્છ્યું હોત તો તમારા વિશે પણ બોલી શક્યા હોત. આ રીતે તમને જાહેરમાં પોતાનું પ્રામાણિક પૃથક્કરણ કરવાની તક મળત. પરંતુ માણસજાત બીજાને ઓળખવામાં અને બીજાને વર્ણવવામાં પોતાની જાતને જ ભૂલી જાય છે. પોતાના સાચા સ્વરૂપ અને શક્તિને તે ઓળખી શકતી નથી.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

પત્ની : જો હું ખોવાઇ ગઇ તો તમે શું કરશો ?
પતિ : હું નિરમલ બાબા પાસે જઇશ ,
પત્ની : so sweet , શું કહેશો ?
પતિ : કહીશ કે બાબાજી તમારી "કિરપા" (ક્રુપા) આવવાની શરૂ થઇ ગઇ .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"


જ્યાં સુધી દુનિયા માં "ધર્મ" અલગ છે ...
ત્યા સુધી "ઇશ્વર" ક્યારે પણ એક નહી થાય .



◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


આજ ની "ટૂંકી વાર્તા"..." વળગણ અને સમજણ "

એક ફકીર કબ્રસ્તાન પાસે ઝૂંપડી બાંધી રહેતા હતા. દિવસે ખેરાત માગવા જાય અને રાતે ઝૂંપડીમાં સૂઈ રહે. એક દિવસ ખેરાત માગવા નીકળ્યું ત્યાં રસ્તામાં તેમણે કોઈએ ત્યજી દીધેલું બાળક જોયું. ફકીરે બાળકને ઊંચકીલીધું. બાળકનો જીવ બચાવવા તેને ઝૂંપડીમાં લઈ આવ્યા અને તેનો ઉછેર કરવા માંડ્યા. ધીમે-ધીમે બાળક મોટું થતું ગયું.
સહેજ વધારે મોટું થયું એટલે બાળક ઝૂંપડીમાંથી નીકળીને આસપાસમાં બહાર ચાલી જવા માંડ્યું. તે અંધારું થઈ જાય તો પણ કબ્રસ્તાનમાં જઈને રમતું. ફકીરને ફિકર થઈ. બાળક ક્યાંક ખોવાઈ જાય કે અડફેટમાં આવી જાય એવો ડર લાગ્યો એટલે તેમણે બાળકના મનમાં ઠસાવ્યું કે અંધારામાં કે કબ્રસ્તાનમાં જઈએ તો ભૂત-પલિત ઉપાડી જાય અને ખાઈ જાય. બીકના માર્યા બાળકે અંધારામાં એકલા કે કબ્રસ્તાનમાં જવાનું બંધ કર્યું.
બાળક વધારે મોટું થયું ત્યારે તેને હૉસ્ટેલમાં રાખી ભણવા મૂક્યું. તે ભણ્યો-ગણ્યો અને યુવાન થયો. ભણી-ગણી નોકરી-ધંધે અને સંસારમાં જોડાય એ પહેલાં યુવાન ફકીરને ત્યાં થોડા દિવસ ગાળવા આવ્યો. ફકીરે જોયું કે યુવાનમાં હજી અંધારાનો ને કબ્રસ્તાનનો ભય હતો. તે એકલો જતો ન હતો. તેઓ સમજી ગયા કે બાળપણમાં આરોપેલો ભય હજી ગયો ન હતો. યુવાનમાંથી એ ભય કાઢવા ફકીરે તેને એક તાવીજ આપ્યું અને કહ્યું કે આ તાવીજ બાંધી રાખ. એ તારું રક્ષણ કરશે. તું એકલો હોય, અંધારામાં હોય કે કબ્રસ્તાનમાં હોય તો પણ કશો વાંધો નહીં આવે.
તાવીજને કારણે યુવાનમાં હિંમત આવી. તે હવે કોઈ પણ જગ્યાએ અંધારામાં કે કબ્રસ્તાનમાં જતાં ડરતો નહોતો, પણ હવે તેને તાવીજનું વળગણ થઈ ગયું. તે તાવીજ બાંધ્યા વગર બહાર નીકળતો જ નહીં. તાવીજ આડુંઅવળું થઈ જાય કે મળે નહીં તો તે બેબાકળો થઈ જતો અને બહાર નીકળતો નહીં. ફકરીને થયું ભૂત-પલિત ગયાં અને તાવીજ આવ્યું. તાવીજનું વળગણ છોડાવવા ફકીરે તાવીજ લઈને સળગતી ભઠ્ઠીમાં નાખી દીધું. તાવીજ ભસ્મીભૂત થઈ ગયું, યુવાન તો ગભરાઈ ગયો.
ફકીરે તેને સમજાવ્યું કે ‘જો, જે તાવીજ પોતાનું રક્ષણ કરી શકતું નથી એ તારું રક્ષણ શું કરવાનું? આત્મવિશ્વાસ અને અંદરથી હિંમત કેળવ અને આગળ વધ.’
સાચી સમજણ મળી એ પછી યુવાનનો ડર ચાલ્યો ગયો અને તે આત્મવિશ્વાસથી આગળ વધવા લાગ્યો.
જીવનમાં સાચી સમજણ આપવી અને મેળવવી જરૂરી છે. ભયથી જન્મેલી પ્રીત સાચી નથી હોતી. ભયને કારણે ઈશ્વરના શરણે જવાનું નથી. ઈશ્વર સર્વત્ર છે અને આપણું રક્ષણ કરે છે એવી શ્રદ્ધા સાચી સમજણ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


આજ ની " ગમ્મત "

સ્ત્રી : થાય છે હુંય કોઇ નાપ્રેમ માં મીરાંબાઇ બની જાઉં
પુરુષ : કામવાળી બાઇ નથી આવતી તો રડી પડે છે ને ,
વાત કરે છે મીરાંબાઇ થવાની !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

પ્રતિષ્ઠા મેળવતાં "વર્ષો" વહ્યા જાય છે.
કલંક "ક્ષણ" ભર માં લાગી જાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

ખીલવા ન દે તે ...."ભય"
અને
કરમાવા ન દે તે ...."પ્રેમ" !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠