આજ ની "ટૂંકી વાર્તા"..." સાચી વિરક્તિ "
કબીરદાસજીએ કહ્યું છે કે ‘સાચો સંત એ જ છે જે કોઈ વસ્તુનો સંગ્રહ કરતો નથી. જે બીજા ટંકની પણ ચિંતા કરતો નથી. જેટલું જોઈએ એટલું લઈ બાકીનું બીજા માટે છોડી દેનાર જ સંત છે, કારણ કે સંગ્રહ કરનાર તો સાંસારિક મોહ-માયામાં ફસાતો જ જાય છે.’
આવા જ એક સાચા સંતની વાત છે.
શેખ ફરીદી એક પ્રસિદ્ધ સૂફી સંત હતા. નાનપણમાં માતાએ શિખામણ આપી હતી કે ગમે એટલી ભૂખ લાગી હોય, ક્યારેય કોઈ પાસે કંઈ માગતો નહીં. સંતે માતાના આ શબ્દોનું આજીવન પાલન કર્યું. તેમનો મત હતો કે બીજા દિવસ માટે કોઈ વસ્તુ રાખવાવાળાને ભગવાન પર ભરોસો હોતો નથી.
એક દિવસ શેખ ફરીદીનાં ચરણોમાં કોઈ એક વ્યક્તિએ ચાંદીના સિક્કાઓ ભેટ કર્યા. શેખ ફરીદીએ તરત જ પોતાના એક શિષ્યને બોલાવીને આદેશ આપ્યો, ‘વત્સ જા, આ બધા જ સિક્કા હમણાં ને હમણાં નર્ધિનોમાં વહેંચી નાખ.’
શિષ્ય સિક્કાઓ લઈને ગયો. તેણે બધા જ સિક્કા તત્ક્ષણ વહેંચી દીધા, પણ વહેંચતી વખતે એક સિક્કો નીચે પડી ગયો હતો. એ તેણે લઈને પોતાના ખિસ્સામાં મૂક્યો હતો કે પછી કોઈને આપી દઈશ, પણ પછી એ સિક્કો તેના ખિસ્સામાં જ રહી ગયો. નર્ધિનને આપતાં તે ભૂલી ગયો.
સંધ્યા સમયે શેખ ફરીદીજી નમાઝ પઢતા હતા ત્યારે તેમને વિચિત્ર અનુભવ થયો. તેમનું મન ભારે ઉચાટ અનુભવતું હતું અને નમાઝ, ખુદાની બંદગીમાં મન એકાગ્ર થઈ શકતું નહોતું.
શેખ ફરીદીજી વિસ્મયમાં પડ્યા અને તેમનું મન એકાગ્રતા તૂટવાનું કારણ શોધવામાં લાગ્યું. વિચારતાં જ તેમને સિક્કાઓની ભેટ યાદ આવી. તેમણે તરત શિષ્યને બોલાવી પૂછ્યું, ‘શું તેં બધા જ સિક્કા વહેંચી દીધા છે?’
ગુરુજીના આ પ્રશ્ન બાદ શિષ્યને યાદ આવ્યું કે એક સિક્કો તેના ખિસ્સામાં છે. એ કોઈકને આપવાનો રહી ગયો છે. અપરાધી મનથી ક્ષમા માગીને શિષ્યે સાચી વાત કહી. શેખ ફરીદીજીએ તેને હમણાં જ એ સિક્કો કોઈ નર્ધિનને દાન આપવા કહ્યું અને જ્યારે
શિષ્ય એ સિક્કો વહેંચીને આવ્યો પછી જ શેખ ફરીદીજી નમાઝ પૂરી કરી શક્યા.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment