Wednesday 18 December 2013


આજ ની "ટૂંકી વાર્તા"..." જીવનમાં અગ્રતા "

મનોવિજ્ઞાનના એક અધ્યાપકે વીસેક વિદ્યાર્થીઓના એક સમૂહમાં એક પ્રયોગ કર્યો. તેમણે કહ્યું, ‘દરેક વિદ્યાર્થી બે મિનિટ બોલે, વિષય છે - આ ખંડમાં હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ... ટીકા કરવાની છૂટ અને પ્રશંસા પણ કરી શકાય. સૌએ ખેલદિલ બનવાનું અને મનની સાચી વાત રજૂ કરવાની.

આ થોડા અવનવા પ્રયોગની વાત સાંભળીને બધાને આશ્ચર્ય થયું. ઘણાને સંકોચ થયો, પણ મનોવિજ્ઞાનનો પ્રયોગ હતો એટલે બધા સંમત થયા.

સૌ કૂંડાળે બેઠા, ચિઠ્ઠી ખેંચી. જેનું નામ આવે તે વિદ્યાર્થીએ બોલવાનું એમ નક્કી થયું. એક પછી એક જણે બોલવાનું શરૂ કર્યું. દરેક જણ ઊભું થાય, આજુબાજુ બેસેલી કોઈ એક વ્યક્તિને પસંદ કરીને તેનું પૃથક્કરણ કરે. એમાં પ્રશંસા આવે અને થોડી ચોખ્ખેચોખ્ખી વાતો પણ આવે. બધા વિદ્યાર્થીઓએ બોલી લીધું.

પછી અધ્યાપક ઊભા થઈને બોલ્યા, હું પણ આ પ્રયોગમાં સહભાગી થઈશ. તેમણે પોતાના વિશે જ બોલવાની શરૂઆત કરી. પોતાના ડર, પસંદ, નાપસંદ, ગમા-અણગમાની વાતો કરી.

વિદ્યાર્થીઓ થોડા આશ્ચર્ય થી તેમને સાંભળી રહ્યા. મનમાં વિચારવા લાગ્યા કે અધ્યાપકશ્રી પોતાની જ વાતો કરે છે. ખંડમાં ઉપસ્થિત કોઈ પણ એક વ્યક્તિ માટે તો બોલતા જ નથી. વિદ્યાર્થીઓના અચંબિત ચહેરા જોઈને અધ્યાપક બોલ્યા, ‘આપ સૌ માનવજાતના સાચેસાચા પ્રતિનિધિ છો. જુઓ, આપ સૌ વીસેવીસ જણે અહીંની બીજી વ્યક્તિઓ વિશે વાત કરી. કોઈએ પોતાના વિશે તો વાત જ ન કરી. વિષય હતો કે ખંડમાં હાજર 

કોઈ પણ એક વ્યક્તિ... તો તમે પોતે પણ ખંડમાં હાજર એક વ્યક્તિ જ છોને.’

એક વિદ્યાર્થી બોલ્યો, ‘બરાબર, ખરી વાત છે.’

અધ્યાપક બોલ્યા, ‘તમે ઇચ્છ્યું હોત તો તમારા વિશે પણ બોલી શક્યા હોત. આ રીતે તમને જાહેરમાં પોતાનું પ્રામાણિક પૃથક્કરણ કરવાની તક મળત. પરંતુ માણસજાત બીજાને ઓળખવામાં અને બીજાને વર્ણવવામાં પોતાની જાતને જ ભૂલી જાય છે. પોતાના સાચા સ્વરૂપ અને શક્તિને તે ઓળખી શકતી નથી.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment