Wednesday, 25 December 2013

આજ ની "ટૂંકી વાર્તા"..." દાનનું ફળ દસ ગણું "

એક વખત બે ભૂખ્યા ફકીરો હઝરત રાબિયાનાં દર્શને આવ્યા. તેઓ સલામ કરીને બેઠા. રાબિયા પાસે બે રોટી હતી. ત્યાં એક ભિક્ષુક આવ્યો. રાબિયાએ એ બન્ને રોટી તેને આપી દીધી. એ જોઈ બન્ને ફકીરોને નવાઈ લાગી. ભૂખ્યા હતા, પણ કશું બોલી ન શક્યા. 

શ્રદ્ધા-ભક્તિની વાતો થઈ ત્યાં એક દાસી રોટીથી ભરેલી ટોકરી લઈને રાબિયા પાસે આવી. તેણે કહ્યું, ‘આ મારાં શેઠાણીએ આપને આપવા માટે કહ્યું છે.’

રાબિયાએ ટોકરી લીધી. એમાં રોટીઓ હતી. રાબિયાએ ટોકરીમાંની રોટી ગણી તો એ ૧૮ હતી એટલે તેમણે રોટીની ટોકરીનો અસ્વીકાર કરી પેલી દાસીને કહ્યું, ‘આ મારે માટે નહીં હોય, કાંઈક ભૂલ થઈ લાગે છે.’

દાસી તો ચૂપચાપ ટોકરી લઈને પાછી ચાલી ગઈ.

દાસી શાણી હતી. તેણે રાબિયાનો દરેક શબ્દ અને રોટી ગણવાની વાત શેઠાણીને વિગતવાર કહી. શેઠાણીને વધુ તો કંઈ એમાં સમજાયું નહીં, પણ અંતરનો અવાજ સાંભળી ટોકરીમાં બે રોટી ઉમેરીને તેણે દાસીને ફરી રાબિયાને ત્યાં મોકલી દીધી.

ફરી દાસીના હાથમાંથી પ્રેમથી ટોકરી સ્વીકારી. રાબિયાએ રોટી ગણી. હવે એમાં ૨૦ રોટી હતી. રાબિયાએ એ સ્વીકારી અને બન્ને ફકીરોને જમાડ્યા.

પેલા ફકીરોએ આવી વર્તણૂકનું રહસ્ય જણાવવા વિનંતી કરી એટલે હઝરત રાબિયાએ જણાવ્યું, ‘તમે બન્ને ખૂબ ભૂખ્યા હતા એ હું જાણતી હતી. મારી પાસે ફક્ત બે જ રોટી હતી અને બે રોટીથી બે સંતોની ભૂખ કેમ સંતોષાય? એટલામાં પેલો ભિક્ષુક આવ્યો. મેં એ બન્ને રોટી તેને દઈ દીધી અને ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુ, તેં કહ્યું છે કે દાનથી દસ ગણું પાછું વાળું છું; એ તારી વાત પરની શ્રદ્ધાથી મેં બન્ને રોટી ભિક્ષુકને દઈ દીધી છે. એટલે હવે તારી વાત કેમ પૂર્ણ કરવી એ તું જાણ. પછી આપે જોયું કે ૧૮ રોટી આવી એટલે મને થયું કે નક્કી મોકલનારની જ ભૂલ હશે. ઈશ્વર તો ભૂલ કરે જ નહીં એટલે જ મેં ૧૮ રોટી પાછી મોકલી. પછી ૨૦ આવી એટલે મને થયું કે હવે બરાબર છે. આમાં કોઈ રહસ્ય નથી. સાચી શ્રદ્ધા માણસને ઈશ્વરપ્રાપ્તિ કરાવે છે, તો શું પેટ ભરવા રોટી ન અપાવે?’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment