આજ ની "ટૂંકી વાર્તા"..." વળગણ અને સમજણ "
એક ફકીર કબ્રસ્તાન પાસે ઝૂંપડી બાંધી રહેતા હતા. દિવસે ખેરાત માગવા જાય અને રાતે ઝૂંપડીમાં સૂઈ રહે. એક દિવસ ખેરાત માગવા નીકળ્યું ત્યાં રસ્તામાં તેમણે કોઈએ ત્યજી દીધેલું બાળક જોયું. ફકીરે બાળકને ઊંચકીલીધું. બાળકનો જીવ બચાવવા તેને ઝૂંપડીમાં લઈ આવ્યા અને તેનો ઉછેર કરવા માંડ્યા. ધીમે-ધીમે બાળક મોટું થતું ગયું.
સહેજ વધારે મોટું થયું એટલે બાળક ઝૂંપડીમાંથી નીકળીને આસપાસમાં બહાર ચાલી જવા માંડ્યું. તે અંધારું થઈ જાય તો પણ કબ્રસ્તાનમાં જઈને રમતું. ફકીરને ફિકર થઈ. બાળક ક્યાંક ખોવાઈ જાય કે અડફેટમાં આવી જાય એવો ડર લાગ્યો એટલે તેમણે બાળકના મનમાં ઠસાવ્યું કે અંધારામાં કે કબ્રસ્તાનમાં જઈએ તો ભૂત-પલિત ઉપાડી જાય અને ખાઈ જાય. બીકના માર્યા બાળકે અંધારામાં એકલા કે કબ્રસ્તાનમાં જવાનું બંધ કર્યું.
બાળક વધારે મોટું થયું ત્યારે તેને હૉસ્ટેલમાં રાખી ભણવા મૂક્યું. તે ભણ્યો-ગણ્યો અને યુવાન થયો. ભણી-ગણી નોકરી-ધંધે અને સંસારમાં જોડાય એ પહેલાં યુવાન ફકીરને ત્યાં થોડા દિવસ ગાળવા આવ્યો. ફકીરે જોયું કે યુવાનમાં હજી અંધારાનો ને કબ્રસ્તાનનો ભય હતો. તે એકલો જતો ન હતો. તેઓ સમજી ગયા કે બાળપણમાં આરોપેલો ભય હજી ગયો ન હતો. યુવાનમાંથી એ ભય કાઢવા ફકીરે તેને એક તાવીજ આપ્યું અને કહ્યું કે આ તાવીજ બાંધી રાખ. એ તારું રક્ષણ કરશે. તું એકલો હોય, અંધારામાં હોય કે કબ્રસ્તાનમાં હોય તો પણ કશો વાંધો નહીં આવે.
તાવીજને કારણે યુવાનમાં હિંમત આવી. તે હવે કોઈ પણ જગ્યાએ અંધારામાં કે કબ્રસ્તાનમાં જતાં ડરતો નહોતો, પણ હવે તેને તાવીજનું વળગણ થઈ ગયું. તે તાવીજ બાંધ્યા વગર બહાર નીકળતો જ નહીં. તાવીજ આડુંઅવળું થઈ જાય કે મળે નહીં તો તે બેબાકળો થઈ જતો અને બહાર નીકળતો નહીં. ફકરીને થયું ભૂત-પલિત ગયાં અને તાવીજ આવ્યું. તાવીજનું વળગણ છોડાવવા ફકીરે તાવીજ લઈને સળગતી ભઠ્ઠીમાં નાખી દીધું. તાવીજ ભસ્મીભૂત થઈ ગયું, યુવાન તો ગભરાઈ ગયો.
ફકીરે તેને સમજાવ્યું કે ‘જો, જે તાવીજ પોતાનું રક્ષણ કરી શકતું નથી એ તારું રક્ષણ શું કરવાનું? આત્મવિશ્વાસ અને અંદરથી હિંમત કેળવ અને આગળ વધ.’
સાચી સમજણ મળી એ પછી યુવાનનો ડર ચાલ્યો ગયો અને તે આત્મવિશ્વાસથી આગળ વધવા લાગ્યો.
જીવનમાં સાચી સમજણ આપવી અને મેળવવી જરૂરી છે. ભયથી જન્મેલી પ્રીત સાચી નથી હોતી. ભયને કારણે ઈશ્વરના શરણે જવાનું નથી. ઈશ્વર સર્વત્ર છે અને આપણું રક્ષણ કરે છે એવી શ્રદ્ધા સાચી સમજણ છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment