આજ ની "ટૂંકી વાર્તા"..." સમજી શકે એવા... "
એક ખેડૂત પાસે વીસ ગલૂડિયાં હતાં એમાંથી વેચાય એટલાં વેચી દેવાની તેની ઇચ્છા હતી. આ માટે જાહેરાત કરવા તેણે એક બોર્ડ તૈયાર કર્યું હતું. એના મકાનના કમ્પાઉન્ડને દરવાજે બોર્ડ ટીંગાડવા તે છેલ્લી ખીલી ઠોકતો હતો. ત્યારે નીચેથી કોઈ તેનું શર્ટ ખેંચતો હોય એમ તેને લાગ્યું એટલે નમીને નીચે જોયું તો એક નાનો છોકરો તેનું ધ્યાન ખેંચવા પ્રયત્નો કરતો હતો.
તે છોકરાએ ખેડૂતને કહ્યું, ‘મારે તમારું એક ગલૂડિયું ખરીદવું છે.’
ખેડૂતે ડોક પરનો પરસેવો લૂછતાં કહ્યું, ‘ભલે, પણ આ ગલૂડિયાં ઊંચી ઓલાદનાં છે એટલે મોંઘાં છે.’
છોકરો પળવાર નીચું જોઈ ગયો. પછી ચડ્ડીના ખિસ્સામાં ઊંડે સુધી હાથ નાખી, જેટલા હતા એટલા સિક્કા કાઢીને ખેડૂતને બતાવતાં કહ્યું, ‘મારી પાસે ૩૯ સેન્ટ છે. ગલૂડિયાં જોઈ લેવા આટલા પૈસા ચાલશે?’
ખેડૂતે હા પાડી અને પછી એક ગલૂડિયાને નામથી બૂમ પાડી બહાર બોલાવ્યું તો એની પાછળ બીજા ચાર ગલૂડિયાં પણ આવ્યાં. વાડને ટેકે નીચો વળીને છોકરો રસપૂર્વક ગલૂડિયાં જોવા લાગ્યો. તેને બહુ મજા પડી ગઈ. તે આનંદથી નાચી ઊઠuો.
ગલૂડિયાં જોવામાં તે મગ્ન હતો ત્યાં તેની નજર લંગડાતાં-લંગડાતાં આવતા એક નાના ગલૂડિયા પર પડી. આગળ ઊભેલાં ગલૂડિયાં વચ્ચે જઈને બને એટલું આગળ આવવા મથામણ કરતું હતું.
એ લંગડાતા ગલુડિયાને જોઈને છોકરાએ ખેડૂતને કહ્યું, ‘મારે આ ગલૂડિયું લેવું છે.’
ખેડૂતે છોકરાને કહ્યું, ‘બેટા, તું એ ન લે. એ લંગડાય છે. બીજાં ગલૂડિયાંની જેમ દોડીને તારી સાથે રમી નહીં શકે.’
આ વાત સાંભળી છોકરો જરા પાછળ હટ્યો અને પૅન્ટ નીચેથી ઉપર કરી પોતાનો પગ બતાવ્યો. તે પગે બન્ને બાજુ ક્લિપો હતી અને ખાસ બનાવેલા બૂટ સાથે ફિટ કરેલી હતી.
છોકરાએ ઊંચે જોઈ ખેડૂતને કહ્યું, ‘જુઓ સાહેબ, હું પોતે પણ બરાબર દોડી શકતો નથી અને એ ગલૂડિયાને એને સમજી શકે માટે એના જેવા કોઈની જ જરૂર પડવાની છે એટલે મારે એને જ લેવું છે.’
આપણને સમજી શકે એવા કોઈની આપણને દરેકને જરૂર હોય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment