Saturday 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." સૌથી મહાન કોણ ? "

એક વાર દેવર્ષિ નારદના મનમાં એવું જાણવાની ઇચ્છા થઈ કે આ સૃષ્ટિમાં સૌથી મોટું કોણ? સૌથી મહાન કોણ?

પોતાના મનના આ પ્રશ્નનો જવાબ શોધવા તેમણે ઘણા પ્રયત્ન કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. અંતે પોતાની જિજ્ઞાસા લઈને તેઓ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની પાસે ગયા.

વૈકુંઠ પહોંચી નારદજીએ ભગવાન વિષ્ણુને મનની વાત જણાવતાં પૂછ્યું, ‘પ્રભુ, આપ જ મારા મનના પ્રશ્નનું સમાધાન કરો કે સૌથી મહાન કોણ?’

વિષ્ણુ ભગવાને કહ્યું, ‘હે નારદ, સૌથી મોટી તો પૃથ્વી દેખાય છે, પરંતુ એ સત્ય પણ છે કે પૃથ્વી સમુદ્રથી ઘેરાયેલી છે. એથી પૃથ્વી સૌથી મોટી નથી.’

નારદજીએ કહ્યું, ‘તો પ્રભુ, સમુદ્ર સૌથી મોટો?’

વિષ્ણુજીએ કહ્યું, ‘સમુદ્ર મોટો, પણ સૌથી મોટો નહીં; કારણ કે સમુદ્રને અગસ્ત્ય મુનિ પી ગયા હતા. એથી અગસ્ત્ય ઋષિ વધુ મોટા કહેવાય. પરંતુ હાલમાં તો તેઓ અનંત આકાશના એક નાનકડા ભાગમાં એક આગિયાસમ તારારૂપે પ્રકાશી રહ્યા છે. એથી તેઓ મોટા નથી.’

નારદજી બોલ્યા, ‘પ્રભુ, તો અનંત આકાશ સૌથી મોટું ગણાય, ખરુંને?’

વિષ્ણુજી મલકીને જવાબ આપ્યો, ‘ના, આકાશને તો મેં વામન અવતારમાં એક ડગલામાં માપી લીધું હતું. એથી વામન સામે તો આકાશ નગણ્ય છે.’

નારદજીએ જરા કટાક્ષમાં કહ્યું, ‘તો પ્રભુ, આપ આપબડાઈ હાંકી એમ જણાવવા માગો છો કે સૌથી મોટા અને મહાન તમે જ છો?’

ભગવાન વિષ્ણુએ સ્મિત કરી નારદજીની સમીપ જઈને કહ્યું, ‘ના, નારદજી. હું પણ મોટો કે મહાન નથી, કારણ કે હું તો તમારા મુઠ્ઠી જેવડા હૃદયમાં એક નાનકડી અંગૂઠા જેટલી જગ્યામાં હું રહું છું, તેથી તમે જ સૌથી મોટા કહેવાઓ. વાસ્તવમાં ભક્તના હૃદયમાં જ હું રહું છું. તેથી સાચો ભક્ત જ જગતમાં સૌથી મહાન છે. એથી નારદજી, આપ સૌથી મોટા અને મહાન છો.’

નારદજીએ પ્રભુનાં ચરણોમાં વંદન કર્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment