આજ ની "ટૂંકી વાર્તા"..." ભગવાન મળે તો બધું મળે "
સાવરકુંડલાની પાસે એક ગામડામાં મંગા નામના હરિજનને ભક્તિ કરતાં-કરતાં ભગવાન મળ્યા. આ વાત આખા પંથકમાં ફેલાઈ ગઈ.
ભાવનગરના મહારાજાના કાને પણ આ વાત પહોંચી. મહારાજે દીવાનજીને પૂછ્યુ, ‘આ મંગા નામના હરિજનને ભગવાન મળ્યા એ વાત સાચી?’
મંત્રીએ કહ્યું, ‘હા મહારાજ. સાંભળ્યું તો મેં પણ છે.’
મહારાજાએ કહ્યું, ‘ચાલો, જઈને તપાસ કરીએ. કંઈ ધતિંગ તો નથીને!’
રાજાનો રસાલો તૈયાર થયો. ભાવનગરના મહારાજા મંગાના ગામડે આવ્યા. ગામની બહાર નાનો કૂબો. એ કૂબામાં મંગો હરિજન રહે. ભગવાનનો એવો પરમ ભક્ત! સાવ નર્મિળ માણસ, નીતર્યું પાણી. પોતાની ભક્તિની મસ્તીમાં રત.
રસાલા સાથે મહારાજા શોધતાં-શોધતાં આવ્યા તો ગામમાં બધાને ખબર પડી ગઈ કે ભાવનગરના મહારાજા આવ્યા છે. ગામ આખું ભેગું થઈ ગયું. મહારાજાએ પૂછ્યુ, ‘મંગો ક્યાં છે?’
એક જણે કહ્યું, ‘આ રહ્યો, આ ઝૂંપડું તેનું.’
મહારાજા ઝૂંપડા તરફ ગયા.
કોઈકે દોડીને મંગાને કહ્યું, ‘મંગા, તને ભાવનગરના મહારાજા મળવા આવ્યા છે.’
મંગો ઝૂંપડામાંથી બહાર આવ્યો. ‘બાપુ, તમે? તમે મારે ઝૂંપડે?’
એકદમ પગમાં જ પડી ગયો.
મહારાજાએ પૂછ્યુ, ‘તું જ મંગો?’
‘હા બાપુ.’
‘સાંભળ્યું છે તને ભગવાન મળ્યા છે!’
મંગાએ નિખાલસતાથી કહ્યું, ‘હા બાપુ, મને ભગવાન મળ્યા છે.’
મહારાજા થોડી કરડાકીથી બોલ્યા, ‘પણે એની સાબિતી શું? તું કહે એટલે હું થોડું માની લઉં?’
મંગાએ નમ્રતાથી મુખ પર સ્મિત સાથે કહ્યું, ‘બાપુ! તમે મારે કૂબે આવીને ઊભા રહ્યા એ જ સાબિતી. નહીં તો તમે ભાવનગરના મહારાજા. તમને મળવા અમે ભાવનગર આવીએ તો પણ કોઈ મળવા ન દે, કોઈ ઘૂસવા ન દે. એને બદલે ભાવનગરનો ધણી સ્વયં મારે ઝૂંપડે આવીને ઊભો રહે એ જ મોટી સાબિતી!’
ભાવનગરના ધણીએ ભક્ત મંગાને વંદન કર્યા અને બોલ્યા, ‘ભગવાન મળે તેને બધું જ મળે, તેને બધા જ મળે.’
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment