Saturday 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." તક ઝડપી લો "

એક યુવાનની ઇચ્છા હતી કે રાજ્યના પ્રધાનની અતિ સુંદર દીકરી સાથે તેનાં લગ્ન થાય. એક દિવસ તે હિંમતથી પોતાની ઇચ્છા જણાવવા પ્રધાન પાસે ગયો.

પ્રધાને તેને નજરથી માપીને કહ્યું, ‘દીકરા, મારી એક શરત છે. જે મારી પરીક્ષામાં પાસ થશે તેને જ હું મારી પુત્રી પરણાવીશ. તું સામેના મેદાનમાં જઈને ઊભો રહે. હું ત્રણ આખલા છૂટા મૂકીશ. એક પછી એક એ ત્રણે મેદાનમાં દાખલ થશે અને ત્યારે એમાંના એકની પણ પૂંછડી તું પકડી શકીશ તો મારી દીકરી તને પરણાવીશ.’

યુવાન તો મેદાનમાં જઈને ઊભો રહી ગયો. થોડી વાર થઈ ત્યાં એક હૃષ્ટપુષ્ટ અને જંગલી આખલો મેદાનમાં પ્રવેશ્યો. યુવાને આવો આખલો અગાઉ કદી જોયો નહોતો. તેણે મનોમન નક્કી કર્યું કે આના કરતાં હવે પછી જે આખલો આવે એની પૂંછડી પકડવી બહેતર રહેશે. આથી તે બાજુ પર ખસી ગયો અને પેલા જંગલી આખલાને પસાર થઈ જવા દીધો.

થોડી વાર બાદ બીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. આ આખલો તો વળી પહેલાં આખલા કરતાં પણ વધારે મહાકાય અને ઝનૂની હતો. છીંકોટા નાખતો એને ધસી આવતો જોઈને યુવાને વિચાર્યું કે હવે પછી ત્રીજો આખલો જેવો પણ હોય એવો, આ ઝનૂની આખલા કરતાં તો સારો જ હશે એટલે બીજા આખલાની સામેથી પણ તે ખસી ગયો.

થોડી વાર બાદ ત્રીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. ત્રીજા આખલાને જોતાં જ યુવાન ખુશીથી ઝૂમી ઊઠ્યો. આ આખલો તો સાવ નબળો હતો. આવો કૃશકાય આખલો તો તેણે કદી દીઠો નહોતો. એ આખલાને પોતાના તરફ આવતો જોઈને તેણે દોડવાનો આરંભ કર્યો. બરાબર યોગ્ય ક્ષણે યુવાને છલાંગ લગાવીને આખલાની પૂંછડી પકડવાની કોશિશ કરી. અરે, આ શું? પેલા આખલાને પૂછડી જ નહોતી! યુવાનના હાથમાં પૂછડી ન આવી અને પ્રધાનપુત્રીને પરણવાનાં સપનાં પૂરાં થયાં નહીં.

જિંદગીમાં પણ તકો મળતી રહે છે. તકથી ભરપૂર જિંદગીમાં અમુક તક મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ પછી આગળ વધારે સારો અવસર પ્રાપ્ત થશે એવી આશા રાખી પાસે આવેલી તકને ગુમાવી દઈએ તો એવી તક ફરી કદાચ ક્યારેય ન સાંપડે. આથી જીવનમાં મળેલો દરેક અવસર કે તક સરળ હોય કે મુશ્કેલ, વધુ વિચાર કરીને વાર લગાડવા કરતાં અને વધુ સારી તકની લાલચ કર્યા વિના તરત ઝડપી લેવી જોઈએ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment