Saturday 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." ધન ભેગું કરવું છે ? "

કાબાના એક સંત પોતાનો આશ્રમ બનાવવા ધન ભેગું કરવા નીકળ્યા. સમાજના અમીર-ઉમરાવ, બાદશાહ, સુલતાન વગેરે પાસે પોતાની ઝોળી લાંબી કરી અને બધાએ તેમની ઝોળી સોનામહોરોથી ભરી દીધી. 

આશ્રમ માટે વધુ ને વધુ ધન એકઠું કરવા તેઓ ફરતા હતા ત્યારે ફરતાં-ફરતાં સંત રાબિયા જ્યાં રહેતાં હતાં એ પ્રદેશમાંથી પસાર થયા. 

કાબાના સંતે વિચાર્યું, ‘સંત રાબિયાની ખ્યાતિ-શાખ ઉચ્ચતમ છે. લાવ, તેમનાં દર્શન કરું અને તેમને મારી સાથે આશ્રમ માટે ધન ભેગું કરવા આવવાની વિનંતી કરું. તેઓ સાથે હશે તો વધુ ને વધુ દાન મળશે.’

આવું વિચારીને તેઓ સંત રાબિયાને ત્યાં ગયા. રાબિયાએ સ્નેહભાવથી સંતનું સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. પોતાના હાથે ભોજન બનાવીને રાબિયાએ સંતને જમાડ્યા અને પછી પોતે ભોજન કર્યું. તેમણે થોડી વાર સ્ાત્સંગ કર્યો અને નમાજ પઢવા ચટાઈ આપી. રાત્રે સૂવા માટે પાટ પર શેતરંજી પાથરી આપી અને પોતે જમીન પર કંતાન પાથરીને સૂઈ ગઈ.

સંતને શેતરંજી પર ઊંઘ આવતી નહોતી, કારણ કે તેઓ જાડા ગાદલા પર સૂવા ટેવાઈ ગયા હતા. વળી પાછી મેળવેલા ધનને સાચવવાની ચિંતા અને વધુ ધન મેળવવાની ચાહના હતી. રાબિયાને તો સૂતાંની સાથે જ ગાઢ ઊંઘ આવી ગઈ. પેલા સંત તો આખી રાત પડખાં ફેરવતા રહ્યા.

રાબિયાને શાંતિથી સૂતેલી જોઈને સંત વિચારતા હતા કે રાબિયાને કઠણ જમીન પર કેવી રીતે ઊંઘ આવી ગઈ. એ વિશે તેમણે સવારે રાબિયાને પૂછ્યું.

રાબિયાએ કહ્યું, ‘હે મહાત્મા, મારી નાનકડી ઝૂંપડી મને મહેલ જેવી લાગે છે. મારી ઝૂંપડીમાં એક સમયનું ભોજન હોય તો હું મને પરમ ભાગ્યશાળી માનું છું. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે મને ખબર જ નથી પડતી કે મારી નીચે ગાદલું છે કે કંતાન. હું આખા દિવસમાં કરેલાં સત્કર્મોને યાદ કરીને કોઈ જ ચિંતા વિના, અલ્લાહનું સ્મરણ કરીને આરામથી સૂઈ જાઉં છું.’ 

સંત સાનમાં સમજી ગયા.

સંતે જવા માટે વિદાય માગી ત્યારે રાબિયાએ પૂછ્યું, ‘ધન ભેગું કરવા માટે શું હું પણ આપની સાથે આવું?’ 

સંતે જવાબ આપ્યો, ‘દુનિયાનું પરમ સુખ શેમાં છે એ તમે મને બતાવી દીધું છે. હવે મારે કોઈ આશ્રમની જરૂર નથી.’ 

કાબા પાછા ફરીને તેમણે ભેગું કરેલું ધન ગરીબોને વહેંચી દીધું અને પોતે ઝૂંપડીમાં રહેવા લાગ્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment