Saturday 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." પ્રસન્નતા "

એક ખૂબ જ પ્રખ્યાત સૂફી સંત હતા. સંતની શીખ અને સમજાવવાની પદ્ધતિથી જીવન અને આધ્યાત્મના અઘરા સિદ્ધાંત પણ સહેલાઈતાથી સમજાઈ જતાં દૂર-દૂરથી શિષ્યો તેમની પાસે જ્ઞાન મેળવવા આવતા. ભક્તો તેમના સત્સંગમાં હજારોની સંખ્યામાં ભેગા થતા.

એક દિવસ એક માણસ સંત પાસે આવ્યો. તેણે સંતને પ્રણામ કરી વિનંતી કરતાં કહ્યું, ‘બાપજી, મારી એકમાત્ર ઇચ્છા છે કે મને એવું કંઈક શીખવો, એવું કંઈક જ્ઞાન કે મંત્ર આપો, જેથી શું હરહંમેશ પ્રસન્ન રહી શકું.’

આ માણસ જ્યારે સંત પાસે આવ્યો હતો ત્યારે સંત હાથની છાબડીમાંથી દાણા લઈને પક્ષીઓને ખવડાવતા હતા. પક્ષીઓ મોજથી એ દાણા ચણતાં હતાં અને દાણા ચણતાં, પાંખો ફફડાવી ઊડાઊડ કરતાં પક્ષીઓને જોઈને સંતના ચહેરા પર અનન્ય આનંદ હતો. તેમના મનમાં હરખ સમાતો નહોતો.

આમ ઘણો સમય પસાર થઈ ગયો. સંતે પેલા માણસની વાત સાંભળી, પણ કોઈ જવાબ આપવાને બદલે તેઓ પક્ષીઓને ચણ આપવામાં અને જોવામાં મસ્ત હતા. પેલો માણસ મનમાં ને મનમાં અકળાવા લાગ્યો. તે કંઈક કહેવા જતો હતો ત્યાં જ તેને રોકીને સંતે પેલી દાણા ભરેલી છાબડી તેના હાથમાં પકડાવી દીધી અને એટલું જ બોલ્યા, ‘હવે તું પક્ષીઓને ચણ નાખ અને એના આનંદનો અનુભવ મેળવ.’

પેલા માણસને મનમાં થયું કે ‘ક્યાં હું પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સાધના જેવી ઊંચી વસ્તુ શીખવા અહીં આવ્યો છું ને ક્યાં આ સંત મને પક્ષીને ચણ નાખવા જેવું મામૂલી કામ સોંપે છે?’

સૂફી સંતે તેના મનને વાંચી લીધું અને એનો જવાબ આપતા હોય એમ બોલ્યા, ‘ખુદની મુશ્કેલીઓને ભૂલીને દરેક જીવને આનંદ પહોંચાડવાનો પ્રયત્ન જ જીવનની દરેક સિદ્ધિ અને પ્રસન્નતાનું રહસ્ય છે. જો તું સુખ અને પ્રસન્નતા પામવા માગતો હોય તો બીજાને એ જ એટલે કે પ્રસન્નતા જ આપવાનું શીખ. એ જ તારી ખરી સાધના છે. સુખ, પ્રસન્નતા, ખુશી, આનંદ જેટલાં બીજાને આપો, વહેંચતા રહો એટલાં વધતાં રહે છે.’

પેલા માણસને પળભરમાં જીવનભરની ખુશીનું રહસ્ય સમજાઈ ગયું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment