Saturday 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." જીવન એક સાગર "

એક દિવસ એક શિષ્યએ ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, જીવન અગાધ છે. જીવનને સાગર સાથે સરખાવવામાં આવે છે.

જીવન બધાને એકસરખું મળ્યું છે; પણ જીવનનો આનંદ, સફળતા, સંતોષ બધાને જુદાં-જુદાં કેમ પ્રાપ્ત થાય છે?’ 

ગુરુજીએ મંદ-મંદ મલકી શિષ્યને કહ્યું, ‘વત્સ, આ પ્રશ્નનો જવાબ હું તને કાલે સવારે દરિયાકિનારે આપીશ.’ 

શિષ્ય વહેલી સવારે દરિયાકિનારે પહોંચી જાય છે. ગુરુજી સમયાનુસાર આવે છે. વાતાવરણ ખુશનુમા હોય છે. ગુરુ-શિષ્ય લટાર મારતાં-મારતાં સુંદર વાતાવરણનો આનંદ માણી રહ્યા હોય છે.

ગુરુજી કહે છે, ‘વત્સ, આ સાગર કેટલો વિશાળ છે! જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી પાણી જ પાણી છે. આ દરિયાનાં મોજાંની લહરની આવનજાવન ભરતી-ઓટ છે એમ આપણું જીવન પણ અગાધ છે. જીવનમાં પણ દુ:ખ-સુખની આવનજાવન થાય છે.’

શિષ્ય કહે છે, ‘આપની વાત સાચી છે ગુરુજી, પણ...’

શિષ્યને વચ્ચે જ અટકાવી ગુરુજી તેને એક મરજીવો દરિયામાંથી મોતીભર્યાં છીપ સાથે બહાર આવે છે એ બતાવે છે. થોડે દૂર માછીમારો પોતાના નાનકડા હોડકામાં બેસી માછલી પકડી રહ્યા હોય છે. અમુક સહેલાણીઓ દરિયામાં જરાક આગળ જઈ પગ પલાળી ધિંગામસ્તી કરી રહ્યા છે અને એક નિરાશ યુવાન પાસેના પથ્થર નિરાશ વદને દરિયામાં ફેંકી રહ્યો હોય છે.

ગુરુજી આ બધા તરફ આંગળી ચીંધી શિષ્યને સમજાવતાં કહે છે, ‘મરજીવાને સાગરમાં ઊંડી શોધભરી ડૂબકીથી મોતી મળે છે, માછીમારો મહેનતથી દરિયામાંથી માછલી પકડી જીવનનિર્વાહ કરે છે, સહેલાણી ભીના પગ પર રેતી લઈ પાછા ફરે છે અને કિનારે બેસી રહેનારને કંઈ મળતું નથી. આ બધું દરિયામાં છે. તમારા પ્રયત્નો પ્રમાણે તમને મળે છે. એમ જીવનમાં પણ તમારાં કર્મ, તમારી મહેનત અને તમારા પ્રયત્નો પ્રમાણે તમને આનંદ, સફળતા, સંતોષ મળે છે. પ્રયત્ન જેટલા સઘન એટલું સુંદર ફળ મળે છે. જીવનસાગરમાં બધું જ છે. તમારે શું મેળવવું છે એ દિશામાં સતત પ્રયત્ન કરવા પડે. જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment