આજ ની "ટૂંકી વાર્તા"..." સાચું ઊંડું જ્ઞાન "
એક અધ્યાત્મ જ્ઞાનસભા હતી. સંપૂર્ણ સભામંડપ ખીચોખીચ ભરેલો હતો. વક્તા ઊંડું જ્ઞાન ધરાવતા હોય એમ પ્રભુપ્રેમ વિશે અસ્ખલિત બોલી રહ્યા હતા. વચ્ચે-વચ્ચે સુંદર દૃષ્ટાંતો આપતા હતા. શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને તેમની વાતો સાંભળી રહ્યા હતા.
વક્તા વિચક્ષણ હતા, પરમ ભક્ત હતા. પ્રભુપ્રેમમાં પરમ શ્રદ્ધા ધરાવનાર ભક્તને જ્ઞાન સહજ જ હોય છે.
સભામાં એક જ્ઞાની પણ હતા. તેમને વિચાર આવ્યો, ‘આ વક્તા કરતાં મેં વધુ જ્ઞાન મેળવ્યું છે, વધુ વિગતવાર શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, વાણી પણ મારી પ્રભાવશાળી છે, હું વધુ સારી રીતે લોકોને સમજાવી શકું છું તો લોકો કેમ મને જાણી શકતા નથી? મારાથી કેમ પ્રભાવિત થતા નથી? આ વક્તાને મળે છે એના કરતાં મને વધુ સન્માન મળવું જોઈએ.’
સભામાં બેઠેલા જ્ઞાનીના મનમાં આ વિચારોનું ઘમસાણ ચાલતું હતું અને જાણે વક્તા પોતાના જ્ઞાનબળે તેમના વિચારોને જાણી ગયા હોય એમ પોતાના વક્તવ્યમાં તેમણે આગળ દાખલો આપ્યો ...
‘ભાઈઓ, ફાનસમાં તેલ અને પાણી હોય છે. એક વખત પાણીએ કહ્યું કે હું તારા કરતાં શ્રેષ્ઠ છું છતાં તું મારા પર સતત પથરાયેલું કેમ રહે છે? એટલે તેલે ઉત્તર આપ્યો કે તલરૂપે, સિંગરૂપે કે અન્ય દાણારૂપે હું જમીનમાં દટાયું; જમીનમાંથી બહાર આવી છોડ બન્યું; છોડ બની કપાયું, કચરાયું, ધાણીમાં પિલાયું અને છેલ્લે લોકોને પ્રકાશ આપવા અગ્નિમાં બળ્યું; આ શ્રેષ્ઠતા એમ ને એમ નથી મળતી.’
વક્તાની વાત સાંભળીને જ્ઞાની સમજી ગયા. પ્રવચન બાદ જ્ઞાનીએ વક્તા સમીપ જઈને પ્રણામ કર્યા, પોતાના મનની વાત જણાવીને ક્ષમા માગી અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી.
વક્તા બોલ્યા, ‘ના, હજી હું પણ કાચો છું. આજથી જ સભા-ઉપદેશ અને વાતો પણ બંધ, કારણ કે મેં આટલું કર્યું એટલે આટલું મળ્યું એવું મિથ્યાભિમાન મેં આટલાં વર્ષ પોષ્યું. હજી મારે જ સાધનાની જરૂર છે માટે તમે મને ક્ષમા કરો.’
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment