Friday 19 April 2013



આજ ની "ટૂંકી વાર્તા"..."શરણાગત"

રાવણ સીતાનું હરણ કરી ગયો. દંડકારણ્યને પસાર કરી વાનરો અને રીંછોની સેના સહિત ભગવાન રામચંદ્ર અને વીરમૂર્તિ લક્ષ્મણજી સમુદ્ર પાસે આવ્યા. 
ત્યાં રામેશ્વર લિંગની સ્થાપના કરી તેની પૂજનવિધિ કરી, નળ અને નીલ દ્વારા રચાયેલા સેતુ ઉપરથી આખી સેના સહિત ભગવાન રામચંદ્રજી પસાર થયા અને લંકાગઢની બહાર સાગરકિનારે પડાવ નાખ્યો.
એ વાત જાણીને પોતાના ભાઈ રાક્ષસરાજ રાવણને સીતાજી રામચંદ્રને પાછાં સોંપી દેવાની વિભીષણે શિખામણ આપી.
આથી ક્રોધે ભરાઈને કુબુદ્ધિ અભિમાની રાવણે ભરસભામાં વિભીષણનું અપમાન કરી તેને લંકાની બહાર તગેડી મૂક્યો.
વિભીષણજી પગે ચાલતાં-ચાલતાં ભગવાન રામચંદ્રને શરણે આવ્યા.
તેમને લંકાગઢમાંથી એકલા આવતા જોઈ સુગ્રીવ અનેક જાતના તર્ક-વિતર્ક કરવા લાગ્યો. તે જાસૂસી કરવા આવ્યા હશે તો? ઓચિંતો આવી રામચંદ્રજી પર હુમલો કરશે તો?
આમ વિચારી તે રામચંદ્રજી પાસે આવી કહે છે, ‘ભગવન્ સાવધ રહેજો. રાક્ષસો કુટિલ હોય છે. આપણા કટ્ટર શત્રુ રાવણનો ભાઈ વિભીષણ આવે છે. બહારથી તો આપનો ભક્ત દેખાય છે, પણ રાક્ષસ છે અને રાજનીતિમાં કોઈનો વિશ્વાસ કરવો નહીં.’
આ શબ્દો સાંભળી ભગવાન રામચંદ્રે સ્મિત કરીને જવાબ આપ્યો, ‘તમે નિશ્ચિત રહો, હું બધાના મનના ભાવ જાણું છું.’
વિભીષણે પાસે આવી નમન કર્યા.
ભગવાન રામે તેમને આવકારતા કહ્યું, ‘પધારો, લંકેશ... તમને જોઈને મને ખૂબ જ આનંદ થયો.’
વળી, સુગ્રીવને નવાઈ લાગી. તેમણે ભગવાન રામના કાનમાં આવી કહ્યું, ‘આપ આવું કેમ બોલ્યા? ધારો કે રાવણ ડરી ગયો અથવા તમને નમી ગયો અને સીતાજી પાછાં સોંપી દીધાં તો યુદ્ધ નહીં થાય અને તો વિભીષણ લંકેશ ક્યારેય નહીં બની શકે તો પછી આપનું વચન મિથ્યા જશે?’
આ સાંભળી રામચંદ્રે સ્મિત કરીને કહ્યું, ‘તમે નિશ્ચિત રહો, સુગ્રીવજી! જો એવું બને તો રાવણ લંકાનો રાજા રહેશે અને મારી અયોધ્યાનગરીનો રાજા હું વિભીષણને બનાવીશ, પણ મારું વચન તો સત્ય કરી બતાવીશ જ. મને તો ૧૪ વરસથી વનમાં રહેવાની ટેવ છે એટલે હું વનમાં જ રહીશ. તમે નિશ્ચિત જ રહો.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment