Wednesday, 5 September 2012


આજ ની "ટૂંકી વાર્તા"...."ખરું દાન"

પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની મા મીનળદેવી એક વાર સોમનાથની જાત્રાએ ગયેલાં. ત્યાં તેમણે છૂટે હાથે દાન કર્યું.
દાન કરતાં તેમના મનમાં એક વિચાર આવ્યો, ‘આહા! મારા જેવું દાન આખા મલકમાં કોણ કરે છે? જ્યાં લાખના કો
ઈ લેખાં જ નહીં, કરોડોની જ્યાં વાત બોલાય!’
ગર્વગંજનહાર પ્રભુ ગર્વને કેમ સાંખે? પ્રભુને થયું, મહારાણીને વધુ ગર્વ થયો છે. કંઈ કરવું પડશે.
છૂટે હાથે દાન કરતાં-કરતાં મહારાણી થાકી ગયાં. બપોરે જમી-પરવારી ઘડીક આરામ લેવા તે આડે પડખે થયાં. ઊંઘમાં પણ તેમને પોતાના દાનના જ વિચારો આવ્યા.
સ્વપ્નમાં તેમણે ભગવાન શંકરને દીઠા. મીનળદેવીએ હરખમાં ને હરખમાં પૂછ્યું, ‘દેવ, મારા દાનથી સંતુષ્ટ છોને?’
ભગવાન શંકરે જવાબમાં માથું ધુણાવ્યું.
મીનળદેવીએ પૂછ્યું, ‘ભગવાન, કેમ ના પાડો છો? મારા કરોડોના દાનમાં શું કમી રહી ગઈ?’
ભગવાન શંકર બોલ્યા, ‘મીનળ, તારા દાનને ટપી જાય એવું એક દાન અમારા ચોપડે નોંધાયું છે.’
મીનળદેવી જરાક ગર્વથી બોલ્યાં, ‘દેવ, એવો તે કેવો દાનેશ્વરી પાક્યો છે જેનું દાન મારા કરતાં ચડિયાતું ગણાય?’
ભગવાન શંકર બોલ્યા, ‘મીનળ! અહીંના અને તમારા હિસાબ કંઈક જુદા હોય છે. તમે જે ગજથી માપો છો એ ગજ અમારે ત્યાં કામ નથી આવતો. જો ખરાં દાનેશ્વરીનાં દર્શન કરવાં હોય તો મંદિરના ઓટલે એક ચીંથરેહાલ ડોશી બેઠી છે તેને જઈને પૂછજે કે ‘ડોશી, તેં કેટલું દાન કર્યું છે?’
આટલું કહી ભગવાન શંકર અદૃશ્ય થઈ ગયા.
મીનળદેવી તરત એ ડોશી પાસે ગયાં ને પૂછ્યું, ‘માજી, તમે તો ભગવાન સોમનાથને ચરણે જીવનની રળી કમાણી ન્યોછાવર કરી હશે કાં?’
ડોશી બોલી, ‘મહારાણીબા! દાન કરવાનું મારું શું ગજું? હું તો ગરીબ છું. સો- સો જોજનથી ભગવાન સોમનાથનાં દર્શન કરવા ચાલતી આવી છું. ગઈ કાલે તો અગિયારસનો ઉપવાસ હતો એટલે કંઈ ખાધું નહોતું. આજે સવારે એક સજ્જને લોટ આપ્યો હતો એમાંથી અડધાનું દાન કર્યું અને અડધાના રોટલા બનાવ્યા. એમાંથી અડધો રોટલો કૂતરાને આપ્યો. અમ ગરીબ તો બસ આવાં નાનાં દાન કરી શકે!’
મીનળદેવી સમજી ગયાં કે ખરેખરું દાન કોને કહેવાય.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment