Monday 16 July 2012


આજ ની "ટૂંકી વાર્તા"..... "બ્રહ્મજ્ઞાનનો અધિકારી"

એક સાધક હતો.તે કોઈ એક મહાત્માની પાસે ગયો ને તેમને વિનંતિ કરીને કહ્યું મહાત્મા, મને "આત્મસાક્ષાત્કાર" કરાવો.
મહાત્માએ એક મંત્ર આપતાં કહ્યું બરાબર એક વર્ષ પૂરું થયા બાદ નાહી કરીને મારી પાસે આવજે. સાધકે એ પ્રમાણે મંત્ર-ઉપાસના કરતાં કરતાં એક વર્ષ વિતાવ્યું.
આ બાજુ વર્ષ પૂરું થતાં મહાત્માએ કચરો કાઢતી એક મહિલાને બોલાવીને કહ્યું જ્યારે અહીં સાધક નાહી-ધોઈને આવે ત્યારે તું એની પર કાદવ ફેંકજે.
મહિલાએ સાધકને આવતો જોતાં જ એની પર કાદવ ને કચરો ફેંક્યો. સાધક આથી ગુસ્સે થઈ તેને મારવા દોડયો. 
મહિલા ભયની મારી નાસી ગઈ. સાધક ફરીથી નાહીને મહાત્માજી પાસે ગયો. મહાત્માજી બોલ્યાઃભાઈ, હજી તારો સ્વભાવ બદલાયો નથી ને સાપની જેમ જેને તેને ડસવા દોડે છે. જા, ફરી આખું વર્ષ મંત્રનો જપ કર ને પછી આવજે.
સાધકને ખરાબ લાગ્યું, પરંતુ ગુરુની આજ્ઞા માથે ચઢાવી તે ચાલ્યો ગયો ને ફરીથી મંત્ર-જપ કરવા બેસી ગયો. એમ કરતાં કરતાં બીજુ વર્ષ પણ પૂરું થવા આવ્યું. 
મહાત્માજીએ ફરી પેલી મહિલાને બોલાવીને કહ્યું ‘જ્યારે પેલો સાધક આવે ત્યારે એના પગે આ ઝાડુ મારજે.
પણ મહારાજ, એ મને મારે તો ?
ના આજે તને મારશે નહિ, માત્ર લડશે.
પેલો સાધક આવ્યો કે તરત જ મહિલાએ પાછળથી એના પગ પર ઝાડુ માર્યું. સાધકે એને કઠોર શબ્દો કહ્યા ને બબડતો બબડતો તે પાછો નાહીધોઈને મહાત્મા પાસે આવ્યો ને એમની પાસે બેઠો.
મહાત્માજી બોલ્યાઃભાઈ,હવે કરડતા તો નથી છતાંય સાપની જેમ ફૂંફાડા તો માર્યા જ કરો છો. કાંઈ એવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. જા, હજી એક વર્ષ જપ-તપ કર.
આ વખતે સાધકને પોતાની ભૂલ સમજાઈ ને તે શરમાઈ ગયો. એમાં એણે મહાત્માજીની કૃપા માનીને મનમાંને મનમાં તેમની પ્રશંસા કરતો કરતો તે પાછો પોતાની જગ્યાએ આવ્યો ને ફરીથી મન દઈને મંત્ર-જપ કરવા બેસી ગયો.
ત્રીજું વર્ષ પણ પૂરું થયું. ફરી વાર મહાત્માજીએ પેલી મહિલાને બોલાવીને કહ્યું આ વખતે તારી કચરાની ટોપલી જ એના માથે નાખી દેજે. એ ખિજાશે પણ નહિ ને બોલશે પણ નહિ.
મહિલાએ એ પ્રમાણે કર્યું. પરંતુ સાધકનું મન શાંત અને પવિત્ર બની ગયું હતું. તેથી તે ન તો ચિડાયો કે ન ગુસ્સે થઈ કાંઈ અપશબ્દ બોલ્યો. ઊલટું તેણે ભંગડી પ્રત્યે કૃતજ્ઞતા દાખવી. બે હાથ જોડી કહ્યું માતા, તમારો મારી પર ભારે ઉપકાર થયો છે, મારા દુર્ગુણનો નાશ કરવા માટે તમે ત્રણ ત્રણ વર્ષેાથી પ્રયત્ન કરી રહ્યાં છો. તમારી જ કૃપાથી મારું મન સ્વચ્છ અને શુદ્વ બની ગયું છે. મારા મનમાં હવે કોઈ વિકાર રહ્યો નથી તેથી ગુરુ મહારાજ પણ આજ મને જરૂર ઉપદેશ આપશે.એટલું કહી એને પ્રણામ કરી તે ગુરુ મહારાજ પાસે જઈ એમના ચરણોમાં ઝૂકી પડયો. 
ગુરુ મહારાજે તેને છાતી સરખો ચાંપ્યો. જેનું મન શુદ્વ થઈ ગયું હોય એને કાંઈ ઉપદેશ ગ્રહણ કરતાં વાર લાગે ? 
અજ્ઞાનનો નાશ થયો, જ્ઞાન તો હતું જ. અજ્ઞાન દૂર થતાં જ સાધકને આત્મજ્ઞાન થયું.
"જે નમ્રતા દાખવે છે, તેને જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તે જ સાચા જ્ઞાનનો અધિકારી છે."

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment