Saturday, 8 November 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." રાત્રિ નો સંદેશ "

રાત્રિ અને દિવસની વચ્ચે એક સંવાદ થયો. રાત્રિ પૂરી થવાની અને દિવસ ઊગવાની ક્ષણો હતી ત્યારે રાત્રિ અને દિવસ બન્ને સામસામે થઈ ગયાં.

રાત્રિએ દિવસને પૂછ્યું, ‘જગત પર વસતા કેટલાક માનવીઓને આળસુ, નાહિંમત, નિરાશ અને દુ:ખી બનાવવામાં ભલા તને શો આનંદ આવે છે?’

રાત્રિની આવી વાત સાંભળી દિવસને ખૂબ જ નવાઈ લાગી અને આશ્ચર્ય થયું. વિસ્ફારિત નેત્રે એણે રાત્રિને પૂછ્યું, ‘શું કહ્યું બહેન તેં? શું હું તેમને આળસુ, નાહિંમત નિરાશ કે દુ:ખી બનાવું છું? ગાંડી રે ગાંડી! હું તો તેમને પ્રકાશ આપું છું અને પ્રકાશ એ પ્રગતિનું જ નિશાન છેને? પ્રકાશ આપીને હું તેમને પ્રવૃત્તિશીલ રાખવાનો પ્રયત્ન કરું છું પણ... ’ કહીને દિવસ ઘડીભર અટક્યો.

દિવસના મનમાં એક વિચાર આવ્યો હતો એને પ્રગટ કરતાં એનો જીવ ચાલતો નહોતો. છતાં હિંમત કરીને એણે રાત્રિને કહ્યું, ‘બહેન, એક વાત કહું તો ખોટું તો નહીં લાગેને?’

રાત્રિએ હસીને કહ્યું, ‘ના રે ના! ખોટું શું કામ લાગે? મારા મનની વાત મેં તને કહી એમ તું પણ તારા મનની વાત કહી દે.’

દિવસે કહ્યું, ‘માનવોને આળસુ, નાહિંમત, નિરાશ, દુ:ખી હું નહીં પણ તું... તું જ બનાવે છે.’

આ વાત સાંભળી રાત્રિ ભારે અચંબામાં પડી ગઈ. એણે પૂછ્યું, ‘કઈ રીતે?’

દિવસે કહ્યું, ‘તું એમને અંધકારમાં ઘેરે છે, અંધકાર પતનનું નિશાન છે. બોલ, તેમને દુ:ખી કરનાર હું કે તું?’

રાત્રિએ હસીને કહ્યું, ‘ભાઈ, તારી વાત સાથે હું સંમત નથી; કારણ કે માનવીને માત્ર પ્રકાશ આપી તું કેવળ સુખનો જ અનુભવ કરાવે છે. એટલે સુખના સાથી દુ:ખનો અનુભવ તેઓ કરી શકતા નથી. વિપત્તિનો સામનો કરવા નાહિંમત બને છે, નિરાશ બને છે. હું જગત પર અંધકાર પાથરી જીવનના બીજા પાસાનો અનુભવ કરાવું છું. રૂમઝૂમ કરતી તારલિયાની ચૂંદડી ઓઢી માનવને સંદેશ આપું છું કે હું માનવ! તું પ્રકાશ માણે છે, સર્વત્ર સુખ- સગવડ શોધે છે, આશાના મિનારા ચણે છે; પણ સૌથી પહેલાં અંધકારને ઓળખી લે તો પ્રકાશની કિંમત સમજાશે તને!’

દુ:ખ સિવાય સુખની કિંમત કેમ સમજાય? 

દિવસ રાત્રિનો સંદેશ સાંભળી રહ્યો .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment