Sunday 2 March 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." સૌથી સુંદર શું? "

એક ખૂબ જ સિદ્ધહસ્ત ચિત્રકાર હતો. અનેક સુંદર કલાકૃતિઓ તેણે સર્જી હતી. એક દિવસ તેણે નક્કી કર્યું કે મારે દુનિયાની સૌથી સુંદર વસ્તુનું ચિત્ર દોરવું છે. 

સૌથી સુંદર વસ્તુ કઈ? ચિત્રકારે ઘણા વિચાર કર્યા. સુંદર નારી, આકર્ષક ફૂલ, રંગીન પતંગિયું, કળા કરતો મોર, સૂર્યોદયની લાલિમા, સૂર્યાસ્તની રંગીન સંધ્યા... ઘણું-ઘણું વિચાર્યું, પણ કંઈ નક્કી ન કરી શક્યો.

તેણે વિચાર્યું મારું મન નક્કી નથી કરી શકતું. લાવ, બીજાના અભિપ્રાય લઉં.

સૌથી પહેલાં તેને રસ્તામાં એક નવોઢા સ્ત્રી મળી. ચિત્રકારે તેને પૂછ્યું, ‘બહેન, તારા મત પ્રમાણે દુનિયાની સૌથી સુંદર વસ્તુ કઈ?’

નવોઢા નવપરિણીત હતી. મનમાં ઘણાં સપનાં હતાં. તેણે જવાબ આપ્યો, ‘દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે પ્રેમ.’

ચિત્રકાર જવાબ સાંભળી મૂંઝાયો. પ્રેમને ચિત્રમાં આલેખવો કેમ?

આગળ જતાં એક સંત ઝાડ નીચે આરામ કરતા હતા. ચિત્રકારે તેમને પોતાની ઇચ્છા જણાવી પૂછ્યું, ‘તમારા મતે દુનિયાની સૌથી સુંદર વસ્તુ કઈ?’

સંતે જવાબ આપ્યો, ‘શ્રદ્ધા.’ 

ચિત્રકાર વધુ મૂંઝાયો. શ્રદ્ધાનો આકાર કયો?

આગળ જતાં એક સૈનિક મળ્યો. ચિત્રકારે ઘાયલ સૈનિકને પૂછ્યું, ‘દુનિયાની સૌથી સુંદર વસ્તુ કઈ?’

સૈનિક યુદ્ધવિરામ બાદ પાછો ફરી રહ્યો હતો. તેણે કહ્યું, ‘શાંતિ.’

ચિત્રકારની મૂંઝવણ વધુ ઘેરી બની. તે થાકીને ઘરે આવ્યો. પત્નીએ હસીને તેના કપાળ પરનો પરસેવો પાલવથી લૂછી પાણી આપ્યું. તેનાં બન્ને બાળકો ‘પિતાજી, પિતાજી’ કરતાં તેને વહાલથી વીંટળાઈ વળ્યાં. તે ચિત્રકારના પિતા શાંતિથી છાપું વાંચતા હતા.

ચિત્રકારને રાહતની લાગણી થઈ. થોડી વાર વિચાર્યા બાદ તે તરત ઊભો થયો અને હાથમાં પીંછી લઈ ચિત્ર દોરવા લાગ્યો. કલાકો અટક્યા વિના તેણે સુંદર ચિત્ર દોર્યું જે હતું એક ખુશહાલ પરિવારનું... જેમાં પત્ની અને બાળકોની આંખોમાં અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં તેમ જ વાતાવરણમાં પ્રેમસભર શાંતિ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment