આજ ની "ટૂંકી વાર્તા"..." પ્રગતિ તરફ પગલાં "
ખેડૂતે ખેતરમાં વાવણી કરી. આખા ખેતરને ખેડી ઉચ્ચતમ બીજનું વાવેતર કર્યું અને પ્રેમથી જાળવણી કરી.
થોડા દિવસ બાદ બાજુ-બાજુમાં જમીનની થોડે અંદર રહેલાં બે બીજમાં અંકુર ફૂટ્યા. બીજમાંથી ફૂટેલા કુમળા અંકુર સામે બે વિકલ્પ હતા: ત્યાં જ સુષુપ્ત પડ્યા રહેવું અથવા ઝીણી હિંમતની તાકાત અને આગળ વધવાની ઝંખના સાથે પથ્થર, ધૂળ, માટીની દીવાલ ભેદીને જમીનમાંથી બહાર આવવું.
નાના બીજના અંકુરે મોટા બીજના અંકુરને કહ્યું, ‘ભાઈ, ઉપર તરફ ન જઈશ. ત્યાં મોટો ભય છે. રસ્તામાં તારી કુમળી કાયા ભારેખમ પથ્થરોમાંથી રસ્તો કરવામાં લોહીલુહાણ થઈ જશે. બહાર નીકળીશ તો લોકોના પગ તળે ચગદાઈ જઈશ. બધા તને રગદોળી નાખશે એના કરતાં અહીં જ ધરતીમાના ખોળામાં થોડા દિવસની જિંદગી જીવી લઈએ.’
મોટા બીજે નાના બીજનો ડર અનુભવ્યો, પણ બધું સાંભળીને પણ હિંમત ન હાર્યું. નાના બીજાંકુરને પણ તેણે પોતાની સાથે આવવાની હિંમત આપી, પણ નાના બીજે ના પાડી દીધી.
મોટું બીજાંકુર ધીમે-ધીમે ચૂપચાપ ધરતીમાંથી માર્ગ કરીને ઉપર તરફ ગતિ કરવા લાગ્યું. ધીમે-ધીમે ધરતીનું પડળ પાર કરીને ઉપર નીકળી આવ્યું અને ધરતીની નીચેના પેટાળના અંધકારમાંથી સૌંદર્યભરી સૃષ્ટિનો એક ભાગ બન્યું અને સ્મિત કરવા લાગ્યું.
સૂર્યદેવે એને તડકાનું સ્નાન કરાવી આવકાર્યું, હવાએ વહાલભર્યો વીંઝણો નાખ્યો, વર્ષાએ શીતલ જલનું પાન કરાવ્યું. ખેડૂત એને નિહાળી ખૂબ ખુશ થયો.
બીજ વૃદ્ધિ પામતું ગયું. ઝૂમતું, લહેરાતું, ફાલતું અને ફળતું એક દિવસ ફળોથી લચી પડેલું ઝાડ બન્યું અને પોતાનાં જેવાં અસંખ્ય બીજોનું નિર્માતા બન્યું. પોતાના જીવન અને સંઘર્ષથી આત્મસંતોષ અનુભવી રહ્યું. નાનું બીજ હિંમત હારી જઈને ત્યાં જ પડ્યું રહ્યું, પસ્તાયું. થોડા દિવસમાં સુકાઈ ગયું.
ભય અને સંકુચિતતા પ્રગતિમાં અવરોધક છે. પ્રગતિ પ્રાપ્ત કરવા મક્કમ પગલાં ભરતા રહો.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment