Saturday, 11 January 2014


આજ ની "ટૂંકી વાર્તા"..." આકાશવાણી "

પયગંબર મોઝિસ એક ખેતર પાસેથી પસાર થતા હતા. તેમણે એક ખેડૂતને ઘૂંટણિયે પડી પ્રાર્થના કરતો જોયો. તેઓ અટકી ગયા. ખેડૂત કહી રહ્યો હતો કે ‘હે ખુદા! જો તું આ નદી પાણીથી છલકાવી દે તો હું તને ખૂબ વહાલથી નવડાવીશ. હે મારા વહાલા પ્રભુ! તું અહીં આવ. હું તને સરસ કપડાં પહેરાવીશ... તને શણગારીશ...’ 

આવું ઘણુંબધું તે બોલી રહ્યો હતો.

મોઝિસે આ બધું સાંભળ્યું. પછી ખેડૂતની પાસે જઈ તેને ઠપકો આપતાં કહ્યું, ‘તું કોણ છે? તારા મનમાં સમજે છે શું? તને ખબર છે ખુદા કોણ છે? તું તેને નવડાવવા અને કપડાં પહેરાવવાવાળો કોણ? તે દુનિયાને સ્નાન માટે પાણી પૂરું પાડે છે. દુનિયા આખીનાં અંગ ઢંકાય એટલાં વસ્ત્રો તે સર્જે છે. તું કોણ તેને આ બધું આપનારો?’

ખેડૂત બિચારો મોઝિસની વાત સાંભળી ડરી ગયો અને સ્તબ્ધ બની ગયો. તેણે ‘તોબા’ ‘તોબા’ કરી પોતાના બન્ને ગાલ પર તમાચા મારવા માંડ્યા અને મોઝિસ અને ખુદાની માફી માગવા લાગ્યો.

પોતે વધુ એક માનવીને જ્ઞાન આપ્યું એમ માનીને મોઝિસ આગળ ચાલતા થયા. થોડે દૂર ગયા ત્યાં તેમને આકાશવાણી સંભળાઈ, ‘મોઝિસ, તને ખબર છે ખુદા કોણ છે?’

મોઝિસ અટકી ગયા. તે આકાશ સામે જોઈ રહ્યા. આકાશવાણીનો મર્મ તેમને તરત જ સમજાયો અને આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.

આકાશવાણી ફરી એક વાર સંભળાઈ, ‘મોઝિસ, તને ખુદા કોણ છે એની ખબર નથી એમ કહીને તેં એક રંક ખેડૂતની શ્રદ્ધા તોડી છે, પણ તને ખબર છે કે ખુદા કોણ છે?’

આકાશવાણી ત્યાં અટકી ગઈ. મોઝિસના મનમાં પસ્તાવો રોપતી ગઈ.

પુરાણો-ધર્મકથાઓની આકાશવાણી હોય કે મનના આકાશમાં ઊગતી વાત હોય, આપણે આપણા મનના આકાશમાંથી ઊઠતી વાણીનો સાદ સાંભળવો જોઈએ.

શ્રદ્ધા વિરલ છે. ધર્મથી વધુ મહત્વની શ્રદ્ધા છે. ખેડૂતને મન પણ પોતાના પ્રભુને બાળકની જેમ વહાલ કરવાનો મહિમા હતો. એ શ્રદ્ધા જ સાચી ભક્તિ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment