આજ ની "ટૂંકી વાર્તા"..." સંતોષનું ફળ "
ગામમાં દુકાળ પડ્યો. પાણીનું એક ટીપું પણ નહીં અને અનાજનો દાણો પણ નહીં. પાક ઊગ્યો નહીં. અબોલ પશુઓ પણ ભૂખે મરવા લાગ્યાં.
રાજાને ખૂબ જ ચિંતા થઈ, પણ પોતાના રાજકોષમાં એટલું ધન ન હતું કે બધા લોકોને રોજ બે ટંક જમાડી શકે. તેમણે જાહેરાત કરી કે નાનાં બાળકોને રોજ એક રોટલી આપવામાં આવશે.
બીજા દિવસે સવારે બધા રાજમહેલ સામેના ચોગાનમાં એકઠા થયા. રોટલીની ટોપલીઓ આવી.
નાની-મોટી રોટલીઓ હતી. બધાં બાળકો એકબીજાને ધક્કો મારીને મોટી રોટલી મેળવવા પ્રયત્ન કરતાં. ઘણાં બાળકો મળેલી રોટલી ખાઈને ફરીથી બીજી રોટલી માટે ધક્કામુક્કી કરતાં હતાં.
ફક્ત એક નાની છોકરી એક બાજુ ચૂપચાપ ઊભી હતી. તે સૌથી છેલ્લે ઊભી રહી પોતાનો વારો આવવાની રાહ જોતી હતી. રોટલી વહેંચી રહેલા મંત્રીનું તેની તરફ ધ્યાન ગયું. તેણે સૈનિકને એક નાનકડી રોટલી તે છોકરીને આપવાનું કહ્યું. સૈનિકે તેને રોટલી આપી. રોટલી મળતાં જ તે ખુશ થઈ દોડતાં ઘર તરફ ચાલી ગઈ. ખૂબ ભૂખ લાગી હોવા છતાં તેણે રોટલી ત્યાં જ ખાધી નહીં, કારણ ઘરે મા ભૂખી હતી.
બીજે દિવસે ફરી રોટલી વહેંચવામાં આવી. મંત્રીએ આજે પણ સૈનિકને પેલી છોકરીને એક નાની રોટલી આપવા કહ્યું. છોકરી આભાર માની, રોટલી લઈને ઘરે ગઈ.
ઘરે જઈ માતાને અડધી રોટલી આપવા રોટલી તોડી તો રોટલીમાંથી એક સોનામહોર નીકળી. મા-દીકરી આર્યચકિત થઈ ગયા. માતાએ કહ્યું ‘સોનામહોર રાજાની કહેવાય. જા તેને પાછી આપી આવ.’ છોકરી મહોર પાછી આપવા રાજમહેલમાં ગઈ.
રાજાએ પૂછ્યું, ‘તું શા માટે આવી છે?’
છોકરીએ કહ્યું ‘મહારાજ, મારી રોટલીમાંથી આ સોનામહોર નીકળી છે તે પાછી આપવા આવી છું.’ મંત્રીએ રાજાને બધી વાત કરી હતી. મંત્રી બોલ્યા, ‘રાજાએ તને તારા સંતોષનું ઇનામ આપ્યું છે.’
છોકરીએ કહ્યું, ‘મારા સંતોષનું ફળ તો મને ત્યારે જ મળી ગયું હતું જ્યારે મારે ધક્કા ખાવા નહોતા પડ્યા. આ મહોર હું ન લઈ શકું - રોટલી જ બસ છે.’
રાજાએ તેની માતાને મહેલમાં કામ આપી બન્નેને મહેલમાં જ રાખ્યાં.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment