Monday, 26 August 2013


આજ ની "ટૂંકી વાર્તા"..." વૈકુંઠે તે વસે "

એક ડૉક્ટર પૂરેપૂરા અને ખરેખરા નાસ્તિક. ઈશ્વરમાં માને નહીં. આત્મા, પુનર્જન્મ કે પરલોકની વાત નીકળે તો મુઠ્ઠી બતાવીને કહે, ‘માણસ મર્યા પછી મુઠ્ઠી રાખ, બીજું કશું નહીં. જોકે ડૉક્ટર તરીકે લેશમાત્ર ફરજ ચૂકે નહીં. દરદી અમીર હોય કે ગરીબ તેમને માટે દરદી એટલે દરદી. પોતાની શક્તિનું છેલ્લું ટીપું નિચોવી સારવાર કરે.

ડૉક્ટરના દવાખાના સામે જ એક ભગત રહે. ઓટલા પર બેસીને માળા ફેરવે. બન્ને એકબીજાને સમજે અને બન્ને પાકા દોસ્ત. ડૉક્ટર ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને જરા બહાર નીકળે તો ભગત બોલી ઊઠે:

‘દાક્તર, તારી ડોકમાં તારી માળા ભારે શોભી ઊઠે છે હોં. અમારી આ રુદ્રાક્ષની માળા કરતાં તારી માળા તો ભાઈ વધુ જીવતી અને જીવનદાન દેનારી. ધબકારા કોકના અને મણકા તારા. તારે મણકે મહારાજ રાજી, રાજી ને રાજી.’

ડૉક્ટર માત્ર હસે. ભગતનો હરખ ભાળી થાક ભૂલી જાય. એવામાં ડૉક્ટર પોતે જ માંદા પડ્યા. સમજી ગયા કે રોગ જીવલેણ છે. પોતે હવે થોડા દિવસના જ મહેમાન છે. ભગતને ખબર પડી એટલે તે ડૉક્ટરને જોવા આવ્યા. ભગત કહે, ‘દાક્તર તમેય જાણો છો અને મારો આત્મા પણ જાણે છે કે આમાંથી તમે બેઠા થવાના નથી, પણ ખાતરી રાખજો કે તમે વૈકુંઠમાં જ જવાના છો.’ ડૉક્ટર મંદ હસ્યા. ધીમેથી બોલ્યા, ‘કેવું વૈકુંઠ ને કેવી વાત?’

ભગત કહે, ‘દાક્તર, તમે ભલે ન માનો, પણ મારો વહાલો હરિ તો તમને લેવા દોટ મૂકશે, તમને વૈકુંઠમાં પોતાની પાસે સ્થાન આપશે...’

ભગત આગળ બોલતા અટકી ગયા. થોડા ભાવુક થઈને પછી બોલ્યા, ‘અને તમને કહેશે, દાક્તર...’

ડૉક્ટરે વચમાં જ રમૂજ ખાતર પૂછ્યું, ‘શું કહેશે તમારો હરિ, જરા કહો તો ખરા ભગત?’

ભગત બોલ્યા, ‘મારો વહાલો હરિ દોડી આવશે અને તમને કહેશે, દાક્તર, કે દીકરા આવ. આવ, આ વૈકુંઠમાં. તેં ભલે મારું નામ ન લીધું, પણ મારું કામ કર્યું છે હોં બેટા. તારા બાપના ઘરમાં તારો પૂરો અધિકાર છે.’

ભગતની વાત સાંભળીને દાક્તરના મનમાં આનંદ થયો. ભગત બોલ્યા, ‘આખું જીવન ઈશ્વરમાં ન માનનારાને ભગવાન મળી શકે ખરો? પણ કહ્યું છેને કે જનસેવા એ જ પ્રભુસેવા છે એથી પ્રભુને ભૂલીને પણ માણસોની સેવા કરનારને પ્રભુ પોતાના કરી સ્વીકારે છે.’

ભગતના શબ્દો ડૉક્ટરને આછા-આછા સંભળાયા. તેમના હૃદયમાં અપૂર્વ શાંતિ છવાઈ ગઈ. તેઓ કાંઈ બોલ્યા નહીં. ભગતનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રાણ છોડી દીધા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment