આજ ની "ટૂંકી વાર્તા"..." પાપ કોણ કરે ? "
એક ધનવાન જમીનદારે બાગ બનાવી એમાં જાતજાતનાં ફળઝાડ રોપ્યાં. એને ફળ આવવા લાગ્યાં ત્યારે એની સંભાળ રાખવા બે ચોકીદાર રાખ્યા.
એક ચોકીદાર જોઈ ન શકે અને બીજો ચાલી ન શકે. જમીનદારે વિચાર્યું કે આ બે જણ દરવાજા આગળ બેસીને ચોકી તો બરાબર કરશે અને સાથોસાથ ફળની ચોરી પણ કરી શકશે નહીં.
જમીનદારે જોયું કે ફળની ચોકી બરાબર થતી હતી. હવે થોડા દિવસ પછી ચાલી ન શકતા ચોકીદારે ઝાડ પર લચી રહેલાં ફળો જોયાં અને તેના મોંમાં પાણી છૂટ્યું, પણ ફળ તોડવાં શી રીતે? તેણે જોઈ ન શકતા ચોકીનારને કહ્યું, ‘અલ્યા સુરદાસ, ઝાડ પર મસ્તમજાનાં ફળ લાગ્યાં છે. મન એવું લલચાય છે કે તોડીને ખાઈ લઈએ.’
જોઈ ન શકતો ચોકીદાર કહે, ‘તો પછી રાહ શેની જુએ છે? ચાલ, તોડીને ખાઈએ.
ચાલી ન શકતો ચોકીદાર બોલ્યો, હું ચાલી શકતો નથી, પણ જો તું મને તારા ખભા પર બેસાડે અને હું જ્યાં કહું ત્યાં મને લઈ જાય તો સહેલાઈથી ફળ તોડી શકાય. બોલ છે તૈયાર?’
સુરદાસે હા પાડી. ચાલી ન શકતા ચોકીદારને ખભા પર બેસાડ્યો. ચાલી ન શકતો ચોકીદાર તેને ઝાડ પાસે દોરી ગયો. પછી પૂરતાં ફળ તોડી લીધાં. ત્યાર બાદ બન્નેએ મોજથી ફળ આરોગ્યાં.
બીજા દિવસે જમીનદાર બાગમાં આવ્યો. તેણે જોયું કે ઝાડ પરથી કેટલાંક સારાં સારાં ફળ કોઈકે તોડી લીધાં છે! તેણે બેઉ ચોકીદારને ધમકાવ્યા.
ચોકીદારોએ કહ્યું, ‘શેઠજી, બાગમાં તો કોઈ આવ્યું નથી.’ શેઠ ગુસ્સામાં બોલ્યા, ‘તો પછી તમે બન્નેએ તોડ્યાં હશે. નહીં તો ફળ જાય ક્યાં?
ચાલી ન શકતા ચોકીદારે બચાવ કરતાં કહ્યું, ‘અરે શેઠજી, પણ હું ચાલી નથી શકતો અને આ જોઈ નથી શકતો. અમે કઈ રીતે ફળ તોડી શકીએ?
જમીનદાર બોલ્યો, ‘જો તું જોઈ ન શકતા ચોકીદારના ખભા પર બેસે અને તું કહે ત્યાં તને લઈ જાય તો તું સહેલાઈથી ફળ તોડી શકે.’
માણસની વાત પણ આવી જ છે. દેહ કહે છે કે ‘હું જડ છું. માટીનો પિંડ છું. જોઈ નથી શકતો. મારાથી પાપ થાય એ શક્ય નથી.
એમ જીવાત્મા કહે છે, ‘મારી પાસે પાપ કરવાનું કોઈ સાધન નથી. શું ઇન્દ્રિયો વિના પાપ થઈ શકે ખરું?
શરીર અને જીવાત્માની વાત સાંભળી ભગવાન કહે છે, ‘જીવાત્મા શરીરના ખભે બેસે છે અને બન્નેના સહકારથી પાપ થાય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment