આજ ની "ટૂંકી વાર્તા"..." બ્રહ્માજીના બે થેલા "
સંસારની રચના કરનાર બ્રહ્માજી પાસે જઈ મનુષ્યએ પૂછ્યું, ‘પ્રભુ,
હું પ્રગતિ કરવા ઇચ્છું છું, સુખ-શાંતિને ચાહું છું અને ચાહું છું કે બધા જ લોકો મારી પ્રશંસા કરે. આપ મને આ બધું જ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો.’
બ્રહ્માજીએ બે થેલા મનુષ્યની સામે મૂક્યા અને બોલ્યા, ‘આ બે થેલા લઈ લે. એક થેલામાં તારા પાડોશીની ખરાબ બાબતો અને અવગુણો છે. એને તારી પીઠ પર લાદી દે અને એને કદાપિ ખોલીશ નહીં. હંમેશ માટે બંધ રાખજે અને એ થેલામાંથી કંઈ પણ જોતો નહીં અને કોઈને પણ કંઈ દેખાડતો નહીં. આ બીજો થેલો છે એમાં તારા પોતાના દોષ અને અવગુણ છે. એને તારી નજર સમક્ષ રહે એ રીતે આગળના ભાગમાં ખભે લટકાવજે. વારંવાર ખોલીને એને જોયા કરજે. એ થેલાનો ભાર ઓછો કરવાનો પ્રયત્ન કરજે.’
મનુષ્યને બહુ કંઈ સમજાયું નહીં. તેણે બન્ને થેલા ઊંચકી લીધા, પરંતુ તેનાથી એક ભૂલ થઈ ગઈ. તેણે પોતાના દોષોથી ભરેલો થેલો પોતાની પીઠ પર લાદી દીધો. એને કસકસાવીને બંધ કરી દીધો અને પોતાના પાડોશીના દોષોથી ભરેલો થેલો પોતાની આગળની બાજુ લટકાવ્યો અને પાડોશીના દોષોના થેલાને વારંવાર ઉઘાડીને જોવા લાગ્યો, બીજાને પણ દેખાડવા લાગ્યો. થેલાની અદલાબદલી થઈ એથી બ્રહ્માજીએ આપેલી શીખની અસર પણ ઊલટી થઈ. તે ઉન્નતિને બદલે અધોગતિ તરફ જવા લાગ્યો. તેને દુ:ખ અને અશાંતિ મળવા લાગ્યાં. બધા લોકો તેને ખરાબ માનવા લાગ્યા.
આપણે મનુષ્ય છીએ અને આપણે હજી પણ આ જ ભૂલ કરીએ છીએ. આપણે પાડોશી, સ્વજનો, મિત્રોના દોષ જોઈએ છીએ અને પોતાના અવગુણ-દોષ તરફ આંખમીચામણાં કરીએ છીએ.
જે મનુષ્ય બીજાના દોષ જોતો નથી અને પોતાના દોષ જોઈને એને દૂર કરવા પ્રયત્ન કરે છે એ પરમ સુખ શાંતિ મેળવે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment