આજ ની "ટૂંકી વાર્તા"..." માતાનો કંઠ "
એન્કો જપાનનો સર્વોત્તમ વાર્તાકાર હતો. વાર્તા કહેવાની તેની રીત બધાને સંમોહિત કરતી. ડાયરો જમાવીને તે કરુણરસની વાત માંડે તો ઉપસ્થિત બધાની આંખમાંથી આંસુ વહેવા લાગે અને વીરરસની વાત કરે ત્યારે શ્રોતાવૃંદમાં એક- એક માણસને પોતે લડાઈના મેદાનમાં હાજર હોવાનો અહેસાસ થાય. ભયની વાતોનું વર્ણન કરે તો બધા ડરી જાય.
પોતાની વાર્તાશૈલીને કારણે એન્કોની ખ્યાતિ સર્વત્ર ફેલાયેલી હતી. ખૂબ જ પ્રખ્યાત એન્કો પોતાની વાર્તા કહેવાની કલાથી ઝેન મહંત તેરશુને પ્રસન્ન કરવાની ઇચ્છાથી તેમની પાસે ગયો.
તેરશુ પાસે જઈ તેણે પોતાની વાર્તા સાંભળવાની વિનંતી કરી અને તેઓ કયા રસથી ભરપૂર વાર્તા સાંભળવાનું પસંદ કરશે એ પૂછ્યું.
તેરશુએ સ્વાગત કરી સ્થાન આપતાં કહ્યું, ‘મેં આપનાં બહુ વખાણ સાંભળ્યાં છે. આપ ધારો ત્યારે લોકોને હસાવી-રડાવી શકો છો. લોકો પ્રેમરસમાં તરબોળ થઈ જાય છે. વીરરસમાં ઉશ્કેરાટમાં ઊભા થઈ જાય છે. તમારી કળામાં તમે માહેર છો. મારે તમારી પાસેથી એક ખૂબ જ સહેલી વાર્તા સાંભળવી છે.’
એન્કોએ ખુશ થઈ પૂછ્યું, ‘કઈ?’
તેરશુ બોલ્યા, ‘મારે તમારી પાસેથી ચકા-ચકીની વાત સાંભળવી છે. મારી મા મને આ વાર્તા કહેતી ત્યારે વાર્તા અડધી-પડધી થાય ત્યારે જ મને ઊંઘ આવી જતી. તમે મને મા કહે એ રીતે જ આ કથા કહેજો એટલે મને માના પ્રેમ અને એથી મળતી શાંતિની અનુભૂતિ થાય.’
આ કામ કેટલું અઘરું છે એ સમજીને એન્કોએ કહ્યું કે ‘મારે થોડી વધારે તાલીમ લેવી પડશે અને તૈયાર થવું પડશે, હું એકાદ વર્ષ પછી આવીશ.’
વરસ પસાર થયું. થોડાં વધુ વરસો ગયાં. પાંચ વર્ષ પછી તેરશુ પાસે આવી વાર્તાકાર એન્કોએ પોતાની અશક્તિ કબૂલ કરી લીધી.
તેરશુએ તેને પ્રેમથી આશ્વાસન આપ્યું, ‘ભાઈ, આમાં તારો વાંક નથી. આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ માના કંઠમાં ઈશ્વરે જે શાંતિ મૂકી છે એનો સાક્ષાત્કાર આપણને કદી થતો નથી.
મા એટલે જ મા છે. ઈશ્વરનો અવતાર છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment