Wednesday, 31 July 2013


આજ ની "ટૂંકી વાર્તા"..." સુંદર જીવન "

પરદેશ ફરી આવેલી અને દુનિયા ઘૂમી ચૂકેલી એક વ્યક્તિએ અમદાવાદ શહેરથી થોડે દૂર એક સુંદર મકાન બંધાવ્યું.
આ મકાનની રચના અને બાંધકામ આમ તો અત્યંત સાદાં છતાં એની એક-એક વસ્તુમાંથી સૌંદર્ય પ્રગટતું જોવા મળે. નવું મકાન બન્યા બાદ મિત્રે પોતાના નજીકના મિત્રવતુર્ળને ખાસ મકાન જોવા નિમંત્રણ આપ્યું.
આ મકાનમાં એક ખાસિયત આંખે ઊડીને વળગતી હતી. મકાનના પ્રવેશદ્વાર પર અને અંદર પણ ચારથી પાંચ જગ્યાએ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી એમ જુદી-જુદી ભાષામાં એક જ વાક્ય સુંદર રીતે લખીને મૂક્યું હતું.
વાક્ય હતું, ‘જીવન સુંદર છે... અને વધુ ને વધુ સુંદર બની શકે છે.’
બધા મિત્રોએ એ જોયું અને મકાન બંધાવનાર મિત્રને બધે આ વાક્ય લખીને મૂકવાનું કારણ પૂછ્યું.
મિત્રે કહ્યું, ‘મેં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. દુનિયા ઘૂમી વળ્યો છું. ઠેર-ઠેર પાર વગરની અસુંદરતા અને કુરૂપતા નિહાળી છે અને હમણાં સુધી હું વિચારતો હતો કે જીવન સુંદર નથી, અસુંદર છે; પણ પછી મને એક રહસ્ય સમજાઈ ગયું.’
બધાએ પૂછ્યું, કયું રહસ્ય?
મિત્રે કહ્યું, ‘જીવન કેવું છે એનો સંપૂર્ણ આધાર આપણા મનના વલણ પર છે અને જેવું મનનું વલણ હોય છે એવું જીવન દેખાય છે. મેં મારા મનનું મનોવલણ અને જીવન-અભિગમ બદલી નાખ્યાં છે અને એટલે જ મને ક્યાંય દુ:ખ અને અસુંદરતા જોવા નથી મળતાં. જીવનમાં શું થાય છે, કઈ ઘટના બને છે એ અગત્યનું નથી. અગત્યનું છે એ ઘટનાની તમારા પર શું અસર થાય છે એ. અનુકૂળ ઘટના-સંજોગ તો આવકાર્ય અને સુંદર જ લાગે, પણ પ્રતિકૂળ ઘટના-સંજોગ પ્રતિ પણ આપણું વલણ સમતોલ રહે તો જીવન સુંદર જ છે.’

બધા મિત્રોએ પોતાના એ મિત્રની વાત સ્વીકારી લીધી.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment