આજ ની "ટૂંકી વાર્તા"..."કીમતી પથ્થર"
એક હતો રાજા. તેનું રાજ્ય અત્યંત સમૃદ્ધ હતું. રાજ્યભંડારો ભરપૂર ભરેલા હતા. આ વૈભવશાળી રાજ્યમાં એક મહાત્મા આવી ચડ્યા.
મહાત્મા તો ફરતા રામ હતા. ફરતા-ફરતા રાજમહેલમાં આવી ચડ્યા. મહાત્માજીનું નામ પ્રસિદ્ધ હતું એટલે રાજાએ તેમનો યોગ્ય આદરસત્કાર કર્યો અને પોતાના મહેમાન બનવા વિનંતી કરી. મહાત્માએ એ વિનંતીને માન્ય રાખી.
મહાત્મા રોજ ધર્મપ્રવચનો કરતા હતા. મહાત્માનાં એ પ્રવચનો રાજા અને પ્રજા બન્નેને રુચ્યાં. આમ થોડા દિવસો પ્રવચનોનો લાભ આપી મહાત્માએ રાજા પાસે વિદાય માગી.
રાજાને પોતાના સમૃદ્ધ રાજ્યભંડારનું ગૌરવ હતું એટલે તેમણે મહાત્માને કહ્યું, ‘મહારાજ, આપના જેવા સંતમહાત્માઓની કૃપાથી મારો રત્નભંડાર સમૃદ્ધ બન્યો છે. મારા એ કીમતી રત્નભંડાર પર જરા નજર નાખો એવી મારી વિનંતી છે.’
રાજાની વિનંતી સ્વીકારીને મહાત્મા રાજાનો રત્નભંડાર જોવા ગયા.
રાજાએ રત્નભંડારનાં એક પછી એક કીમતી રત્ન મહાત્માને બતાવવા માંડ્યાં. મહાત્મા અન્યમનસ્કપણે બધું જોઈ રહ્યા હતા. છેવટે તેઓ બોલ્યા, ‘રાજન, તમે તમારા કીમતી પથ્થરો બતાવ્યા, પરંતુ હજી સૌથી કીમતી પથ્થર તો બતાવો?’
તરત જ આનંદિત થઈ રાજા એક મોટો કીમતી હીરો લઈ આવ્યા અને મહાત્માને બતાવતાં બોલ્યા, ‘આ સૌથી કીમતી છે.’
આછું સ્મિત ફરકાવતાં મહાત્માએ કહ્યું, ‘રાજા, તારી વાત સાચી નથી. તારા રાજ્યમાં હું ઠીક-ઠીક ફર્યો છું. આથી પણ વધુ કીમતી પથ્થરો મેં તારા રાજ્યમાં જોયા છે. મને લાગે છે તને એની કંઈ જ ખબર નથી. ચાલ મારી સાથે, તને હું બતાવું. જે એ પથ્થર- રત્નનાં રોજ દર્શન કરશે તે સુખી થશે જ.’
રાજા તરત મહાત્માની સાથે ગયો.
મહાત્મા તેને એક ગરીબ ડોશીની ઝૂંપડીમાં લઈ ગયા. એ વખતે ડોશીમા ઘંટીએ બેઠાં-બેઠાં અનાજ દળતાં હતાં.
ઘંટીનો એ પથ્થર બતાવીને મહાત્મા બોલ્યા, ‘હું આ રત્નની વાત કરતો હતો. આ ગરીબ ડોશીમાની આજીવિકાનું આ એકમાત્ર સાધન છે. સવારના પહોરમાં આ પથ્થર-રત્નનું દર્શન કરી જે મહેનત કરે તેને એ કદી ભૂખે મારતું નથી. બોલ, તારા હીરા-માણેક ખાવાના કંઈ કામમાં આવવાના છે? જોકે એ પણ પથ્થર જ છે અને આ પણ પથ્થર છે. પરંતુ સર્વોચ્ચ મૂલ્યવાન પથ્થર કર્યો કહેવાય? જે ઉપયોગમાં આવે એ, માત્ર રૂપ શા ખપનું?’
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment