Saturday 17 March 2012


આજ નુ " કાવ્ય "

આ ભાર આ ભરમારથી નીકળી જવાનો છું હવે
હું સર્વનાં અધિકારથી નીકળી જવાનો છું હવે !

છે લાગણીની કાંધ પર બોજો બધા સંબંધનો
સંબંધનાં હર ભારથી નીકળી જવાનો છું હવે

હોવા છતાં હોવાપણું હોતું નથી અહિં હસ્તગત
હોવાની હર ચકચારથી નીકળી જવાનો છું હવે

જન્મોજનમની શૂન્યતા શૂન્યાવકાશી નીકળી
આ શૂન્યવત સંસારથી નીકળી જવાનો છું હવે

મારાપણાંનો મોહ લઇ મન ક્યાંસુધી પંપાળવું?
બસ,મોહવશ હુંકારથી નીકળી જવાનો છું હવે

તણખો સજીવન સાંપડ્યો ભીતરસુધી ઝળહળ થવા
આ રાખનાં અંબારથી નીકળી જવાનો છું હવે !

વળગી શકે છે સગપણો વળગણ બની સહુ,એટલે
હું સાવ બારોબારથી નીકળી જવાનો છું હવે !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

No comments:

Post a Comment