Monday, 16 July 2012
આજ નુ "કઈંક અવનવું" ..... જીભ વિશે જાણવા જેવું!
(૧) જીભ શરીરનો સૌથી મજબૂત સ્નાયુ છે.
(૨) જીભ એક જ સ્નાયુ એવો છે કે જેનો એક છેડો ખુલ્લો અને બીજો ગળામાં જોડાયેલો છે.
(૩) જીભ પર થયેલ ચાંદી કે ઈજા સૌથી જલદી મટી પણ જાય છે.
(૪) ફિંગર પ્રિન્ટની જેમ દરેક માણસની જીભની સપાટીની પ્રિન્ટ પણ અલગ અલગ હોય છે.
(૫) મગર કદી પણ પોતાની જીભ બહાર કાઢી શકતો નથી.
(૬) કાચીંડાની જીભ તેના શરીરની લંબાઈ કરતાંય વધુ લાંબી હોય છે.
(૭) જિરાફની જીભ ઉપર ઝીણા વાળ હોય છે, એટલે તે કાંટાવાળાં ઝાડપાન ખાઈ શકે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ ની "ટૂંકી વાર્તા"..... "બ્રહ્મજ્ઞાનનો અધિકારી"
એક સાધક હતો.તે કોઈ એક મહાત્માની પાસે ગયો ને તેમને વિનંતિ કરીને કહ્યું મહાત્મા, મને "આત્મસાક્ષાત્કાર" કરાવો.
મહાત્માએ એક મંત્ર આપતાં કહ્યું બરાબર એક વર્ષ પૂરું થયા બાદ નાહી કરીને મારી પાસે આવજે. સાધકે એ પ્રમાણે મંત્ર-ઉપાસના કરતાં કરતાં એક વર્ષ વિતાવ્યું.
આ બાજુ વર્ષ પૂરું થતાં મહાત્માએ કચરો કાઢતી એક મહિલાને બોલાવીને કહ્યું જ્યારે અહીં સાધક નાહી-ધોઈને આવે ત્યારે તું એની પર કાદવ ફેંકજે.
મહિલાએ સાધકને આવતો જોતાં જ એની પર કાદવ ને કચરો ફેંક્યો. સાધક આથી ગુસ્સે થઈ તેને મારવા દોડયો.
મહિલા ભયની મારી નાસી ગઈ. સાધક ફરીથી નાહીને મહાત્માજી પાસે ગયો. મહાત્માજી બોલ્યાઃભાઈ, હજી તારો સ્વભાવ બદલાયો નથી ને સાપની જેમ જેને તેને ડસવા દોડે છે. જા, ફરી આખું વર્ષ મંત્રનો જપ કર ને પછી આવજે.
સાધકને ખરાબ લાગ્યું, પરંતુ ગુરુની આજ્ઞા માથે ચઢાવી તે ચાલ્યો ગયો ને ફરીથી મંત્ર-જપ કરવા બેસી ગયો. એમ કરતાં કરતાં બીજુ વર્ષ પણ પૂરું થવા આવ્યું.
મહાત્માજીએ ફરી પેલી મહિલાને બોલાવીને કહ્યું ‘જ્યારે પેલો સાધક આવે ત્યારે એના પગે આ ઝાડુ મારજે.
પણ મહારાજ, એ મને મારે તો ?
ના આજે તને મારશે નહિ, માત્ર લડશે.
પેલો સાધક આવ્યો કે તરત જ મહિલાએ પાછળથી એના પગ પર ઝાડુ માર્યું. સાધકે એને કઠોર શબ્દો કહ્યા ને બબડતો બબડતો તે પાછો નાહીધોઈને મહાત્મા પાસે આવ્યો ને એમની પાસે બેઠો.
મહાત્માજી બોલ્યાઃભાઈ,હવે કરડતા તો નથી છતાંય સાપની જેમ ફૂંફાડા તો માર્યા જ કરો છો. કાંઈ એવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. જા, હજી એક વર્ષ જપ-તપ કર.
આ વખતે સાધકને પોતાની ભૂલ સમજાઈ ને તે શરમાઈ ગયો. એમાં એણે મહાત્માજીની કૃપા માનીને મનમાંને મનમાં તેમની પ્રશંસા કરતો કરતો તે પાછો પોતાની જગ્યાએ આવ્યો ને ફરીથી મન દઈને મંત્ર-જપ કરવા બેસી ગયો.
ત્રીજું વર્ષ પણ પૂરું થયું. ફરી વાર મહાત્માજીએ પેલી મહિલાને બોલાવીને કહ્યું આ વખતે તારી કચરાની ટોપલી જ એના માથે નાખી દેજે. એ ખિજાશે પણ નહિ ને બોલશે પણ નહિ.
મહિલાએ એ પ્રમાણે કર્યું. પરંતુ સાધકનું મન શાંત અને પવિત્ર બની ગયું હતું. તેથી તે ન તો ચિડાયો કે ન ગુસ્સે થઈ કાંઈ અપશબ્દ બોલ્યો. ઊલટું તેણે ભંગડી પ્રત્યે કૃતજ્ઞતા દાખવી. બે હાથ જોડી કહ્યું માતા, તમારો મારી પર ભારે ઉપકાર થયો છે, મારા દુર્ગુણનો નાશ કરવા માટે તમે ત્રણ ત્રણ વર્ષેાથી પ્રયત્ન કરી રહ્યાં છો. તમારી જ કૃપાથી મારું મન સ્વચ્છ અને શુદ્વ બની ગયું છે. મારા મનમાં હવે કોઈ વિકાર રહ્યો નથી તેથી ગુરુ મહારાજ પણ આજ મને જરૂર ઉપદેશ આપશે.એટલું કહી એને પ્રણામ કરી તે ગુરુ મહારાજ પાસે જઈ એમના ચરણોમાં ઝૂકી પડયો.
ગુરુ મહારાજે તેને છાતી સરખો ચાંપ્યો. જેનું મન શુદ્વ થઈ ગયું હોય એને કાંઈ ઉપદેશ ગ્રહણ કરતાં વાર લાગે ?
અજ્ઞાનનો નાશ થયો, જ્ઞાન તો હતું જ. અજ્ઞાન દૂર થતાં જ સાધકને આત્મજ્ઞાન થયું.
"જે નમ્રતા દાખવે છે, તેને જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તે જ સાચા જ્ઞાનનો અધિકારી છે."
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ ની "હેલ્થ ટીપ્સ"...
રૂટિન લાઈફમાં જો મધનો ઉપયોગ કરવામાં આવે તો તે આપની હેલ્ધ માટે ઘણું જ સારુ માનવામાં આવે છે. આપની ઘણી શારીરિક અને
માનસિક સમસ્યાઓ દૂર કરવા મધનો ઉપયોગ થઈ શકે છે.
1 દરરોજ 25 ગ્રામ મધ જરૂર લો પણ મધ એકલુ નહીં દૂધ કે પાણી સાથે જ લો. જો રાતે સૂતા પહેલા દૂધની સાથે મધ લેવામાં આવે તો ખૂબ જ સારી ઊંઘ આવે છે અને અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.
2 ગ્લોઈંગ સ્કિન માટે પણ આપ મધનો ઉપયોગ કરી શકો છો. -બેસન, મલાઈ મધમાં મેળવી ત્વચા ઉપર લગાવો. થોડીવાર પછી ચહેરાને ધોઈ લો. ચહેરો ચમકી જશે.
3 ત્વચાનો રોગ હોય કે કપાયેલો કે બળેલ ભાગ હોય તો મધ લગાવો તો જાદુ જેવી અસર થશે. ત્વચા કોઈપણ પ્રકારના રોગ દૂર કરવા અક્સીર છે મધ
3 દૂધમાં ખાંડની જગ્યાએ મધ લેવાથી ગેસ નથી થતો અને પેટના કીડાઓ નીકળી જાય છે.
4 ખાંસી થાય ત્યારે મધની ભાપ લો અને તે પાણીથી જ કોગળા કરો. દરરોજ નવશેકા પાણીની સાથે મધ લેવાથી મેદસ્વીતામાં ઘટાડો થાય છે.
5 મધને દાંતના પેઢા ઉપર લગાવવાથી પાયોરિયા નથી થતો.
6 નાના બાળકોને દૂધ પહેલા મધ ચટાડવામાં આવે ત્યારબાદ દૂધ પીવડાવવામાં આવે તો આ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
7 બાળકોના જ્યારે દાંત નિકળતા હોય ત્યારે બાળકના પેઢા ઉપર મધ ઘસો તો આસાનીથી દાંત ફુટી નિકળશે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ નુ "જ્ઞાન".....ભગવાન વિષ્ણુના 10 અવતાર
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ જગતપાલક માનવામાં આવે છે. ધર્મની રક્ષા માટે હિન્દૂ ધર્મ ગ્રંથ શ્રીમદ્ગભાગવતપુરાણ અનુસાર સતયુગથી લઈને કલિયુગ સુધી ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા છે, જેમાં દસ મુખ્ય અવતાર છે અને બાકીના અંશાવતાર છે.જે માત્ર કોઈ કામ માટે અવતરીને કામ પૂરું કરી તરત અદ્રશ્ય થઈ જાય તેને "અંશાવતાર" કહે છે.
01 મત્સ્ય અવતાર – જ્યારે પ્રલય થઈ રહ્યો હતો ત્યારે તેમાંથી સત્ કર્મિઓને બચાવવા માટે "મત્સ્ય" અવતાર ધારણ કર્યો હતો.
02 કૂર્મ વતાર – જ્યારે દેવો અને દાનવો સમુદ્રમંથન કર્યું હતું ત્યારે મંદારા પર્વત ફરી શકે તે માટે સમુદ્રમંથન સમયે "કૂર્મ" (કાચબા) અવતાર લીધો હતો.
03 વરાહ અવતાર – હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે પૃથ્વી વરાહ ભગવાનના દાંત પર સલામત રૂપે રહેલી છે. પ્રલય કાળે પૃથ્વીને બચાવવા માટે આ અવતાર લીધો હતો.
04 નરસિંહ અવતાર – અડધુ શરીર ‘નર’-માણસનું અને અડધું ‘સિંહ’નું ધારણ કરી અને પોતાના ભક્ત પ્રહ્લાદને બચાવ્યો અને હિરણાકશ્યપનો સંહાર કર્યો હતો.
05 વામન અવતાર – ઠીંગણા બ્રાહ્મણ વેશ ધરી અને બલિ રાજા પાસેથી ત્રણ વેત જમીન માપી સમગ્ર પૃથ્વી-પાતાળ-સ્વર્ગ છોડાવ્યું.
06 પરશુરામ અવતાર – બ્રાહ્મણના રૂપે જન્મેલ યોદ્ધાના અવતારમાં તેણે પાપી, દુરાચારી રાજાઓનો સંહાર કર્યો.
07 શ્રીરામ અવતાર – મર્યાદા પુરુષોત્તમના રૂપે જન્મ લઈ અને અનેક પ્રાણીને મોક્ષ આપતા રાવણનો ઉદ્ધાર કર્યો
08 બુદ્ધ અવતાર – ક્ષમા, શીલ અને શાંતિના રૂપે અવતાર લઈ અને સંસારને શાંતિનો માર્ગ બતાવ્યો.
09 શ્રીકૃષ્ણ અવતાર – 16 કલાઓના પૂર્ણ અવતાર રૂપ જીવનની ઘણી સમજ સાથે સમાજને શિક્ષા આપી કંસ ઉદ્ધાર અને કૌરવોના સંહારમાં કારણભૂત થઈ પ્રેમતત્વ રુપે સ્થાપિત થયા.
10 કલ્કી અવતાર – આ અવતાર કલિયુગના અંતમાં થનાર છે તેવી ભવિષ્યવાણી શાસ્ત્રોએ કરી છે. અને અવતાર ધરી સૃષ્ટિનો સંહાર કરશે.
આ અવતાર સફેદ ઘોડા પર બેસી હાથ માં તલવાર લઇ બુરાઇ નો નાશ કરશે
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
Subscribe to:
Posts (Atom)






