Friday 19 April 2013



આજ ની "ટૂંકી વાર્તા"..."શરણાગત"

રાવણ સીતાનું હરણ કરી ગયો. દંડકારણ્યને પસાર કરી વાનરો અને રીંછોની સેના સહિત ભગવાન રામચંદ્ર અને વીરમૂર્તિ લક્ષ્મણજી સમુદ્ર પાસે આવ્યા. 
ત્યાં રામેશ્વર લિંગની સ્થાપના કરી તેની પૂજનવિધિ કરી, નળ અને નીલ દ્વારા રચાયેલા સેતુ ઉપરથી આખી સેના સહિત ભગવાન રામચંદ્રજી પસાર થયા અને લંકાગઢની બહાર સાગરકિનારે પડાવ નાખ્યો.
એ વાત જાણીને પોતાના ભાઈ રાક્ષસરાજ રાવણને સીતાજી રામચંદ્રને પાછાં સોંપી દેવાની વિભીષણે શિખામણ આપી.
આથી ક્રોધે ભરાઈને કુબુદ્ધિ અભિમાની રાવણે ભરસભામાં વિભીષણનું અપમાન કરી તેને લંકાની બહાર તગેડી મૂક્યો.
વિભીષણજી પગે ચાલતાં-ચાલતાં ભગવાન રામચંદ્રને શરણે આવ્યા.
તેમને લંકાગઢમાંથી એકલા આવતા જોઈ સુગ્રીવ અનેક જાતના તર્ક-વિતર્ક કરવા લાગ્યો. તે જાસૂસી કરવા આવ્યા હશે તો? ઓચિંતો આવી રામચંદ્રજી પર હુમલો કરશે તો?
આમ વિચારી તે રામચંદ્રજી પાસે આવી કહે છે, ‘ભગવન્ સાવધ રહેજો. રાક્ષસો કુટિલ હોય છે. આપણા કટ્ટર શત્રુ રાવણનો ભાઈ વિભીષણ આવે છે. બહારથી તો આપનો ભક્ત દેખાય છે, પણ રાક્ષસ છે અને રાજનીતિમાં કોઈનો વિશ્વાસ કરવો નહીં.’
આ શબ્દો સાંભળી ભગવાન રામચંદ્રે સ્મિત કરીને જવાબ આપ્યો, ‘તમે નિશ્ચિત રહો, હું બધાના મનના ભાવ જાણું છું.’
વિભીષણે પાસે આવી નમન કર્યા.
ભગવાન રામે તેમને આવકારતા કહ્યું, ‘પધારો, લંકેશ... તમને જોઈને મને ખૂબ જ આનંદ થયો.’
વળી, સુગ્રીવને નવાઈ લાગી. તેમણે ભગવાન રામના કાનમાં આવી કહ્યું, ‘આપ આવું કેમ બોલ્યા? ધારો કે રાવણ ડરી ગયો અથવા તમને નમી ગયો અને સીતાજી પાછાં સોંપી દીધાં તો યુદ્ધ નહીં થાય અને તો વિભીષણ લંકેશ ક્યારેય નહીં બની શકે તો પછી આપનું વચન મિથ્યા જશે?’
આ સાંભળી રામચંદ્રે સ્મિત કરીને કહ્યું, ‘તમે નિશ્ચિત રહો, સુગ્રીવજી! જો એવું બને તો રાવણ લંકાનો રાજા રહેશે અને મારી અયોધ્યાનગરીનો રાજા હું વિભીષણને બનાવીશ, પણ મારું વચન તો સત્ય કરી બતાવીશ જ. મને તો ૧૪ વરસથી વનમાં રહેવાની ટેવ છે એટલે હું વનમાં જ રહીશ. તમે નિશ્ચિત જ રહો.’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન" ...." રામ-રાવણ અને રામાયણ "

આજ ના રામનવમી ના દિવસે જાણો 
રામ-રાવણ અને રામાયણ વિશેની 25 રસપ્રદ વાતો
ભગવાન શ્રી રામના જીવનનું વર્ણન આમ તો ઘણાં ગ્રંથોમાં મળે છે, પણ આ બધામાં વાલ્મિકી રામાયણને જ સૌથી ચોક્કસ માનવામાં આવે છે.

1 - રામાયણ મહાકાવ્યની રચના મહર્ષિ વાલ્મિકીએ કરી છે. આ મહાકાવ્યમાં 24 હજાર શ્લોક, પાંચ સો ઉપખંડ તથા ઉત્તર સહિત સાત કાંડ છે. જે સમયે રાજા દશરથે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો ત્યારે તેનું આયુષ્ય લગભગ 60 હજાર વર્ષની હતી.

2 - રામાયણ અનુસાર રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞના મુખ્ય ઋષિ તરીકે ઋષ્યશૃંગે સંપન્ન કર્યો હતો. ઋષ્યશૃંગના પિતાનું નામ વિભાંડક હતું, એક દિવસ નદીમાં સ્નાન કરતા વીર્યપાત થયેલું અને તે હરણીએ પી લીધું હતું, જેના ફળ સ્વરૂપે ઋષ્યશૃંગનો જન્મ થયો હતો.

3 - વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પુનર્વસુ નક્ષત્રમાં કર્ક લગ્નમાં થયો હતો. તે સમયે સૂર્ય, મંગળ, શનિ, ગુરુ વિરાજમાન હતા. ભરતનો જન્મ પુષ્યનક્ષત્ર તથા મીન લગ્નમાં થયો હતો, જ્યારે લક્ષમ્ણ અને શત્રુઘ્નનો જન્મ આશ્લેષા નક્ષત્ર અને કર્ક લગ્નમાં થયો હતો. તે સમયે સૂર્ય પોતાના ઉચ્ચ સ્થાનમાં વિરાજમાન હતા.

4 - તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસમાં વર્ણન છે કે રામજીએ સીતા-સ્વયંવરમાં શિવધનુષ ઉઠાવી અને પ્રત્યંચા ચઢાવતા સમયે તૂટી ગયું હતું, જ્યારે વાલ્મિકી દ્વારા રચિત રામાયણમાં સ્વયંવરનું વર્ણન જ નથી. રામાયણ અનુસાર જ્યારે ભગવાન રામ તથા લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્રની સાથે મિથિલ પહોંચ્યા તો વિશ્વામિત્રએ જ રાજા જનકથી શ્રી રામને તે શિવધનુષ જોવા માટે કહ્યું. ત્યારે ભગવાન શ્રી રામે રમતા-રમતા જ તે ધનુષને ઉઠાવી લીધું અને તે તૂટી ગયું. રાજા જનકે સંકલ્પ લીધો હતો કે શિવજીનું ધનુષ્ય જે ઉઠાવશે અને તુટી જશે તે પોતાની પુત્રી સીતાના લગ્ન કરી દેશે.

5 - રામચરિત માનસ અનુસાર સીતા સ્વયંવરના સમયે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા હતા, જ્યારે રામાયણ અનુસાર વિવાહ પછી જ્યારે રામજી અયોધ્યા પાછા ફરી રહ્યા હતા ત્યારે પરશુરામનું મિલન થયું હતું. શ્રી રામે પરશુરામનું બાણ ચઢાવી દીધું તે જોઈને તે ત્યાંથી ચાલ્યા ગયા હતા.

6 - જે સમયે ભગવાન શ્રી રામ વનવાસ ગયા, તે સમયે તેની ઉમર 27 વર્ષની હતી. રાજા દશરથ શ્રી રામને વનવાસમાં મોકલવા નહોતા ઈચ્છતા પણ તે વચન બદ્ધ હતા. જ્યારે શ્રી રામને રોકવાના કોઈ ઉપાય ન સુઝ્યો ત્યારે તેમણે કહ્યું કે તું મને બંદી બનાવીને રાજા બની જા.

7 - જ્યારે લક્ષ્મણે શ્રી રામને વનવાસ આપવાના સમાચાર મળ્યા ત્યારે ખૂબ ક્રોધિત થઈ ગયા અને તેને પોતાના પિતા દશરથ સાથે જ યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું, રામના સમજાવાથી તે શાંત થયા.

8 - રાજા દશરથે જ્યારે શ્રી રામને વનવાસ જવાનું કહ્યું ત્યારે તેમણે ધન-દોલત, એશ્વર્યનો સામાન, રથ વગેરે શ્રી રામને આપવાની ઈચ્છા કરી, પણ કૈકેયીએ તેને અટકાવી દીધા.

9 - પોતાના પિતા રાજા દશરથના મૃત્યુનો આભાસ ભરતને પહેલા જ એક સ્વપ્નના માધ્યમથી થઈ ગયા હતા. સપનામાં ભરતે રાજા દશરથને કાળા વસ્ત્ર પહેરાવી દીધા હતા. તેની ઉપર પીળા રંગની સ્ત્રીઓ પ્રહાર કરી રહી હતી. સપનામાં રાજા દશરથ લાલ રંગના ફૂલોની માળા પહેરેલી અને લાલ ચંદન લગાવેલા ગધેડા જોડેલા રથમાં બેસીને દક્ષિણ (યમની દિશા) તરફ જઈ રહ્યા હતા.

10 - હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા છે, જ્યારે રામાયણના અરણ્યકાંડના ચૌદમાં સર્ગના ચોદમા શ્લોકમાં માત્ર 33 દેવતા જ જણાવાયા છે. તેના અનુસાર બાર આદિત્ય, આઠ વસુ, અગીયાર રુદ્ર અને બે અશ્વિની કુમાર, આ જ કુલ 33 દેવતા છે.

11 - સીતાહરણ કરતા સમયે જટાયુ નામના ગીદ્ધે રાવણને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. રામાયણ અનુસાર આ જટાયુના પિતા અરૂણ જણાવાયા છે. આ અરુણ જ ભગવાન સૂર્યદેવના રથને સારથી છે.

12 - એ વાત બધા જાણે છે કે લક્ષ્મણ દ્વારા શૂર્પર્ણખાના નાક-કાન કાપવાથી ક્રોધિત થઈને રાવણે સીતાનું હરણ કર્યું હતું પણ સ્વયં શુર્પર્ણખાએ પણ રાવણનો સર્વનાશ થવાનો શ્રાપ આપ્યો હતો. કારણ કે રાવણ જ બહેન શુર્પર્ણખાનો પતિ વિદ્યુતજિવ્હ હતો. તે કાળકેય નામના રાજાનો સેનાપતિ હતો. રાવણ જ્યારે વિશ્વયુદ્ધ પર નીકળ્યો તો કાળકેય સાથે તેનું યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાવણે વિદ્યુતજિવ્હનો વધ કર્યો. ત્યારે શૂર્પર્ણખાએ મનમાંને મનમાં રાવણને શ્રાપ આપ્યો કે મારા કારણે તારો સર્વનાશ થશે.

13 - જે દિવસે રાવણ સીતાનું હરણ કરી અશોકવાટિકામાં લાવ્યો, તે રાતના ભગવાન બ્રહ્માનું કહેવાથી દેવરાજ ઈન્દ્ર માતા સીતા માટે ખીર લઈને આવ્યા, પહેલા દેવરાજે અશોકવાટીમાં રહેલા બધા રાક્ષસોને મોહિત કરી સુવડાવી દીધા, ત્યાર પછી માતા સીતાને ખીર અર્પણ કરી કે જેના ખાવાથી સીતાજીની ભૂખ-તરસ શાંત થઈ ગઈ.

14- જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં સીતાની ખોજ કરી રહ્યા હતા. તે સમયે કબંધ નામના રાક્ષસનો રામ-લક્ષ્મણે વધ કર્યો. ખરેખર તો કબંધ એક શ્રાપના કારણે આવો થઈ ગયો હતો. જ્યારે રામે તેના શરીરને ભસ્મ કર્યું તો તે શ્રાપથી મુક્ત થઈ ગયો. કબંધે જ રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવાનું કહ્યું હતું.

15 - રામચરિતમાનસ અનુસાર સમુદ્રએ લંકા જવા માટે રસ્તો ન આપ્યો તો લક્ષ્મણ ક્રોધિત થયા હતા. જ્યારે રામાયણમાં વર્ છે કે લક્ષ્મણ નહીં પણ રામ સમુદ્ર પર ક્રોધિત થયા હતા અને તેણે સમુદ્રને સુકાઈ જાય તેવું બાણ છોડ્યું હતું. ત્યારે લક્ષ્મણ તથા અન્ય લોકોએ ભગવાન શ્રી રામને સમજાવ્યું હતું.

16 - બધા જાણે છે કે સમુદ્ર પર પુલનું નિર્માણ નળ નામના વાંદરાએ કર્યું હતું. કારણ કે તેને શ્રાપ મળ્યો હતો કે તેના દ્વારા પાણીમાં ફેંકવામાં આવેલી વસ્તુ પાણીમાં ડૂબશે નહીં, જ્યારે વાલ્મિકી રામાયણ અનુસાર નળ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માના પુત્ર હતો અને તે સ્વયંપ પણ શિલ્પકળામાં નિપુણ હતો. પોતાની આ કળાથી તેને સમુદ્ર પર સેતુનું નિર્માણ કર્યું હતું.

17 - રામાયણ અનુસાર સમુદ્ર પર પુલ બનાવવામાં પાંચ દિવસનો સમય લાગશે. પહેલા દિવસે વાંદરાઓએ 14 યોજન બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ પ્રકારે કુલ 100 યોજન લાંબો પુલ સમુદ્ર પર બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો.

18 - એકવાર રાવણ કૈલાસમાં ગયો તો તે નંદિને જોઈને હસવા લાગ્યો અને નંદિને વાંદરા જેવા મુખ વાળો કહ્યો તેથી ક્રોધિત થઈ નંદીએ શ્રાપ આપી દીધો કે વાંદરના હાથે તારું સર્વનાશ જશે.

19 - રામાયણ અનુસાર જ્યારે રામાયણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત ઉપાડી લીધો હતો ત્યારે માતા પાર્વતી ભયભીત થઈ ગયા હતા અને તેને રાવણને શ્રાપ આપ્યો હતો કે તમારું મૃત્યુ કોઈ સ્ત્રીના કારણે જ થશે.

20 - જે સમયે રામ-રાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે દેવરાજ ઈન્દ્રએ પોતાનો દિવ્યરથ શ્રી રામ માટે મોકલ્યો હતો. તે રથમાં બેસીને જ ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો.

21 - જ્યારે ઘણાં સમય સુધી રામ-રાવણનું યુદ્ધ ચાલતું રહ્યું ત્યારે અગત્સ્ય મુનિએ શ્રી રામને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવાનું કહ્યું, જેના પ્રભાવથી ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો.

22 - રામાયણ અનુસાર રાવણ જે સોનાની લંકામાં રહેતો હતો, તે લંકા પહેલા રાવણના ભાઈ કુબેરની હતી. જ્યારે રાવણે વિશ્વ વિજય પર નીકળ્યો હતો તો તેને પોતાના ભાઈ કુબેરને હરાવીને સોનાની લંકા તથા પુષ્પક વિમાન પર કબ્જો કરી લીધો.

23 - રામાયણ અનુસાર એક વાર રાવણ પોતાનું પુષ્પક વિમાનથી વિહાર કરી રહ્યો હતો, ત્યારે તે એક સુંદર સ્ત્રી જોવા મળી, તેનું નામ વેદવતી હતું. ભગવાન વિષ્ણુને પતિના રૂપમાં મેળવવા માટે તપસ્યા કરી રહી હતી. રાવણે તેના વાળ પકડ્યા અને પોતાની સાથે ચાલવા કહ્યું. તે તપસ્વિનીએ તે ક્ષણે પોતાનો દેહ ત્યાગી દીધો અને રાવણને શ્રાપ આપ્યો કે એક સ્ત્રીના કારણે જ તારું મૃત્યુ થશે. તે સ્ત્રી બીજા જન્મમાં સીતાના રૂપમાં જન્મ લીધો.

24 - રાવણ જ્યારે વિશ્વ વિજય પર નીકળ્યા તો તે યમલોક પણ જઈ પહોંચ્યો. ત્યાં યમરાજ અને રાવણની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે યમરાજે રાવણના પ્રાણ લેવા માટે કાળદંડનો પ્રયોગ કરવા ઈચ્છ્યો તો બ્રહ્માએ એવું કરતા અટકાવ્યા કારણ કે કોઈ દેવતા દ્વારા રાવણનો વધ શક્ય ન હતો.

25 - રાવણના પુત્ર મેઘનાદે જ્યારે યુદ્ધમાં ઈન્દ્રને બંદી બનાવ્યો તો બ્રહ્માજીએ દેવરાજ ઈન્દ્રને છોડીને કહ્યું ઈન્દ્ર પર વિજય પ્રાપ્ત કરવાના કારણે જ મેઘનાદ ઈન્દ્રજીતના નામથી વિખ્યાત થયો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી



જીવન માં વિચારવા જેવું .....

જીદગીં માં ક્યારે પણ એવી ભૂલ ન કરવી જેને બદલવી અશ્કય છે.
કારણ કે જે ભૂલ ને સુધારવી શક્ય છે તે તમને "પ્રગતિ" તરફ લઇ જશે..
અને જે ભૂલ ને સુધારવી અશક્ય છે તે તમને આપશે .....
જીદંગીભર નો ખુબ જ મોટો "પસ્તાવો" ...!!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ ની "વાહ-વાહ"

ઘણુ જીવી ચુક્યા અમે, હવે જીદગીં જીવી ને શું કરીએ..?
આ ઝેર પણ એવુ છે કે પીઇ ને શું કરીએ..?
જેના આધાર થી આ જીદગીં જીવતા હતા અમે ,
એ યાદો ને ભુલી ને પણ શું કરીએ અમે..!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

ઈશ્વર પાસે ઘણો સમય છે તમારી પ્રાથના "ધ્યાન" થી સાંભળવા માટે 
પણ શું તમારી પાસે સમય છે ........
ઈશ્વર પાસે "દિલ" થી પ્રાથના કરવા માટે ????

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

હું અને મારા પ્રભુ બંને એક જેવા છીએ.
બંને દરરોજ ભૂલી જઈએ છીએ.
તે મારી "ભૂલો" ને
અને હું તેમની "મહેરબાની" ને .!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"..."કીમતી પથ્થર"

એક હતો રાજા. તેનું રાજ્ય અત્યંત સમૃદ્ધ હતું. રાજ્યભંડારો ભરપૂર ભરેલા હતા. આ વૈભવશાળી રાજ્યમાં એક મહાત્મા આવી ચડ્યા.

મહાત્મા તો ફરતા રામ હતા. ફરતા-ફરતા રાજમહેલમાં આવી ચડ્યા. મહાત્માજીનું નામ પ્રસિદ્ધ હતું એટલે રાજાએ તેમનો યોગ્ય આદરસત્કાર કર્યો અને પોતાના મહેમાન બનવા વિનંતી કરી. મહાત્માએ એ વિનંતીને માન્ય રાખી.

મહાત્મા રોજ ધર્મપ્રવચનો કરતા હતા. મહાત્માનાં એ પ્રવચનો રાજા અને પ્રજા બન્નેને રુચ્યાં. આમ થોડા દિવસો પ્રવચનોનો લાભ આપી મહાત્માએ રાજા પાસે વિદાય માગી.

રાજાને પોતાના સમૃદ્ધ રાજ્યભંડારનું ગૌરવ હતું એટલે તેમણે મહાત્માને કહ્યું, ‘મહારાજ, આપના જેવા સંતમહાત્માઓની કૃપાથી મારો રત્નભંડાર સમૃદ્ધ બન્યો છે. મારા એ કીમતી રત્નભંડાર પર જરા નજર નાખો એવી મારી વિનંતી છે.’

રાજાની વિનંતી સ્વીકારીને મહાત્મા રાજાનો રત્નભંડાર જોવા ગયા.

રાજાએ રત્નભંડારનાં એક પછી એક કીમતી રત્ન મહાત્માને બતાવવા માંડ્યાં. મહાત્મા અન્યમનસ્કપણે બધું જોઈ રહ્યા હતા. છેવટે તેઓ બોલ્યા, ‘રાજન, તમે તમારા કીમતી પથ્થરો બતાવ્યા, પરંતુ હજી સૌથી કીમતી પથ્થર તો બતાવો?’

તરત જ આનંદિત થઈ રાજા એક મોટો કીમતી હીરો લઈ આવ્યા અને મહાત્માને બતાવતાં બોલ્યા, ‘આ સૌથી કીમતી છે.’

આછું સ્મિત ફરકાવતાં મહાત્માએ કહ્યું, ‘રાજા, તારી વાત સાચી નથી. તારા રાજ્યમાં હું ઠીક-ઠીક ફર્યો છું. આથી પણ વધુ કીમતી પથ્થરો મેં તારા રાજ્યમાં જોયા છે. મને લાગે છે તને એની કંઈ જ ખબર નથી. ચાલ મારી સાથે, તને હું બતાવું. જે એ પથ્થર- રત્નનાં રોજ દર્શન કરશે તે સુખી થશે જ.’

રાજા તરત મહાત્માની સાથે ગયો.

મહાત્મા તેને એક ગરીબ ડોશીની ઝૂંપડીમાં લઈ ગયા. એ વખતે ડોશીમા ઘંટીએ બેઠાં-બેઠાં અનાજ દળતાં હતાં.

ઘંટીનો એ પથ્થર બતાવીને મહાત્મા બોલ્યા, ‘હું આ રત્નની વાત કરતો હતો. આ ગરીબ ડોશીમાની આજીવિકાનું આ એકમાત્ર સાધન છે. સવારના પહોરમાં આ પથ્થર-રત્નનું દર્શન કરી જે મહેનત કરે તેને એ કદી ભૂખે મારતું નથી. બોલ, તારા હીરા-માણેક ખાવાના કંઈ કામમાં આવવાના છે? જોકે એ પણ પથ્થર જ છે અને આ પણ પથ્થર છે. પરંતુ સર્વોચ્ચ મૂલ્યવાન પથ્થર કર્યો કહેવાય? જે ઉપયોગમાં આવે એ, માત્ર રૂપ શા ખપનું?’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી